(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના પ્રખ્યાત જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષના લોકમેળની તૈયારીને લઈને રાજકોટ જિલ્લા કલેકટરે માહિતી આપી હતી. કલેકટરે જણાવ્યું હતું કે આ વર્ષે લોકમેળો 228 પ્લોટ સાથે યોજાશે. આ વર્ષના લોકમેળાનું નામ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે તેમજ મેળા દરમિયાન લોકોની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. લોકમેળામાં એક વિશેષ કોરિડોર ઊભો કરવામાં આવશે, જેમાં માત્ર ડિઝાસ્ટર પરિસ્થિતિ માટે જ કોરિડોરનો ઉપયોગ કરવામાં આવશે.
તેમણે મેળાના આકર્ષણ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે આ વર્ષે લોકમેળામાં નાની ચકરડીની સંખ્યા બે ગણી વધારીને 24 રાખવામાં આવી છે. જેમાં નાની ચકરડી 35 રૂપિયા ટિકિટ અને મોટી રાઇડ માટે 50 રૂપિયા ભાવ નક્કી કરવાની યોજના છે. મેળાની વ્યવસ્થા દરમિયાન, લોકમેળા દરમિયાન સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે, જ્યાં બધા વિભાગના અધિકારી એકસાથે બેસશે અને આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા આયોજન કરશે. મેળા દરમિયાન જનમેદની પર ચાંપતી નજર રાખી શકાય તે સારું એઆઈ અને ડ્રોન મારફતે નજર રાખવામાં આવશે.
દર્દીઓને કોઈપણ પ્રકારની જરૂરિ સારવાર ઝડપથી મળી રહે તે હેતુ માટે આ વર્ષે લોકમેળામાં બાઈક એમ્યુલન્સની સુવિધા પણ રાખવામાં આવશે. આ વર્ષે યાંત્રિક રાઇડની ટિકિટના ભાવમાં વધારો નહીં કરવામાં આવે તેવી જાહેરાત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જો કે આ વર્ષે પણ યાંત્રિક રાઇડ માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એસઓપીનું પાલન ફરજિયાત રહેશે તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.