Mon Jun 08 2026

Logo

થાણેમાં બિઝનેસ લોન અપાવવાને નામે બિલ્ડર સાથે લાખો રૂપિયાની છેતરપિંડી

2026-05-22 17:26:08
Author: Yogesh D Patel
Article Image

થાણે: થાણે જિલ્લામાં બિઝનેસ લોન અપાવવાને બહાને બિલ્ડર સહિત લાખો રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ બે વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

બિલ્ડરે ગુરુવારે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ડોંબિવલીના રહેવાસી નિખિલ મદન ભોઇર, તેના સાથીદાર રાજા જોશી તથા અજાણી વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આરોપીઓએ એપ્રિલમાં બિલ્ડરનો સંપર્ક સાધ્યો હતો અને તેને પંદર કરોડ રૂપિયાની બિઝનેસ લોન મેળવી આપવાનું આશ્ર્વાસન આપ્યું હતું. તેમણે પ્રોસેસિંગ ફી, સ્ટેમ્પ ડ્યૂટી તથા રજિસ્ટ્રેશન ચાર્જને નામે બિલ્ડર પાસેથી 13.50 લાખ રૂપિયા લીધા હતા. જોકે તેમણે બિલ્ડરને લોન અપાવી નહોતી અને પૈસા પણ પાછા કર્યા નહોતા.

એ જ સમયગાળામાં આરોપી નિખિલ ભોઇરે અન્ય બે વ્યક્તિ સાથે પણ આ જ પ્રમાણે છેતરપિંડી આચરી હતી. હાલ આધારવાડી જેલમાં રખાયેલી 42 વર્ષની મહિલાને કાનૂની કાર્ય તથા રૂપિયાની વ્યવસ્થા કરી આપવાને બહાને ભોઇરે રૂપિયા પડાવ્યા હતા.

આમ આરોપીઓએ ત્રણ જણ સાથે 18.19 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી અને પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને આરોપીઓની શોધ આદરી હતી. (પીટીઆઇ)