Sun Sep 13 2026

Logo

અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ જણના પરિવારના સભ્યોને 63.76 લાખ વળતર ચૂકવવાનો આદેશ

2026-04-27 18:16:50
Author: યોગેશ ડી. પટેલ
અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ જણના પરિવારના સભ્યોને 63.76 લાખ વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણે જિલ્લામાં મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ અને મોટરસાઇકલ વચ્ચેના અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ જણનાં પરિવારના સભ્યોને 63.76 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.એમએસીટીનાં સભ્ય આર.વી. મોહિતેએ અકસ્માતમાં મૃત્યુ પામેલા દંપતીના બે સંતાન (જેઓ ગંભીર રીતે ઘવાયા હતા) તથા તેમની દાદીને વળતર મંજૂર કર્યું હતું અને બસચાલકની પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ માટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરસીટી)ને જવાબદાર ઠેરવ્યું હતું.

આ અકસ્માત 12 નવેમ્બર, 2020ના રોજ થયો હતો, જ્યારે સખારામ માયા મુકાને (34) તેની પત્ની ઇન્દ્રા (29) તથા ત્રણ સંતાનો સાથે મોટરસાઇકલ પર જઇ રહ્યો હતો ત્યારે શહાપુર નજીક પૂરપાટ વેગે આવેલી એસટી બસે તેમની મોટરસાઇકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં દંપતીનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે 11 વર્ષના પુત્રનું હોસ્પિટલમાં બીજા દિવસે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં દંપતીના અન્ય બે સંતાન નવનાથ (8) અને એકનાથ (5) ગંભીર ઇજા પામ્યા હતા.

ટ્રિબ્યુનલે એમએસઆરટીસીની એ દલીલને ફગાવી દીધી હતી કે મોટરસાઇકલસવાર પાંચ જણને બેસાડીને લઇ જતો હતો એ તેની બેદરકારી હતી. ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે બસચાલકની પૂરપાટ વેગે અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગને કારણે અકસ્માત થયો હતો.ટ્રિબ્યુનલે એ પણ નોંધ્યું હતું કે બસની ટક્કર એટલી જોરદાર હતી કે મોટરસાઇકલ થોડે દૂર સુધી ઘસડાઇ હતી, જે દર્શાવે છે કે બસ પૂરઝડપે હંકારવામાં આવી રહી હતી. (પીટીઆઇ)