Fri Aug 28 2026

Logo

થાણે-ઘોડબંદર રોડ પર જોખમી વૃક્ષોનો ત્રાસ: વાહનચાલકોના જીવ જોખમમાં, ટ્રાફિકની ગંભીર સમસ્યા

2026-04-23 19:58:20
Author: Mumbai Samachar Team
થાણે-ઘોડબંદર રોડ પર જોખમી વૃક્ષોનો ત્રાસ: વાહનચાલકોના જીવ જોખમમાં, ટ્રાફિકની ગંભીર સમસ્યા

મુંબઈઃ થાણે-ઘોડબંદર રોડ પર આવેલા જૂના અને જોખમી વૃક્ષો ધરાશાયી થઈને રસ્તા પર પડવા લાગ્યા છે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. બીજી તરફ વાહનચાલકોના જીવનું જોખમ પણ વધી રહ્યું છે.

થાણે-ઘોડબંદર રોડ રાજ્યના સૌથી વધુ અવરજવર ધરાવતા માર્ગો પૈકીનો એક માર્ગ છે, જ્યાંથી દરરોજ અંદાજે દસ હજારથી વધુ વાહનો પસાર થાય છે. આથી, આ રસ્તાની જાળવણી અને સમારકામ પાછળ સરકારે અત્યાર સુધી કરોડો રૂપિયા ખર્ચ્યા છે. તેમ છતાં, હજુ સુધી આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. 

આ માર્ગ પર ખાડા અને ટ્રાફિક જામ જેવી મુખ્ય સમસ્યાઓ તો છે જ, હવે અહીંના ઘાટ માર્ગ પર રસ્તાની કિનારે આવેલા વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ વધવા લાગી છે. આ વિસ્તારમાં મોટા પાયે ચાલી રહેલા કામોને કારણે કુદરતી સંતુલન બગડ્યું હોવાની ફરિયાદ પર્યાવરણ પ્રેમીઓએ કરી હતી. તેમાં હવે રસ્તાની બાજુના વૃક્ષો પડવા લાગ્યા હોવાનું સામે આવ્યું છે. 

ઘોડબંદર રોડ પર જૂના અને જોખમી વૃક્ષો પહાડી ઢોળાવને કારણે સીધા રસ્તા પર પડી રહ્યા છે, જેનાથી ગંભીર અકસ્માતનો ભય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મિરા-ભાઈંદર મહાનગરપાલિકાનું ઉદ્યાન વિભાગ હવે આ માર્ગ પરના વૃક્ષોનું સર્વેક્ષણ હાથ ધરશે, તેવી માહિતી વરિષ્ઠ અધિકારીઓએ આપી હતી.