Fri May 08 2026

Logo

પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીના નામ પર મહોર: જાણો ક્યારે છે શપથવિધિ

2026-05-08 17:06:20
Author: Mumbai Samachar Team
Article Image

કૉલકાતાઃ પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવવા માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બીજીતરફ શપથવિધિ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. શુક્રવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લીધો હતો. અમિત શાહ કૉલકાતા આવી પહોંચતા જ ભાજપના સુવેંદુ અધિકારી સહિત પક્ષના મોટા અને જાણીતા નેતા એમનું એરપોર્ટ પર સ્વાગત કરવા માટે ગયા હતા. 

બેઠકમાં ભાજપના નેતાઓની ચૂંટણી કરવામાં આવી હતી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે સુવેંદુ અધિકારીનું નામ ફાઈનલ કરાયું હતું. કૉલકાતા આવ્યા બાદ શાહ સાથે સુવેંદુ અધિકારીએ બે વખત મુલાકાત કરી હતી. 

કોઈ નાયબ મુખ્યમંત્રી નહીં

અમિત શાહ એરપોર્ટથી સીધા ન્યુ ટાઉન સ્થિત એક હોટેલમાં ગયા હતા. બપોરના સમયે શાહ વિશ્વ બાંગ્લા કન્વેંશન સેન્ટરમાં ભાજપના ધારાસભ્યોની બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કૉલકાતાની ધરતી પર શાહનું આગમન થતા જ કોણ બનશે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી એ ચર્ચાએ જોર પકડ્યું હતું. 
મુખ્યમંત્રી અને મંત્રી તરીકે કેટલાક નામ ચર્ચામાં હતા જેમાં સુવેંદુ અધિકારી (મુખ્યમંત્રી તરીકે), અગ્નિમિત્રા પોલ, દિલ્લી ઘોષ, તાપસ રોય અને અશોક ડિંડાનું નામ સૌથી આગળ હતું. પણ મુખ્યમંત્રી તરીકે એ જ વ્યક્તિને કમાન સોંપવાનું નક્કી થતા નાયબ મુખ્યમંત્રી તરીકેના મુદ્દા પર પૂર્ણવિરામ મૂકાયું હતું. 

શનિવારે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ સમારોહ થશે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ હાજરી આપશે. આ કાર્યક્રમમાં બીજા કેટલાક ધારાસભ્યો પણ મંત્રી તરીકેના શપથ લેશે. 9 મેના રોજ રવિન્દ્ર જયંતિ છે. આ પવિત્ર દિવશે શપથવિધિ થશે. 

'દીદી'ના 15 વર્ષના શાસનનો અંત

ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મળતા મમતાદીદીના 15 વર્ષના શાસનકાળનો અંત આવ્યો હતો. દીદીએ રાજીનામું ન આપવાની જીદ કરતા રાજ્યપાલ આર.એન. રવિએ ગુરૂવારે વિધાનસભા ભંગ કરી હતી. આનાથી નવી સરકારની રચનાનો રસ્તો મોકળો બન્યો હતો. 
કૉલકાતા પહોંચતા જ અમિત શાહે સૌથી પહેલા દક્ષિણેશ્વર કાલીમાતાના મંદિરે પૂજા કરી હતી. બેઠકમાં ભાજપના 207 ધારાસભ્યોની સાથે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી પણ જોડાયા છે. જે જગ્યાએ બેઠક યોજાઈ હતી ત્યાંથી ભાજપ અધ્યક્ષ સમિત ભટ્ટાચાર્ય હોટેલમાંથી બાહર આવતા જોવા મળ્યા હતા. પશ્ચિમ બંગાળમાં એક જ મુખ્યમંત્રી તરીકે વ્યક્તિને ફાઈનલ કરવામાં આવ્યા છે. કોઈ નાયબ મુખ્યમંત્રી તરીકે કોઈ નહીં રહે.