Sat Sep 12 2026

Logo

ગુજરાતમાં દારૂની પરમિટ ધારકો 'સરકારી લૂંટ'થી પરેશાન, MRP પર બીજા 120 ટકા કઈ રીતે ખંખેરાય છે ?

2026-08-27 08:55:00
Author: Mayur Patel
ગુજરાતમાં દારૂની પરમિટ ધારકો 'સરકારી લૂંટ'થી પરેશાન, MRP પર બીજા 120 ટકા કઈ રીતે ખંખેરાય છે ?

અમદાવાદઃ ભાવનગર લઠ્ઠાકાંડ હજી તાજો છે ત્યાં જ રાજ્યમાં લિકર પરમિટ ધારકોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પરમિટ ધારકોના આક્ષેપ મુજબ, રાજ્યમાં કાયદેસર વેપાર લાઇસન્સ ધરાવતા હોલસેલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સની એક સિન્ડિકેટ મનસ્વી રીતે ભાવ નક્કી કરી રહ્યા છે.  દારૂની પરમિટ ધારકો સરકારી લૂંટથી પરેશાન થઈ ગયા છે. જેનો ભોગ રાજ્યના 2551 અસ્થાયી લાઇસન્સ ધારકો સહિત 52 હજારથી વધુ પરમિટ ધારકો બની રહ્યા છે.

MRP પર બીજા 120 ટકા કઈ રીતે ખંખેરાય છે ?

પરમિટ ધારકોનો દાવો છે કે અમદાવાદ, આણંદ, ભરૂચ અને રાજકોટથી સંચાલિત અગ્રણી ડિસ્ટ્રિબ્યુટર્સના જૂથે એક કાર્ટેલ બનાવી લીધું છે અને પોતાનોપ્રોફિટ માર્જિન નક્કી કરી લીધો છે. પરમિટ સિસ્ટમ દ્વારા વેચાતી બોટલો પર કોઈ મહત્તમ છૂટક કિંમત છાપેલી ન હોવાથી, ગ્રાહકો પાસેથી યોગ્ય ભાવ લેવામાં આવી રહ્યો છે કે નહીં તે જાણવાનો તેમની પાસે કોઈ રસ્તો નથી.

આક્ષેપો અનુસાર, ગ્રાહકો દ્વારા વેટ અને અન્ય ટેક્સ પેટે ચૂકવાતા આશરે 65 ટકા ઉપરાંત ડિસ્ટ્રિબ્યુટર્સે લગભગ 55 ટકા જેટલું નફાનું માર્જિન નક્કી કર્યું છે. પરમિટ ધારકોનો દાવો છે કે ટેક્સ અને ડિસ્ટ્રિબ્યુટરનું માર્જિન મળીને મૂળ કિંમત કરતાં લગભગ 120 ટકા જેટલો વધારો થઈ જાય છે.

ભાવ આટલા ઊંચા કેમ?

ગુજરાતમાં દારૂનો વેપાર FL-1 (જથ્થાબંધ), FL-2 (છૂટક) અને પરમિટ-ધારક લાઇસન્સ દ્વારા ચાલે છે. જોકે નિયમ મુજબ પરમિટ શોપ્સ સીધા ઉત્પાદકો પાસેથી માલ ખરીદી શકે છે, પરંતુ દુકાન સંચાલકોનું કહેવું છે કે તેમાં ન્યૂનતમ મોટો જથ્થો ખરીદવો પડે છે, વધુ બિલિંગ ઔપચારિકતાઓ હોય છે અને લોજિસ્ટિક્સની મુશ્કેલીઓ નડે છે. પરમિટ ધારકોનો આક્ષેપ છે કે આ જ કારણોસર મુઠ્ઠીભર ડિસ્ટ્રિબ્યુટર્સને સપ્લાય ચેઈન પર કબજો કરવાની તક મળી ગઈ છે.

પરમિટ ધારકોના આક્ષેપ મુજબ, દુકાનો ડિસ્ટ્રિબ્યુટર્સની શરતો માનવાનો ઇનકાર કરે છે, તેમના માલનો સપ્લાય અટકાવી દેવાનું જોખમ રહે છે. જેથી તેમની પાસે સ્થાપિત ડિસ્ટ્રિબ્યુટર્સ પાસેથી જ ખરીદી કરવા સિવાય બહુ ઓછો વિકલ્પ રહે છે. ઉત્પાદકો પાસેથી સીધી ખરીદી કરવાથી વિલંબ અને માલની અછત સર્જાઈ શકે છે. પરમિટ ધારકોના કહેવા પ્રમાણે, જે લોકો તેમની શરતો માનવાનો ઇનકાર કરે છે તેઓ માલના પુરવઠામાં વિક્ષેપનો સામનો કરે છે. તેથી પરમિટ શોપ્સ પાસે સ્થાપિત ડિસ્ટ્રિબ્યુટર્સ પાસેથી જ ખરીદી કરવા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી.

ભાવની ગૂંચવણમાં ફસાયા ઉત્પાદકો

આ ભાવ વિવાદમાં બીજો એક વળાંક આવ્યો છે. કેટલાક મહિનાઓ પહેલા રાજ્યના તોલમાપ વિભાગે પરમિટ શોપ્સ પર દરોડા પાડ્યા હતા અને બોટલો પર ભાવ કેમ છાપેલા નથી તે અંગે સવાલ ઉઠાવીને કેટલીક દુકાનોને દંડ ફટકાર્યો હતો. દારૂ ઉત્પાદકો પાસેથી પણ ભાવ પ્રણાલી અંગે ખુલાસો માંગવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉત્પાદકોએ ગુજરાત સરકાર પાસેથી લાગુ પડતા ટેક્સ અને રિટેલર્સ માટે માન્ય માર્જિનની વિગતો માંગી હતી. આ મામલો હાલમાં ગૃહ, નશાબંધી અને કાયદા વિભાગ સમક્ષ પેન્ડિંગ હોવાનું કહેવાય છે.

કાયદેસર દારૂ, ગેરકાયદે સસ્તો?

કાયદેસરનો રસ્તો પસંદ કરનારા પરમિટ ધારકો માટે આ પરિસ્થિતિ વધુ નિરાશાજનક છે. કેટલાક લોકોનો દાવો છે કે ગેરકાયદેસર બુટલેગરો પાસેથી હવે દારૂ સસ્તો મળી રહ્યો છે. કેટલાક પરમિટ ધારકો હવે ડિસ્ટ્રિબ્યુટરના માર્જિન, સપ્લાયની પદ્ધતિઓ, કરવેરા અને પરમિટ સિસ્ટમ હેઠળ વેચાતી બોટલો પર પ્રિન્ટેડ MRPની સતત ગેરહાજરી અંગે યોગ્ય તપાસ કરવાની માંગ કરી રહ્યા છે.

આ ઉપરાંત રાજ્યમાં થોડા દિવસો પહેલા દારૂના પરમિટ ધારકોને બેવડો ફટકો લાગ્યો હતો. પહેલા રિન્યુઅલ ફી રૂ. 20 હજારથી વધારીને રૂ. 25 કરવામાં આવી હતી. જે બાદ માસિક ક્વોટા ચાર યુનિટથી ઘટાડીને ત્રણ કરાયો હતો.  નિયમોમાં અચાનક કરાયેલા ફેરફારથી અનેક પરમિટ ધારકોમાં રોષ ફેલાયો હતો.

ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2026માં ગુજરાતમાં વર્ષ 2026-27ના નાણાકીય વર્ષ માટે વિદેશી દારૂના નવા ભાવ નક્કી કરતું સત્તાવાર પત્રક જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં અગાઉના ભાવ વધારાની સરખામણીમાં આ વર્ષે કિંમતોમાં વધારો નોંધાયો હતો.  આ નવા ભાવ  મુજબ, રાજ્યમાં કુલ 801 પ્રકારના સ્પિરિટ, 226 પ્રકારના બીયર અને 636 પ્રકારના વાઇનના દર જાહેર કરાયા હતા. આ ભાવપત્રકમાં 'બ્લુ લેબલ વ્હિસ્કી' જેવી પ્રીમિયમ બ્રાન્ડ્સના ભાવ રૂ. 20,000 થી વધુ અને કેટલીક અન્ય બ્રાન્ડ્સના ભાવ રૂ. 50,000 સુધી નોંધાયા હતા. આ આદેશ 31 માર્ચ 2027 સુધી અમલમાં રહેશે.