Fri Aug 21 2026

Logo

23 વર્ષ પૂર્વે અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવાનો આદેશ...

2026-03-09 17:51:08
Author: Yogesh D. Patel
Article Image

થાણે: થાણે મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 23 વર્ષ અગાઉ મોટરસાઇકલને નડેલા અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 

જજ કે.પી. શ્રીખાંડેએ 2003માં થયેલા અકસ્માત સંદર્ભે આદેશ જારી કર્યો હતો, જેમાં અકસ્માતમાં સામેલ મોટરસાઇકલ અને ટ્રકના માલિકોને માર્ચ, 2024થી વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવાના નિર્દેશ આપ્યા હતા. જજે શ્રીખાંડેએ નોંધ્યું હતું કે અરજદારોએ ‘યોગ્ય ચોકસાઇ’ સાથે કેસ ચલાવ્યો નથી, જેને કારણે નોંધપાત્ર વિલંબ થયો છે.

24 વર્ષની મહિલાની માતા અને બહેને અરજી 2020માં ઔપચારિક રીતે દાખલ કરી હતી. મહિલા સેરેના એમ. પરેરા 18 સપ્ટેમ્બર, 2003ના રોજ મુંબઈ-અમદાવાદ હાઇવે પર કાશીમીરા ખાતે મોટરસાઇકલ પર જઇ રહી હતી ત્યારે પૂરઝડપે આવેલી ટ્રકે મોટરસાઇકલને ટક્કર મારી હતી. સેરેના મોટરસાઇકલ પર પાછળ બેઠી હતી. અકસ્માત બાદ તે માર્ગ પર પટકાઇ હતી અને ભારે વાહન તેના પર ફરી વળ્યું હતું, જેમાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. સેરેના શિક્ષક હતી અને મહિને 3,300 રૂપિયા કમાતી હતી. 

અરજદારોએ દાવો કર્યો હતો કે થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (ટીએમટી)ની બસ અને ટ્રક વચ્ચે ‘સેન્ડવીચ’ થઇ ગઇ હતી, પરંતુ ટ્રિબ્યુનલે ટ્રાન્સપોર્ટ ઑથોરિટી સામેના દાવાને ફગાવી દીધો હતો. જજે વધુમાં અવલોકન કર્યું હતું કે બસે અચાનક બ્રેક મારવા અંગે અરજદારનો દાવો ’અરજદારની કલ્પના’ હોય તેવું લાગે છે. (પીટીઆઇ)