(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મેટ્રો પોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ ઉરણ, પનવેલ અને પેણ તાલુકાના ૧૨૪ ગામના જમીન માલિકોને ‘ત્રીજા મુંબઈ ’ પ્રોજેક્ટ માટે તેમની જમીન આપવા માટે તેમની સંમતિ રજૂ કરવા કહ્યું હતું. જમીન સંપાદન પ્રક્રિયામાં મૂળભૂત રીતે ફેરફાર કરીને દેશમાં પહેલી વખત સહભાગાત્મક મોડેલ લાગુ કરવામાં આવ્યું છે, જેમાં જમીનધારકોને વળતર આપવાને બદલે તેમને વિકાસ પ્રક્રિયામાંં પ્રત્યક્ષ ભાગીદાર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે
અટલ બિહારી વાજપેઈ શિવડી-ન્હાવા શેવા અટલ સેતુના પ્રભાવ વિસ્તારમાં વિકસીત થનારા નવા શહેર ‘ત્રીજા મુંબઈ ’ આ પ્રોજેક્ટ એક મહત્ત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી ગયો છે, કારણકે એમએમઆરડીએ દ્વારા જમીન સંપાદનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં રાયગડ જિલ્લાના ૧૨૪ ગામના ખેડૂતો અને જમીન માલિકોની સંમતિ માગવામાં આવી છે. જમીન માલિકોને પુનર્વિકાસ માટે તેમની સંમતિ ઓનલાઈન સબમીટ કરવા માટે કહેવામાં આવ્યુ છે. જેના ફોર્મ ૨૭ એપ્રિલથી ઉપલબ્ધ થશે.
આ સાથે જ નવી મુંબઈ ઈન્ટરનેશલ એરપોર્ટ અને મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકના પ્રભાવિત વિસ્તારમાં કર્નાલા-સાઈ ચિર્નર (કેએસસી) ન્યૂ ટાઉનના ૩૨૩.૪૪ ચોરસ મીટર જમીન સંપાદન શરૂ થાય છે. જમીન સંપાદન અંગેની પબ્લિક નોટિસ ટૂંક સમયમાં જ પ્રકાશિત કરવામાં આવવાની છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા જારી કરાયેલા સરકારી ઠરાવ મુજબ જમીન માલિકોને અનેક વળતર માટે વિકલ્પો ઓફર કરવામાં આવશે. જે ખેડૂતો સહેલાઈથી સંમતિ આપે છે તેઓ મહારાષ્ટ્ર રિજનલ પ્લાનિંગ એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટ, ૧૯૬૬ મુજબ નાણાકીય વળતર મેળવી શકે છે, જે પરસ્પર સંમતિથી નક્કી કરવામાં આવશે. વૈકલ્પિક રીતે તેઓ ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ) અથવા ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સ (ટીડીઆર)ના રૂપમાં વળતર મેળવી શકે છે. ત્રીજા વિકલ્પ તરીકે તેઓ ઉરણ, પનવેલ અથવા પેણ તાલુકામાં વિકસિત જમીનમાં તેમના વિસ્તારના ૨૨.૫ ટકાના રૂપમાં વળતર મેળવી શકે છે.
ખેડૂતો તેમના આધાર કાર્ડ, જમીન રેકોર્ડ (સાતબારા) અને આઠએ ઉતારા (જમીનના માલિકનુંં નામ, જમીનનું લોકેશન-ગામ,તાલુકાની વિગત, ટોટલ જમીનનો એરિયા, જમીન ખેતીલાયક કે બિનખેતીલાયક હોવાની વિગત, બાકી રહેલા ટેક્સની રકમ, જમીન આકારણી વિગત) સાથે તેમની સંમતિ સબમીટ કરવા માટે વિનંતી કરી છે.
.એમએમઆરડીએના અધિકારીએ જણાવ્યું હતું કે જમીન સંપાદન માટે સંમતિ નહીં આપનારા ખેડૂતોને જબરદસ્તી કરવામાં આવશે નહીં. આ પ્રોજેક્ટ ન્યૂ ટાઉનમાં મેન્ગ્રોવ્સ, જંગલ અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન વિસ્તારોને દૂર કરશે.
‘ત્રીજી મુંબઈ ’ શું છે?
કર્નાલા-સાઈ-ચિર્નર (કેએસસી) ન્યૂ ટાઉન તરીકે ઓળતાતો ‘ત્રીજા મુંબઈ’ પ્રોજેક્ટ રાડગડ જિલ્લામાં ૩૨૩.૪૪ ચોરસ મીટર વિસ્તારને આવરી લે છે. તેમાં ઉરણ, પનવેલ અને પેણ તાલુકાના ૧૨૪ ગામનો સમાવેશ થાય છે, જેનુ નામ આ વિસ્તારના મહત્ત્વપૂર્ણ ગામ પરથી પડ્યું છે. અટલ સેતુ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ નજીક હોવાથી ત્રીજી મુંબઈને એક અર્બન હબ તરીકે આયોજન કરવામાં આવ્યું છે, જે વ્યવસાય અને રોકાણોને આકર્ષિત કરશે, તેનો ફાયદો જેએનપીટી બંદર, મુંબઈ-ગોવા હાઈવે, મુંબઈ-પુણે એક્સપ્રેસવે, છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ અને નજીકના ભવિષ્યમાં બની રહેલી મેટ્રો રેલવે લાઈન -આઠ સાથે તેની નિકટતા છે. ત્રીજા મુંબઈ લોજિસ્ટિક્સ, ડેટા સેન્ટર કલસ્ટર્સ, આઈટી કંપનીઓ, ફિનટેક કંપનીઓ, રિટેલ અને મનોરંજન સ્થળનું કેન્દ્ર બનશે અને ઓફિસ, યુનિવર્સિટી, રિસર્ચ ફેસિલીટી, રહેણાંક અને કમર્શિયલ ડેવલપમેન્ટ માટે એક જીવંત ઈકોસિસ્ટમ બનશે.