Thu Sep 03 2026

Logo

મુંબઈમાં પરવાનગી વિના આંદોલન:  પાંચ દિવસમાં 13 એફઆઇઆર દાખલ, 400 લોકો વિરુદ્ધ ગુનો

2026-07-23 17:46:53
Author: Yogesh D. Patel
મુંબઈમાં પરવાનગી વિના આંદોલન:  પાંચ દિવસમાં 13 એફઆઇઆર દાખલ, 400 લોકો વિરુદ્ધ ગુનો

મુંબઈ: મુંબઈમાં ચાલી રહેલા આંદોલન સંદર્ભે પોલીસે 18થી 23 જુલાઇ વચ્ચે 13 એફઆઇઆર દાખલ કરીને 400 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ગેરકાયદે એકઠા થવા તેમ જ પ્રતિબંધાત્મક આદેશનું ઉલ્લંઘન કરવાનો તેમના પર આરોપ છે.

મુંબઈમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે અને એફઆઇઆરમાં જેમનાં નામ છે તેમને નોટિસ ફટકારવામાં આવી હતીે અને તેમને બાદમાં જવા દેવાયા હતા.

નવી દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી) પ્રેરિત વિદ્યાર્થીઓના આંદોલનના મુંબઈમાં પણ પડઘા પડી રહ્યા છે. કોઇ પણ પરવાનગી વિના શિવાજી પાર્ક, ચૈત્યભૂમિ, ચેમ્બુર અને શિવસેના ભવન સહિત વિવિધ સ્થળે દેખાવ કરવામાં આવ્યા છે.

19 જુલાઇએ શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શિવાજી પાર્કમાં આંદોલનને સમર્થન આપ્યું હતું. સોમવારે દાદરમાં ચૈત્યભૂમિ ખાતે પરવાનગી વિના આંદોલન કરવા માટે પોલીસે ગુનો દાખલ કરવાની પ્રક્રિયામાં છે.

તમામ 13 એફઆઇઆરમાં આરોપીઓ વિરુદ્ધ સરકારી અધિકારી દ્વારા જારી આદેશનું ઉલ્લંઘન, ગેરકાયદે એકઠા થવું વિગેરે આરોપ છે. બુધવારે પણ સીજેપીના સમર્થનમાં મુંબઈમાં ઠેકઠેકાણે આંદોલન કરવામાં આવ્યું હતું.

ચેમ્બુરમાં ડો. બાબાસાહેબ આંબેડકર ઉદ્યાન ખાતે ભારે પોલીસ બંદોબસ્ત છતાં મોટી સંખ્યામાં આંદોલનકારીઓ એકઠા થયા હતા. પોલીસે અનેક આંદોલનકારીઓને અટકાયતમાં લીધા હતા અને તેમને પોલીસ વેનમાં બેસાડ્યા હતા, જ્યારે અન્ય ટોળાને વિખેરવામાં આવ્યું હતું. ગુરુવારે મોટી સંખ્યામાં લોકો શિવસેના ભવનની બહાર એકઠા થયા હતા અને શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

(પીટીઆઇ)