Sat Aug 15 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:23 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-23 08:36:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-23 22:37:35

ભારે વરસાદને લીધે મુંબઈ જતી અનેક ટ્રેનો રદ્દ

ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે આવતીકાલે અનેક ટ્રેન કેન્સલ રદ્દ કરવામાં આવી છે.  જેમાં 12901 દાદર - અમદાવાદ ગુજરાત મેલ, 12934/33 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ કર્ણાવતી, 12932/31 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ ડબલ ડેકર, 22962/61 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ વંદે ભારત  અને 82902/901 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ તેજસ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

2026-07-23 22:10:19

અમદાવાદમાં છેલ્લા 12 કલાકમાં 11 ઇંચ વરસાદ, શહેર બેટમાં ફેરવાયુ

અમદાવાદ શહેરમાં સવારના 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીમાં સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી  પાણી નિકાલન છતાં બેટમાં ફેરવાયા  છે. જેમાં શહેરમાં પોશ વિસ્તાર બોપલ અને સિંધુ ભવન રોડ જળમગ્ન થયા છે.

2026-07-23 22:09:50

કૉમનવેલ્થ: બૉવ્લ્સની રમતમાં સોનોવાલે ભૂતપૂર્વ વિશ્વવિજેતાને હરાવ્યો

કૉમનવેલ્થ ગેમ્સમાં લૉન બૉવ્લ્સ નામની રમતની મૅચમાં આસામના એશિયન ચૅમ્પિયન પુતુલ સોનોવાલે ગુરુવારે 2023ના વર્લ્ડ ચૅમ્પિયન કૅનેડાના રાયન બેસ્ટરને હરાવીને સનસનાટી મચાવી દીધી હતી. પહેલી જ વખત આ રમતોત્સવમાં ભાગ લઈ રહેલા સોનોવાલે પ્રથમ સેટ 5-4થી જીતી લીધા બાદ બીજો સેટ 3-7થી ગુમાવ્યો હતો. જોકે ટાઇબ્રેકરમાં સોનોવાલે જીતીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તે બીજા રાઉન્ડમાં ફૉકલૅન્ડ ટાપુના સેસિલ ઍલેક્ઝાંડર સામે રમશે.

2026-07-23 21:08:06

દિલ્હીના વિરોધ પ્રદર્શન મુદ્દે બોલીવુડ અભિનેતા સલમાન ખાનની અપીલ

દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન મુદ્દે હવે બોલીવુડ અભિનેતા સલમાન ખાનને અપીલ કરી છે.  તેમણે એક્સ પર વિદ્યાર્થીઓ અને સોનમ વાંગચુક બંનેને ખાસ અપીલ કરી છે. તેમણે વિદ્યાર્થીઓને ચિંતા કર્યા વિના ઘરે પાછા ફરવા વિનંતી કરી અને સોનમ વાંગચુકને તેમની ભૂખ હડતાળ પૂર્ણ  કરવા માટે વિનંતી કરી છે.

2026-07-23 19:31:19

વૈભવ 18 બૉલમાં હાફ સેન્ચુરી ફટકાર્યા પછી આઉટ

વૈભવ સૂર્યવંશીને આયરલૅન્ડની ટૂરમાં નહોતું રમવા મળ્યું અને ઇંગ્લૅન્ડમાં નિરાશાજનક ડેબ્યૂ કર્યું હતું, પણ ઝિમ્બાબ્વેમાં તેણે ધમાકેદાર શરૂઆત કરી છે. સિરીઝની પ્રથમ ટી-20માં તેણે માત્ર 18 બૉલમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા અને પેસ બોલર ઍન્ગારાવાના બૉલમાં કટ મારવા જતાં તેના બૅટની ઉપરની ધાર પર બૉલ અડ્યો હતો અને કરૅને કૅચ ઝીલવામાં કોઈ ભૂલ નહોતી કરી. એ સાથે, વૈભવની મનોરંજક ઇનિંગ્સનો અંત આવી ગયો હતો. ત્યારે ભારતનો સ્કોર 2/68 હતો અને 126 રનના લક્ષ્યાંક સામે 10 ઓવરમાં ભારતનો સ્કોર 2/96 હતો. ઇશાન કિશન 26 રને અને કૅપ્ટન શ્રેયસ 17 રને રમી રહ્યો હતો.

2026-07-23 19:19:00

વૈભવે અસ્સલ રૂપ બતાવવાનું શરૂ કરી દીધું

ભારતે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટી-20માં જીતવા 126 રનનો લક્ષ્યાંક મળ્યો ત્યાર બાદ 15 વર્ષીય ઓપનર વૈભવ સૂર્યવંશીએ પરચો બતાવવાનું શરૂ કરી દીધું હતું. તે ઇંગ્લૅન્ડમાં ત્રણેય મૅચમાં નિષ્ફળ (14 રન, 13 રન, 15 રન) ગયો હતો, પણ હરારેમાં તેણે આંતરરાષ્ટ્રીય મૅચમાં પહેલી વખત 20 રનના આંકડાને ઓળંગ્યો હતો. તેણે નવ બૉલમાં બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા. આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે વૈભવના બે સિક્સર અને બે ફોરની મદદથી 11 બૉલમાં 31 રન બન્યા હતા અને તે ક્રીઝમાં હતો. ભારતનો સ્કોર 1/33 હતો. જોકે અભિષેક શર્મા ફક્ત એક જ રન બનાવીને પેસ બોલર મુઝરબાનીના બૉલમાં કૅચઆઉટ થઈ ગયો હતો.

2026-07-23 18:30:12

ભારતને ઝિમ્બાબ્વેએ 126 રનનો લક્ષ્યાંક આપ્યો

હરારેમાં પ્રથમ ટી-20માં યજમાન ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં સાત વિકેટે 125 રન બનાવ્યા અને ભારતને 126 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો છે. વેઝલી માડેવરેના 39 રન ટીમમાં સૌથી વધુ હતા. ભારતના પાંચ બોલરમાંથી મયંક યાદવને બે અને પ્રિન્સ યાદવને બે-બે વિકેટ મળી હતી. એક-એક વિકેટ શિવમ દુબે અને રવિ બિશ્નોઈએ મેળવી હતી. ફાસ્ટ બોલર અશોક શર્માને વિકેટ નહોતી મળી, પણ તેની ચાર ઓવર બહુ ખર્ચાળ નહોતી. તેની ચાર ઓવરમાં 29 રન બન્યા હતા. હવે ભારતીય બૅટ્સમેનોએ 126 રનનો સામાન્ય લક્ષ્યાંક મેળવીને કૅપ્ટન શ્રેયસ ઐયરને પ્રથમ જીત અપાવવાની છે.

2026-07-23 18:17:26

સીજેપી શુક્રવારે પોલીસ કાર્યવાહી વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે

દિલ્હીના જંતર મંતર પર કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને નવો વળાંક લીધો છે. જેમાં હવે સીજેપી શુક્રવારે પોલીસ બર્બરતા સામે દેશભરમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે. સીજેપી એ દરેક જિલ્લામાં વિદ્યાર્થી સંગઠનોને ભેગા થવા અને વિદ્યાર્થીઓની માંગણીઓ વ્યક્ત કરવા અપીલ  કરી છે.

2026-07-23 17:27:28

બાંગ્લાદેશમાં રાજકારણ ગરમાયું, રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનના રાજીનામાની અટકળો

બાંગ્લાદેશમાં ફરી એકવાર  રાજકારણ ગરમાયું છે. જેમાં શેખ હસીના બાંગ્લાદેશ વાપસીની અટકળો પણ તેજ થઇ છે. ત્યારે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન ટૂંક સમયમાં તેમના પદ પરથી રાજીનામું આપશે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.

2026-07-23 17:26:21

હરારેમાં બે યાદવ અને દુબેની કમાલ, 32 રનમાં ચાર વિકેટ લીધી

હરારેમાં ઝિમ્બાબ્વેને ભારતે બૅટિંગ આપ્યા પછી એને મોટી મુસીબતમાં મૂકી દીધું છે. 32 રનમાં ભારતે યજમાન ટીમની ચાર વિકેટ ઝડપી લીધી છે. આઠમી ઓવરમાં ઝિમ્બાબ્વેનો સ્કોર ચાર વિકેટે 32 રન હતો. ફાસ્ટ બોલર મયંક યાદવે સિરીઝના પહેલા જ બૉલમાં ઓપનર બ્રાયન બેનેટ (0)ને વિકેટકીપર ઇશાન કિશનના હાથમાં કૅચઆઉટ કરાવીને સનસનાટી મચાવી દીધી હતી. ભારતીય ખેલાડીઓ 61 મૅચના અનુભવી અને લગભગ 2,000 રન બનાવી ચૂકેલા આ બેનેટની વિકેટ મળતાં જ આનંદિત થઈ ગયા હતા અને મયંકને અભિનંદન આપવા દોડી આવ્યા હતા. થોડી વાર બાદ પ્રિન્સ યાદવે બીજા ઓપનર બેન કરૅન (10 રન)ને વૈભવ સૂર્યવંશીના હાથમાં અને પછીની ઓવરમાં મયંક યાદવે ડિયૉન માયર્સ (છ રન)ને શિવમ દુબેના હાથમાં કૅચઆઉટ કરાવી દીધો હતો. ત્યારે ટીમનો સ્કોર માંડ 20 રન હતો. ચોથી વિકેટ શિવમ દુબેએ લીધી હતી. તેની પ્રાઇઝ વિકેટમાં કૅપ્ટન સિકંદર રઝા (ચાર રન) સબસ્ટિટ્યૂટ ખેલાડી સૂર્યાંશ શેડગેને કૅચ આપી બેઠો હતો.

2026-07-23 16:17:55

ભારતે ઝિમ્બાબ્વે સામે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી

હરારેમાં ભારતે ઝિમ્બાબ્વે સામે ટી-20 સિરીઝની પ્રથમ મૅચમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે. શ્રેયસ ઐયરના સુકાનમાં ભારતની આ ત્રીજી ટી-20 શ્રેણી છે. અગાઉની બન્ને સિરીઝમાં ભારતનો ઘોર પરાજય થયો હતો. ભારતની ટીમઃ શ્રેયસ (કૅપ્ટન), અભિષેક, વૈભવ સૂર્યવંશી, ઇશાન (વિકેટકીપર), તિલક, રિન્કુ, શિવમ દુબે, બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, અશોક શર્મા, મયંક યાદવ.

2026-07-23 16:06:53

સોનમ રધુંવશીના જામીન સુપ્રીમ કોર્ટે રદ કર્યા, હાજર થવા આદેશ

મેઘાલયમાં હનીમૂન દરમિયાન ઇન્દોરના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિની હત્યા કેસના આરોપી પત્ની સોનમ રધુંવશીના જામીન સુપ્રીમ કોર્ટે રદ કર્યા છે. તેમજ ત્રણ અઠવાડિયામાં આત્મ સમર્પણ કરવાનો આદેશ આપ્યો છે.

2026-07-23 15:13:33

નીટ પેપર લીક કેસ સંદર્ભે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે

નીટ પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલુ છે આ દરમિયાન કેન્દ્ર સરકાર એકશનમાં આવી છે. તેમજ જે સ્થળોએ પેપર લીકના કેસ દાખલ થયા છે તે ચાર સ્થળે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે. આ અંગે કેન્દ્ર સરકારે જે તે રાજ્યના ચીફ જસ્ટિસને પત્ર લખશે. તેમજ આ કોર્ટમાં તેની દરરોજ સુનાવણી કરવામાં આવશે.

2026-07-23 15:10:16

ખેડાના મહેમદાબાદમાં બે કલાકમાં 6 ઇંચ વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ, બપોરે 12 થી 2ના સમયગાળામાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ખેડાના મહેમદાબાદમાં સૌથી વધુ 6.14 ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડમાં 5.43 ઇંચ, માંડલમાં 4.45 ઇંચ, ખેરગામમાં 4.33 ઇંચ વરસાદ પડ્યો હતો.

2026-07-23 14:45:12

PM મોદીએ ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ અંગે માહિતી મેળવી

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને વિગતો મેળવી છે. વડાપ્રધાને ભારે વરસાદને કારણે રાજ્યમાં ઊભી થયેલી પરિસ્થતિમાં કેન્દ્ર સરકાર તરફથી બચાવ, રાહત અને સલામતીના પગલાંઓમાં સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.

2026-07-23 13:44:44

ભરૂચ જિલ્લામાં વરસાદથી આ રોડ વાહન વ્યવહાર માટે અસ્થાયી ધોરણે બંધ

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના કારણે કોઝવે અને બ્રિજ પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર માટે અસ્થાયી ધોરણે  ડહેલી બ્રિજ (વાલિયા - વાડી રોડ), રાજપરા બ્રીજ (વાલિયા - વાડી રોડ),  દેસાડ બ્રીજ (વાલિયા - દેસાડ - ભામડીયા - મોઝા રોડ), કુંડવા ખાડી (રાજપારડી - અવિધા રોડ) તથા  અંકલેશ્વર - હાંસોટ રોડ બંધ કરવામાં આવ્યા છે.

2026-07-23 12:35:32

ગુજરાતમાં બે કલાકમાં 142 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. આજે સવારે 10 થી બપોરના 12 કલાકના સમયગાળામાં 142 તાલુકામાં વરસાદ પડ્યો હતો.  ભરૂચના નેત્રંગમાં 4.13 ઇંચ, મહેસાણાના બેચરાજીમાં પણ 4.13 ઇંચ, સુરતના ઉમરપાડામાં 3.15 ઇંચ, નવસારીના ખેરગામમાં 3.07 ઇંચ વરસાદ પડ્યો હતો.

2026-07-23 12:09:17

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અમદાવાદ-મુંબઈ રેલવે વ્યવહાર ખોરવાયો

દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદની અસર અમદાવાદ-મુંબઈ રેલવે વ્યવહાર પર પડી છે. અમદાવાદ-મુંબઈની 7 ટ્રેન રદ કરવામાં આવી છે.

2026-07-23 11:27:07

અમદાવાદ સહિત 139 તાલુકામાં વરસાદ

રાજ્યમાં આજ સવારથી વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના 139 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 2.87 ઇંચ વરસાદ પડ્યો હતો. વ્યારામાં 2.56 ઇંચ, કામરેજમાં 2.44 ઇંચ વરસાદ નોંધાયો હતો.

2026-07-23 10:41:47

નવસારીના જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો: નદી કાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા અપીલ.

નવસારી જિલ્લામાં તથા ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે જૂજ ડેમ તેમજ કેલિયા ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે બંને ડેમના હેઠવાસના ગામો અને પૂર્ણા નદીકાંઠાના વિસ્તારોમાં પાણીના પ્રવાહમાં વધારો થવાની શક્યતા છે. નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સતર્ક રહેવા, નદીમાં કે પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા તથા જરૂર જણાય ત્યારે સ્થળાંતર અંગે તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું તાત્કાલિક પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

2026-07-23 10:05:19

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ મુખ્યમંત્રી એક્શન મોડમાં

સુરત, વલસાડ અને નવસારીમાં સારે વરસાદના પગલે મુખ્યમંત્રી એકશન મોડમાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી નરેશ પટેલને અસરગ્રસ્ત ત્રણેય જિલ્લા ખાતે  રવાના કર્યા છે. આ ઉપરાંત  IAS અધિકારીઓ રેમ્યા મોહન અને આલોક પાંડેને પણ જવા આદેશ કર્યા છે. તેમજ જે જિલ્લાઓમાં રેડ એલર્ટ છે તે જિલ્લાઓમાં તમામ પ્રભારી સચિવોને રવાના થવા  આદેશ કર્યા છે.

2026-07-23 09:24:24

PM મોદીની પોસ્ટ: પેપર લીક કરનારાઓને કડક સજા આપવા ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થપાશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું, યુવાનોનું કલ્યાણ અને તેમનું ભવિષ્ય અમારા માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે! પેપર લીકમાં સામેલ લોકો સામે ઝડપી અને કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે અમે ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થાપવાનો નિર્ણય લીધો છે. આ અંગે જરૂરી તમામ પગલાં લેવા માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટેના અમારા સતત પ્રયાસોની આ એક કડી છે. આપણા યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓને બક્ષવામાં નહીં આવે.

2026-07-23 08:43:46

સવારના બે કલાકમાં જ 108 તાલુકામાં વરસાદ

રાજ્યમાં સવારના 6 થી 8 એમ બે કલાકમાં 108 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ વલસાડના ઉમરગાવમાં સૌથી વધુ 7.20 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરતના ઉમરપાડામાં 5.12 ઇંચ, વલસાડના પારડીમાં 3.70 ઇંચ વરસાદ વરસ્યો છે.

2026-07-23 08:39:07

અતિભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાની તમામ શાળાઓ રજા જાહેર

વલસાડ જિલ્લા કલેક્ટલના આદેશથી અતિભારે વરસાદના કારણે અવર-જવરમાં મુશ્કેલી થતી હોવાથી અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે આજે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જો શક્ય હોય તો ઓનલાઈન શિક્ષણ આપી શકાશે. કલેક્ટરના નિર્દશનું તમામ શાળાઓને પાલન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

2026-07-23 08:36:53

હવામાન વિભાગે 3 જિલ્લામાં રેડ અને 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, ખેડા, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠામાં ઓરેન્જ આપવામાં આવ્યું છે. જ્યારે અમેરલી, ભાવનગર અને બોટાદ સહિત 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 31 ટકા વરસાદ થયો છે.