Sat Sep 12 2026

Logo

મુન્દ્રા પોર્ટ નજીક ટ્રકની અડફેટે પતિની નજર સમક્ષ પત્નીનું મોત

2026-08-27 12:38:00
Author: Mumbai Samachar Team
મુન્દ્રા પોર્ટ નજીક ટ્રકની અડફેટે પતિની નજર સમક્ષ પત્નીનું મોત

ભુજઃ  કચ્છ જિલ્લામાં બનેલી જુદી-જુદી અપમૃત્યુની દુર્ઘટનાઓમાં એક મહિલા સહિત ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રથમ બનાવમાં, મુંદરા બંદર નજીકના સી-બર્ડ સીએસએફ ગોદામ નજીક મજૂરીકામ કરતા પતિની નજર સામે જ પત્ની રોશન નન્હેખા કુરેશી (ઉં.વ. ૪૫, મૂળ મધ્યપ્રદેશ) ને ટ્રકે અડફેટે લઈ ટાયર ફેરવી દેતાં ગંભીર ઈજાઓથી તેમનું મોત નીપજ્યું હતું. મુંદરા પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં, અંજારના વરસામેડી શક્તિધામ વિસ્તારમાં ઘરે રમતી વખતે અચાનક પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે ધીરજ અશોક દેવીપૂજક (ઉં.વ.૧૫) નામના કિશોરનું મોત નીપજ્યું હતું. ત્રીજા બનાવમાં, મીઠીરોહર સ્થિત લાકડાના બેન્સાની ઓરડીમાં રહેતા કયેમઅલી ઝંદરતાલી (ઉં.વ.૨૬) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ચોથા બનાવમાં, મેઘપર (કુંભારડી) નજીક રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલા પ્રદિપ બાબુલાલ ઠક્કર (ઉં.વ. ૫૫, રહે. ગોલ્ડન સિટી) નામના આધેડનું ટ્રેનની હડફેટે આવી જતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પોલીસે તમામ બનાવો અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ આદરી છે.

(ઉત્સવ વૈદ્ય)

વધુ જુઓ...