નવી દિલ્હીઃ ભાજપ દ્વારા આજે ગુજરાતના નવા પ્રભારીના નામની જાહેરાત કરવામાં આવી હતી. 'કાશ્મીરની એકેડેમિક જિહાદ' સામે મોરચો માંડનારા અને હાલ રાજ્યસભાના સાંસદ તરુણ ચુગને ગુજરાતની જવાબદારી મળી છે. તેમનો દીકરો સોલિસિટર જનરલનો જુનિયર છે.
કોણ છે તરુણ ચુગ
તરુણ ચુગનો જન્મ અને પ્રારંભિક જીવન પંજાબના અમૃતસરમાં વીત્યું હતું. તેમણે પોતાનો શાળાકીય અભ્યાસ અમૃતસરમાંથી જ પૂર્ણ કર્યો હતો. નાની ઉંમરથી જ ચુગ સામાજિક અને રાષ્ટ્રસેવાના કાર્યો સાથે જોડાઈ ગયા હતા. માત્ર 9 વર્ષની વયે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક બન્યા હતા. તેમણે અમૃતસરની પ્રતિષ્ઠિત ડીએવી સંસ્થામાંથી HRમાં એમબીએની ડિગ્રી મેળવી હતી.
વિદ્યાર્થી રાજકારણથી રાષ્ટ્રીય સ્તર સુધીની સફર
તરુણ ચુગ પાયાના સ્તરના અને સંગઠનાત્મક નેતા માનવામાં આવે છે. તેમણે પોતાના જાહેર જીવનની શરૂઆત વિદ્યાર્થી રાજકારણથી કરી હતી. વર્ષ 1989 થી 1994 સુધી તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જિલ્લા સચિવ અને પ્રદેશ કારોબારી સભ્ય રહ્યા હતા. 1992માં બાબરી મસ્જિદ ધ્વંશ બાદ તેઓ ઉમા ભારતીના સંપર્કમાં આવ્યા હતા. જે બાદ 1993માં અમૃતસરથી BJYM જિલ્લા પ્રમુખ બન્યા હતા. વર્ષ 1999માં તેમના નેતૃત્વમાં નીકળેલી 'યુવા ચેતના યાત્રા'એ તેમને પંજાબના રાજકારણમાં મોટી ઓળખ અપાવી હતી. પંજાબના તમામ જિલ્લા મથકો પરથી પસાર થયેલી આ યાત્રા લગભગ 2100 કિલોમીટર લાંબી હતી, જેણે યુવાનોને ભાજપની વિચારધારા સાથે જોડવાનું કામ કર્યું હતું.

ભાજપ સંગઠનમાં ભજવી મોટી ભૂમિકા, હાલમાં રાષ્ટ્રીય મહાસચિવ
તરુણ ચુગે ભાજપ સંગઠનમાં ઘણા મહત્વપૂર્ણ અને મોટા હોદ્દાઓ પર કામ કર્યું છે. તેઓ પંજાબ ભાજપના મહાસચિવ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ અને દોઆબા ક્ષેત્રના પ્રભારી જેવી મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. વર્ષ 2009માં તેઓ પંજાબ યુવા વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ બન્યા, જેમને મુખ્ય સંસદીય સચિવનો દરજ્જો પ્રાપ્ત હતો.
દીકરો છે સોલિસિટર જનરલનો જુનિયર
તરુણ ચુગનો દીકરો વરુણ ચુગ સોલિસિટર જનરલ તુષાર મહેતાનો જુનિયર છે. તે સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. તેમજ કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં પ્રતિનિધિ પણ છે. 2021માં વરુણના લગ્નમાં વડા પ્રધાન મોદી, અમિત શાહ સહિત અનેક નેતાઓ, અધિકારીઓ આશીર્વાદ આપવા આવ્યા હતા.

વર્ષ રાજકીય અને સંગઠનાત્મક સફર
1 ઓગસ્ટ, 2026 ગુજરાતના પ્રભારી
2 2026 ભાજપે મધ્ય પ્રદેશથી રાજ્યસભાના સાંસદ જાહેર કર્યા
3 2020 ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિમણૂક
4 2013 પંજાબ ભાજપના મહાસચિવ અને ભાજપ યુવા મોરચાના પ્રભારી રહ્યા
5 2009 પંજાબ યુથ ડેવલપમેન્ટ બોર્ડના ઉપાધ્યક્ષ બન્યા
6 2007 રાજ્ય ભાજપ પ્રશિક્ષણ સેલના સંયોજક રહ્યા
7 2005 ભાજપના રાજ્ય મીડિયા અને પ્રશિક્ષણ સેલમાં કાર્ય કર્યું
8 1997 પંજાબ ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બન્યા
9 1995 પંજાબ ભાજપ યુવા મોરચાના પ્રદેશ મહાસચિવ અને રાષ્ટ્રીય કારોબારી સભ્ય રહ્યા
10 1994 અમૃતસર ભારતીય જનતા યુવા મોરચાના જિલ્લા પ્રમુખ તરીકે ચૂંટાયા