થાણે: એનડીપીએસ કેસમાં સુરતથી પકડાયેલા કેમિસ્ટની કસ્ટડી લંબાવી આપવાની પોલીસની અરજીને થાણે કોર્ટે ફગાવી દીધી હતી અને તેને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે એવું નોંધ્યું હતું કે આરોપીને કાનૂની તપાસ વિના એકથી વધુ રાજ્યમાં લાવવાની અધિકારીઓને ફોજદારી કાયદો મંજૂરી આપતો નથી.
ધરપકડને અનધિકૃત ગણાવીને જુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જી. એમ. ગુંઠેએ કાર્યવાહીમાં અનેક ગંભીર ખામીઓ પર પ્રકાશ પાડ્યો હતો અને તપાસ અધિકારીને કારણ દર્શક નોટિસ જારી કરી હતી. કલવા પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા કેસની તપાસ થાણે ક્રાઇમ બ્રાન્ચે કરી હતી, જેમાં આરોપ લગવામાં આવ્યો હતો કે આરોપી નીલેશ જરીવાલા પ્રિસ્ક્રિપ્શન રેકોડર્સ અથવા કાયદેસર ટેક્સ ઇન્વોઇસીસ જાળવ્યા વિના પ્રતિબંધિત ડ્રગ ‘સ્પાસ્મો-પ્રોક્સિવોન આર-પ્લસ’ (ટ્રામેડોલ)ની ગેરકાયદે સપ્લાય અને કૅશ ટ્રાન્ઝેકશનમાં સંડોવાયેલો છે.
જપ્ત કરાયેલા ડ્રગ્સનું સ્રોત અને સપ્લાય ચેઇનનું પગેરું શોધી કાઢવા બારીકાઇથી તપાસ કરવાની જરૂર હોવાનું જણાવીને પાંચ દિવસની પોલીસ કસ્ટડી લંબાવી આપવા માટે પોલીસે કોર્ટમાં અરજી કરી હતી. અરજીનો વિરોધ કરતાં બચાવ પક્ષના વકીલ મુનિર અહમદે દલીલ કરી હતી કે આરોપીની અંગત આઝાદીનું ઉલ્લંઘન કરાયું છે.
બચાવ પક્ષે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી આરટીઆઇ એક્ટ હેઠળ પ્રાપ્ત કરેલી મહત્ત્વપૂર્ણ સ્ટેશન ડાયરીનો ઉતારો કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. દસ્તાવેજો જણાવે છે કે થાણે ક્રાઇમ બ્રાન્ચે કોઇ પણ ઔપચારિક નોટિસ આપ્યા વિના અથવા નજીકના મેજિસ્ટ્રેટને જાણ કર્યા વિના પૂછપરછને બહાને જરીવાલાને સુરતથી 12 જૂને તાબામાં લીધો હતો અને તેને બાદમાં થાણે લાવવામાં આવ્યો હતો.
પોલીસે 13 જૂને તેની ધરપકડ કરી હતી અને બીજે દિવસે હોલિડે કોર્ટમાં તેને હાજર કર્યો હતો. બચાવ પક્ષે દલીલ કરી હતી કે 12 જૂનથી જ તેની સ્વતંત્રતા સંપૂર્ણપણે છીનવાઇ ગઇ હતી. બચાવ પક્ષની દલીલ સાંભળ્યા બાદ કોર્ટ આરોપીને અદાલતી કસ્ટડી ફટકારી હતી અને તેને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. (પીટીઆઇ)