આપણા રસોડામાં ટામેટા વિના રસોઈની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. શાકની ગ્રેવી બનાવવી હોય કે પછી દાળમાં ખાટો-મીઠો સ્વાદ ઉમેરવો હોય કે સલાડ તૈયાર કરવું હોય ટામેટું હંમેશા મોખરે રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેને આપણે આટલા હોંશેહોંશે શાકભાજી સમજીને ખાઈએ છીએ, તે અસલમાં એક ફળ છે? હા, આ વાત બિલકુલ સાચી છે, પરંતુ આ વિવાદ એટલો સરળ નથી. તેની પાછળ એક રસપ્રદ કાનૂની લડાઈ અને વિજ્ઞાન છુપાયેલું છે. આજે આપણે આ સ્ટોરીમાં આ વિશે જ વાત કરીશું...
વિજ્ઞાન શું કહે છે?
બોટની અનુસાર, જે પણ વસ્તુ ફૂલમાંથી વિકસિત થાય છે અને જેની અંદર બીજ હોય છે, તેને ફળ ગણવામાં આવે છે. આ વ્યાખ્યા મુજબ ટામેટામાં બીજ હોવાથી તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ 100 ટકા એક ફળ છે. માત્ર ટામેટું જ નહીં, પણ રીંગણ, ભીંડા, દૂધી અને કાકડી પણ આ જ વ્યાખ્યા મુજબ ફળની શ્રેણીમાં આવે છે.
જ્યારે મામલો 'સુપ્રીમ કોર્ટ' પહોંચ્યો!
ટામેટું ફળ છે કે શાકભાજી આ સવાલ માત્ર રસોડા પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ ઈસવીસન 1893માં અમેરિકાની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો હતો! આ ઐતિહાસિક કેસનું નામ હતું 'નિક્સ વિરુદ્ધ હેડન'. એ સમયે અમેરિકામાં બહારથી આયાત થતા શાકભાજી પર ટેક્સ વસૂલવામાં આવતો હતો, જ્યારે ફળોને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી. જ્હોન નિક્સ નામના એક વેપારીએ દલીલ કરી કે ટામેટું એક ફળ છે, તેથી તેના પર શાકભાજીનો ટેક્સ ન લાગવો જોઈએ.
મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો. અદાલતે વિજ્ઞાનની વ્યાખ્યાને બાજુ પર રાખીને એક બહુ જ વ્યવહારુ ચૂકાદો આપ્યો. કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું કે ભલે વનસ્પતિશાસ્ત્રની દ્રષ્ટિએ ટામેટું એક ફળ હોય, પરંતુ સામાન્ય લોકોના રોજિંદા જીવનમાં અને રસોડામાં તેનો ઉપયોગ શાકભાજી તરીકે જ થાય છે. તેને ક્યારેય જમ્યા પછી ડેઝર્ટ તરીકે પીરસવામાં આવતું નથી. આ ચુકાદા પછી કાયદાકીય રીતે ટામેટાને શાકભાજી જાહેર કરવામાં આવ્યું અને તેના પર ટેક્સ વસૂલવાનું ચાલુ રહ્યું હતું.
ટામેટા વિશેના અન્ય 3 રોચક તથ્યો
શરૂઆતમાં ઝેરી માનવામાં આવતું હતુંઃ
જી હા, યુરોપમાં જ્યારે શરૂઆતમાં ટામેટા આવ્યા, ત્યારે લોકો તેને 'ઝેરી' માનતા હતા કારણ કે તે 'નાઈટશેડ' પ્લાન્ટ ફેમિલીમાંથી આવે છે. અમીર લોકો સીસાના વાસણોમાં ટામેટા ખાતા અને સીસાના કેમિકલ રિએક્શનને કારણે બીમાર પડતા, જેનો દોષ ટામેટા પર જતો!
અંતરિક્ષની સફર:
ઓક્ટોબર 2023માં નાસાના એસ્ટ્રોનોટ ફ્રેન્ક રુબિયોએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ટામેટા ઉગાડવાનો પ્રયોગ કર્યો હતો. સ્પેસમાં ગુમ થયેલું એ નાનકડું ટામેટું 8 મહિના પછી મળી આવ્યું ત્યારે ભારે ચર્ચા જાગી હતી.
દુનિયાભરમાં હજારો વેરાયટી:
આજે દુનિયામાં ટામેટાની 10,000 કરતાં પણ વધુ જાતો ઉપલબ્ધ છે, જેમાં લાલ ઉપરાંત પીળા, ગુલાબી, જાંબુળી અને કાળા રંગના ટામેટા પણ સામેલ છે.
તો મિત્રો હવે પછી જ્યારે પણ તમે ટામેટાનું સૂપ પીવો કે શાકમાં તેનો વઘાર કરો, ત્યારે એટલું ચોક્કસ યાદ રાખજો કે તમે રસોડાના નિયમો મુજબ ભલે 'શાકભાજી' ખાઈ રહ્યા હોવ, પણ વિજ્ઞાનની નજરમાં તમે એક 'ફળ'નો સ્વાદ માણી રહ્યા છો!