ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને તાપી જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા ગાંધીનગરમાં સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરથી કરી હતી. તેમણે દક્ષિણ ગુજરાતના ભારે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં એસ.ટી. વ્યવહાર તથા માર્ગોની સ્થિતિની સમીક્ષા કરી હતી.
જિલ્લા કલેકટરો સાથે બેઠકમાંથી જ ટેલીફોન પર વાતચીત કરી
તેમણે આ જિલ્લા કલેકટરો સાથે બેઠકમાંથી જ ટેલીફોન પર વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ રેસ્ક્યુ, સ્થળાંતર સહિતની કામગીરી અને નદીઓમાં પૂરની સ્થિતિની વિગતો મેળવી હતી.
પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિથી ઉભી થયેલી સ્થિતિ અંગે વડાપ્રધાન પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સંપૂર્ણ વિગતો મેળવી હતી. તેમણે બચાવ-રાહત, સ્થળાંતર અને સલામતીના પગલાંઓમાં કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ મદદની ખાતરી મુખ્યમંત્રીને આપી છે.
મુખ્યમંત્રીએ ભારે વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્રને કામગીરીમાં માર્ગદર્શન આપવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને બે સચિવઓ રેમ્યા મોહન અને આલોક પાંડેને સુરત, વલસાડ, નવસારી મોકલ્યા છે.
આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા જે જિલ્લાઓમાં આગામી સમય માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે જિલ્લાઓના પ્રભારી સચિવને પણ સંબંધિત જિલ્લાઓમાં તત્કાલ પહોંચવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે.
સ્થળાંતરની કામગીરીને અગ્રતા આપવાની સૂચનાઓ
મુખ્યમંત્રીએ વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં સ્થાનિક તંત્રને બચાવ-રાહત, સ્થળાંતર કામગીરીમાં મદદરૂપ થવા એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફ.ની વધુ ટીમો ડિપ્લોય કરવા પણ આ સમીક્ષા બેઠકમાં આદેશો આપ્યા હતા. અસરગ્રસ્ત વિસ્તારોમાં નદીઓના પૂરના પાણીને કારણે ફસાયેલા લોકો તેમજ નીચાણવાળા વિસ્તારોના લોકોના રેસ્ક્યુ અને સ્થળાંતરની કામગીરીને અગ્રતા આપવાની સૂચનાઓ આપી હતી.
પીવાના પાણીના વિતરણની સ્થિતિની સમીક્ષા કરી
તેમણે વરસાદને કારણે વીજળી પુરવઠો તથા પીવાના પાણીના વિતરણની સ્થિતિની સમીક્ષા કરી હતી અને તે રાબેતા મુજબ સતત જળવાઈ રહે તે માટેના સૂચનો કર્યા હતા.
ડાયવર્ઝન ધોવાણના કારણે જે માર્ગો બંધ થયા
માર્ગ-મકાન વિભાગે પાણીથી ઓવરટોપીંગ, એપ્રોચના ધોવાણ તથા ડાયવર્ઝન ધોવાણના કારણે જે માર્ગો બંધ થયા છે તેને પાણી ઓસરતા જ યુદ્ધના ધોરણે પૂર્વરત કરવા 3400 ઉપરાંત ડમ્પર અને 1100થી વધુ જે.સી.બી. અને જરૂરી મટીરીયલ્સ તૈનાત રાખ્યા છે તેની વિગતો પણ મુખ્યમંત્રીએ મેળવી હતી.
આરોગ્ય વિભાગને સજ્જ રહેવા સૂચનાઓ
વરસાદની સ્થિતિમાં પાણી ઓસર્યા પછી રોગચાળો ન ફેલાય તે માટે પૂરતી સાફ-સફાઈ અને રોગ નિયંત્રણના પગલાંઓ જરૂરી દવાઓના જથ્થા વગેરે અંગે તેમણે આરોગ્ય વિભાગને સજ્જ રહેવા સૂચનાઓ આપી હતી.