નવી દિલ્હીઃ નવી દિલ્હીના જંતરમંતર પર ચાલી રહેલા ધરણા પ્રદર્શનમાં દરરોજ નવા વળાંક આવી રહ્યા છે. વિરોધ પ્રદર્શનને ખતમ કરવા માટેના પગલાં લેવાઈ રહ્યા છે. હવે કેન્દ્રીય મંત્રી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાની સહમત થયા છે. કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીઓને સંવાદ કરવા માટેનો પ્રસ્તાવ મોકલ્યો છે. પણ વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ તરફથી કોઈ પ્રકારનો જવાબ હજુ સરકારને મળ્યો નથી. સરકાર વાતચીત કરવાના સતત પ્રયાસ કરી રહી છે.દિલ્હી શહેરમાં માહોલ બગડે નહીં એ માટે કેટલાક મેટ્રો સ્ટેશન પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
સરકાર વાતચીત કરવા તૈયાર
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિહે જણાવ્યું હતું કે, બુધવાર (તા.22.7.2026)થી લઈને આજ ગુરૂવાર (તા.23.7.2026) સુધી પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને કુલ ચાર પ્રસ્તાવ મોકલવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની સુવિધા માટે સરકાર વાતચીત કરવા માટે તૈયાર છે.એમને જે કંઈ શરત છે એના ઉપર પણ ચર્ચા કરવા માટે તૈયાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વિષય પર ખૂબ જ સંવેદનશીલ છે. વિદ્યાર્થીઓ શાંતિથી સંવાદ કરવા માટે આગળ આવે. વાતચીત કરવાથી જ સમાધાન મળશે. વિરોધ પ્રદર્શનના કારણે મામલે હવે ગંભીર બની રહ્યો છે. કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા પણ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. મંત્રીએ કહ્યું કે, સરકાર વાતચીત કરવા માટે તૈયાર છે, પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.ઘર કે મંત્રાલયમાં-વાતચીત માટેના દ્વાર સરકાર તરફથી ખુલ્લા છે.હાલ જે પ્રસ્તાવ મોકલવામાં આવ્યા છે એની સામે વિદ્યાર્થીઓ તરફથી કોઈ પ્રકારનો જવાબ સામે આવ્યો નથી.
વડા પ્રધાન મોદીએ ખાતરી આપી
નીટ પરીક્ષા લીક કેસ મુદ્દે વડા પ્રધાન મોદીએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાશે અને ગુનેગારોને કડક સજા આપવામાં આવશે એવી ખાતરી આપી છે. યુવાનોનું ભવિષ્ય અને સુખાકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે પેપર લીકમાં સંડોવાયેલા લોકોને ઝડપી અને કડક સજા મળે તે માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકનાર કોઈપણ વ્યક્તિને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણ બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કરવો પડ્યો હતો.સુરક્ષાના કારણોસર 16 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યા હતા. આ સિવાય કનોટ પ્લેસ આસપાસના વિસ્તારમાં તમામ દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે.
મોડી રાત્રે થયું ઘર્ષણ
વિરોધ કરનારા યુવાનોની મુખ્ય માંગણીઓમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, પરીક્ષા પ્રણાલીમાં મોટા અને કડક સુધારા અને પેપર લીકને કારણે થયેલી તકલીફને કારણે જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારોને વળતરનો સમાવેશ થાય છે.યુવાનોનું ભવિષ્ય અને સુખાકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. બુધવારે રાત્રીના સમયે પણ પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં પોલીસના એક ઉચ્ચ અધિકારીને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કૉલકાતાથી રેપિડ એક્શન ફોર્સની ટુકડીને બોલાવીને ડ્યૂટી સોંપી દેવામાં આવી છે. સમગ્ર મામલે દરેક વિષય પર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે દિલ્હી પોલીસ સજ્જ છે.