Sat Sep 05 2026

Logo

19 વર્ષ બાદ ભૂતપૂર્વ સરકારી કર્મચારી 800 રૂપિયાની લાંચના કેસમાં નિર્દોષ

2026-05-29 17:24:55
Author: Yogesh D. Patel
19 વર્ષ બાદ ભૂતપૂર્વ સરકારી કર્મચારી 800 રૂપિયાની લાંચના કેસમાં નિર્દોષ

થાણે: થાણેની વિશેષ સીબીઆઇ કોર્ટે 800 રૂપિયાની લાંચ સ્વીકારવાના આરોપનો સામનો કરી રહેલા કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ કર્મચારીને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે લાંચની માગણીના સંપૂર્ણ પુરાવા વિના માત્ર ચલણી નોટો જપ્ત કરવી આરોપીને દોષિત પુરવાર કરવા માટે પૂરતી નથી.

વિશેષ જજ ડી.એસ. દેશમુખે ગુરુવારે અરવિંદ મોતીરામ સાવંતને નિર્દોષ જાહેર કર્યો હતો. અરવિંદ સાવંત ઑગસ્ટ, 2006માં કથિત ગુના સમયે નવી મુંબઈના સીબીડી બેલાપુર ખાતે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી)ની ઓફિસમાં ક્લર્ક તરીકે કામ કરતો હતો.

તપાસકર્તા પક્ષના જણાવ્યા અનુસાર ફરિયાદીએ અનધિકૃત બાંધકામો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવા માટે તાત્કાલિક ધોરણે સંબંધિત દસ્તાવેજો અને ખાનગી કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનની પ્રમાણિક નકલો મેળવવા આરઓસીનો સંપર્ક સાધ્યો હતો. 

એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સાવંતે પ્રક્રિયા ઝડપી બનાવવા માટે એક હજાર રૂપિયાની લાંચ માગી હતી અને તડજોડને અંતે તેણે 800 રૂપિયા લેવાની તૈયારી દર્શાવી હતી. દરમિયાન આ અંગે ફરિયાદ નોંધવામાં આવતાં સીબીઆઇએ 22 ઑગસ્ટ, 2006ના રોજ છટકું ગોઠવ્યું હતું અને આરોપી પાસેથી ચલણી નોટો જપ્ત કરી હતી. ઊલટતપાસ દરમિયાન બચાવ પક્ષે સ્થાપિત કર્યું હતું કે આરોપી પ્રમાણિત નકલો જારી કરવા માટે અંતિમ હસ્તાક્ષર કરનાર અધિકારી નથી. (પીટીઆઇ)