Fri Jun 19 2026

Logo

૩ દાયકા પછીય ભાજપમાં ન ભળ્યા તો કૉંગ્રેસમાં શું કામ જઈએ? ઉદ્ધવ

2026-06-19 22:13:09
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનાને કૉંગ્રેસમાં વિલીન થવાની હોવાનો અહેવાલને નકારી કાઢતા શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પક્ષના ૬૦માં વર્ધાપન દિવસે કહ્યું હતું કે ૩૦ વર્ષ સુધી ભાજપમાં રહીને તેમની સાથે વિલીન થયા નહીં તો કૉંગ્રેસ કેવી રીતે અમે વિલીન થવાના હતા? શિવસેનાનો જન્મ અન્ય પક્ષમાં વિલીન થવા માટે થયો ન હોવાનો હુંકાર ભણતા કહ્યું હતું કે હું ભાગી જનારા લોકોમાનો નથી. જયાં સુધી શિવસૈનિકોનો મારા પર વિશ્ર્વાસ છે શિવસેનાને કોઈ ખતમ કરી શકશે નહીં એવું કહીને બળવાખોરોને કપાળ પરનો ગદ્દારીનો ટીકો કેવી રીતે મીટાવશો એવો  સવાલ કર્યો હતો.

શિવસેનાના ૬૦માં સ્થાપના દિવસની ઊજવણી સાયનમાં આવેલા ષણ્મુખાનંદ સભાગૃહ કરવામાં આવી હતી એ દરમ્યાન ભાજપ, એકનાથ શિંદે સહિત બળવાખોરોને આડે હાથ લેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે હું કોઈને મળતા નથી. કામ કરવા માટે ભંડોળ મળતું નથી એવા આરોપ કરનારા મારી તો ટીકા કરેે છે પણ આદિત્ય પર પણ ખોટા આરોપ કરો છે. હું કોઈને મળતો નથી એવા આરોપ કરો છો તે તમે ચૂંટાઈને આવ્યા કેવી રીતે? એનો જવાબ મતદારોને આપો. પોતાના છ સાંસદોને ફોડનારા એકનાથ શિંદે પર કટાક્ષ કરતા ઉદ્ધવે કહ્યું હતુંં કે આ લોકોને બીજાના બાપને ચોરવા પડે છે. આ લોકોની ફોડાફોડીને કારણે લોકોનો વિશ્ર્વાસ તૂટી ગયો છે. 

છ સાંસદોને બળવાથી પક્ષને પડેલા મોટા ફટકા બાદ ઉદ્ધવ પોતાના ભાષણમાં કહ્યું હતું કે  ખેડૂતોને તેમના પાકનો ભાવ મળતો નથી પણ સાંસદો અને વિધાનસભ્યોને ખોખા ભરીને તેમની કિંમત મળે છે. આવા લોકોને જીતાડવા બદલ મતદારોની જાહેરમાં માફી માગુ છું કહીને ઉદ્ધવે  શિવસૈનિકોને અપીલ કરી હતી કે આ લોકોને જીતાડવામાં મહેનત કરી હતી તો હવે આ ગદ્દારો પાસે જઈને તેમની ગદ્દારી માટે જવાબ માગો.

ઉદ્ધવ પોતાના ભાષણમાં ભાજપની આકરી ટીકા કરતા કહ્યું હતું કે ૬૦ વર્ષમાં અનેક વખત શિવસેનાના ભાગલા પડયા છે પણ શિવસેનાને કોઈ ખતમ કરી શકી નથી. આ લોકો દેશના તમામ વિરોધપક્ષને ફોડવાનું જ કામ કરવા માગે છે. ભાજપે દગો આપ્યો એટલે જ મને મુખ્ય પ્રધાન બનવું પડ્યું હોવાનું બોલતા ઉદ્ધવે કહ્યું હતું કે મોદીની લહેર હોવા છતાં લોકોએ મારા પર વિશ્ર્વાસ રાખ્યો હતો અને મને જીતાડયો હતો. 

પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને હરાવવા માટે ભાજપે ભારતના સુરક્ષા બળનો ઉપયોગ કર્યો. આ લોકો વન પાર્ટી નો ઈલેકશનની પોલિસીને માને છે. એટલે જે વિરોધપક્ષને અરજી ભરવા દેવામાં આવતી નથી. ઈલેકશન કમિશન સહિત સુપ્રિમ કોર્ટના જજ સુદ્ધા તેમની સામે ઝુકી ગઈ છે. આ લોકોથી લોકશાહીને જોખમ છે એવો દાવો પણ ઉદ્ધવે પોતાના ભાષણમાં કર્યો હતો. હિંદુત્વનો ઢોંગ કરનારા ભાજપ કરતા તો  કૉંગ્રેસ સારી એવું  બોલતા ઉદ્ધવે કહ્યું હતું કે કૉંગ્રેસે પણ શિવસેના ફોડી હતી પણ તેઓએ કોઈ દિવસ અમારો આટલો છળ કર્યો નહોતો. ખોટું બોલી નથી.

પોતાના ભાષણને સમાપ્ત કરતા પહેલા ભાવુક બની ગયેલા ઉદ્ધવ શિવસૈનિકોને અપીલ કરી હતી કે જો શિવસૈનિકોને તેના પર ભરોસો ન હોય તો તેઓ પક્ષના નેતા પદેથી રાજીનામું આપી દેવા તૈયાર છે. જો કોઈ શિવસૈનિક પક્ષનું નેતૃત્વ સ્વીકારવા તૈયાર હોય તો તેઓ હટવા તૈયાર છે.