Sun Sep 13 2026

Logo

શ્રીલંકાના દરિયાકાંઠે ઈરાન નૌકાદળનું જહાજ ડૂબ્યું! યુએસએ સબમરીનથી હુમલો કર્યો હોવાની આશંકા...

colombo   2026-03-04 16:21:11
Author: Savan Zalariya
શ્રીલંકાના દરિયાકાંઠે ઈરાન નૌકાદળનું જહાજ ડૂબ્યું! યુએસએ સબમરીનથી હુમલો કર્યો હોવાની આશંકા...

Ricardo Moraes/Reuters


કોલંબો: પશ્ચિમ એશિયામાં ફાટી નિકળેલા યુદ્ધની જ્વાળા શ્રીલંકાના દરિયાકાંઠા સુધી પહોંચી હોવાના અહેવાલ છે. અહેવાલ મુજબ શ્રીલંકાના દરિયાકાંઠા પાસે ઈરાન નેવીના જહાજ તરફથી કટોકટીનું સિગ્નલ મળતા શ્રીલંકન નેવીએ રેસ્ક્યુ ઓપરેશન શરુ કર્યું છે. અહેવાલ મુજબ 78 લોકો ઘાયલ થયા છે અને 100થી વધુ લોકો ગુમ થયા છે.  

શ્રીલંકાના સંરક્ષણ અને શ્રીલંકાન નેવીના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવવામાં આવ્યું કે શ્રીલંકાના દરિયાઈ ક્ષેત્રમાં ડૂબી રહેલા ઈરાનના ફ્રિગેટ આઇરિસ ડેના પર સવાર લોકોને બચાવવા માટે જહાજો અને વિમાન મોકલવમાં આવ્યા હતાં. 

અહેવાલ મુજબ શ્રીલંકાના વિદેશ પ્રધાન વિજિથા હેરાથે સંસદમાં જણાવ્યું હતું કે જહાજમાં 180 ક્રૂ મેમ્બર્સ સવાર હતાં, જેમાંથી 30ને બચાવીને દક્ષિણમાં આવેલી એક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે.

શ્રીલંકાના સ્થાનિક ન્યુઝ પોર્ટલના અહેવાલ મુજબ ગેલથી લગભગ 40 નોટિકલ માઇલ દૂરથી કટોકટીનું સિગ્નલ મળ્યું હતું. કટોકટીનો સંદેશ મળ્યા બાદ હાથ ધરવામાં આવેલા ઓપરેશનની ચોક્કસ વિગતો હજુ સુધી જાણી શકાઈ નથી.

ઈરાની જહાજ ડૂબવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, યુએસ-ઈઝરાયલ અને ઈરાન એક બીજાના જહાજોને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે અહેવાલ છે કે હિન્દ મહાસાગરમાં હાજર યુએસ નેવીની સબમરીને ઈરાનના જહાજને નિશાન બનાવ્યું હોઈ શકે છે.