(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મીરા-ભાયંદર મનપા અને એમએમઆરડીએનાં વિકાસકાર્યોમાં પર્યાવરણના નિયમો અને સુરક્ષાના ધોરણોની દેખરેખ રાખનારા કોન્ટ્રેક્ટરો અને ટેક્નિકલ સલાહકારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વાયુની ગુણવત્તામાં સુધારો, માર્ગ સમારકામ અને સૂર્યા પ્રાદેશિક પાણી પુરવઠા યોજનામાં બેદરકારીના 3 અલગ અલગ મામલામાં કુલ 83 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે ભવિષ્યમાં આ નિયમોનું ઉલ્લંઘન કરવા પર વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાઈ કોર્ટના નિર્દેશ પર રચાયેલી હાઈ પાવર કમિટી દ્વારા 28 માર્ગદર્શિકાનું પાલન ન કરવા પર છ કોન્ટ્રેક્ટરો પર 11-11 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ કોન્ટ્રેક્ટરો પર નિર્માણ સ્થળો પર ધૂળ નિયંત્રણ, ગ્રીન નેટ, વ્હીલ વોશ સિસ્ટમ, મિસ્ટ સ્પ્રે, એર ક્વોલિટી મોનિટર અને અન્ય પર્યાવરણના ઉપાય લાગુ ન કરવાનો આરોપ છે. નોટિસ આપ્યા છતાં અનુપાલન રિપોર્ટ ન રજૂ કરવા બદલ અને નિરીક્ષણમાં ખામી જોવા મળતાં કાર્યવાહી કરવામાં આવી હતી.
ફરી ઉલ્લંઘન પર 15 લાખ રૂપિયા સુધીનો દંડ
મનપાએ ચેતવણી આપી હતી કે બીજીવાર આવી રીતે નિયમોનું ઉલ્લંઘન કરવા પર 15 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવશે. એમએમઆરડીએ દ્વારા એક યુવકના ઘાયલ થવા પર બેદરકારીને લઈને માર્ગ નિર્માણ કરી રહેલી જે.કુમાર ઇન્ફ્રાને 10 લાખ રૂપિયા અને આ કાર્યના નિરીક્ષણ કરનારા સિસ્ટ્રા-સીઈજી-એસએમસી આઈપીએલને 15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આમ જ અમૃત 2.0 મિશન અંતર્ગત ચાલી રહેલી સૂર્યા પ્રાદેશિક પાણી પુરવઠા યોજનામાં સુરક્ષા સબંધી ગંભીર ભૂલ મળતા પાલિકાએ કોન્ટ્રેક્ટર ઇગલ ઇન્ફ્રા ઇન્ડિયા લિમિટેડને 15 લાખ રૂપિયા અને ફોરેસ્ટ્રેસ ઇન્ફ્રાકોન લિમિટેડ તેમજ યશ ઇનોવેશન સોલ્યૂશનને 11 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.