(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળશયોમાં મહત્ત્વનું ગણાતું મોડક સાગર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બુધવારની મધરાતે છલકાયું હતું. આ તળાવમાંથી રોજ 11.22 ટકા પાણીપુરવઠો કરવામાં આવતો હોવાથી તેના ઑવરફ્લોના સમાચાર મુંબઈગરાં માટે આનંદના ગણી શકાય.
મુંબઈ મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ વિહાર, તુલસી અને તાનસા બાદ ચોથું જળાશય મોડક સાગર મધરાતે 2.07 વાગ્યે છલકાવા લાગ્યું હતું. ધોધમાર વરસાદને કારણે કૅચમેન્ટ એરિયામાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી આ જળાશયનો એક દરવાજો ખોલવો પડ્યો હોવાની માહિતી હાઈડ્રોલિક ડિપાર્ટમેન્ટે આપી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી ઉપરવાસમાં સતત પડતા વરસાદને કારણે જળાશયોમાં પાણીનું સ્તર ઝપાટાભેર વધી રહ્યું છે. મોડક સાગરમાં જળસંગ્રહની ક્ષમતા 1,28,925 મિલિયન લિટર જેટલી છે. ગયા વર્ષે આ જળાશય 9 જુલાઈએ, જ્યારે 2024માં 25 જુલાઈએ છલકાયું હતું.
મહાપાલિકા અનુસાર મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયમાં ગુરુવાર સુધીમાં લગભગ 70 ટકા પાણી જમા થઈ ગયું હતું, જે આનંદના સમાચાર ગણી શકાય. થાણે જિલ્લાના શહાપુર તાલુકામાં વૈતરણા નદી પર બાંધવામાં આવેલું મોડક સાગર મુંબઈમાં પીવાનું પાણી પૂરું પાડનારું મહત્ત્વનું જળાશય ગણાય છે.
ઉલ્લેખનીય છે કે આ ચોમાસામાં બુધવારની સવારે તાનસા તળાવ છલકાયું હતું. તે પહેલાં સાતમી જુલાઈની રાતે વિહાર અને પછી તુલસી પાણીથી છલોછલ થઈ ગયાં હતાં.