ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાનો સફળ પ્રવાસ કરીને રક્ષાબંધનના એક દિવસ પહેલા અમદાવાદ પરત ફર્યા છે. સ્વદેશ પરત ફર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધન પર 14 બહેનોને 28 કરોડની ગિફ્ટ આપી હતી.
શું આપી ભેટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહિલા ધારાસભ્યોને રક્ષાબંધન પર્વની એક મહત્વપૂર્ણ ભેટ રૂપે વિકાસલક્ષી કામો માટે કુલ 28 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય વિધાનસભામાં જનપ્રતિનિધિત્વ કરતાં શહેરી ક્ષેત્રના નવ અને ગ્રામ્ય વિસ્તારના પાંચ મળી કુલ 14 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને રૂપિયા 2 કરોડની વિકાસલક્ષી ગ્રાન્ટ તેમના મતવિસ્તારોમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય અનુસાર ફાળવવામાં આવશે.
કયા મહિલા ધારાસભ્યોને મળશે ગ્રાન્ટ
માલતી મહેશ્વરી - ગાંધીધામ, પાયલ કુકરાણી - નરોડા, રીટાબેન પટેલ - ગાંધીનગર ઉત્તર, કંચનબેન રાદડિયા - ઠક્કરબાપાનગર, દર્શના વાઘેલા - અસારવા, ડૉ. દર્શિતા શાહ - રાજકોટ પશ્ચિમ, ભાનુબેન બાબરિયા - રાજકોટ ગ્રામ્ય, ગીતાબા જાડેજા - ગોંડલ, રીવાબા જાડેજા - જામનગર ઉત્તર, સેજલ પંડ્યા - ભાવનગર પૂર્વ, નિમિષાબેન સુથાર - મોરવા હડફ, મનિષા વકીલ - વડોદરા, દર્શના દેશમુખ(વસાવા) - નાંદોદ, સંગીતા પાટીલ - લીંબાયત
મહિલા ધારાસભ્યોને ફાળવવામાં આવનારી આ વિશેષ ગ્રાન્ટનો ઉપયોગ પોતાના મત વિસ્તારની રોડ રસ્તાની માળખાકીય સુવિધાઓની પ્રાથમિક જરૂરિયાતોને અનુરૂપ વિકાસલક્ષી કામો માટે થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિતલક્ષી અભિગમના પરિણામે સંબંધિત મહિલા ધારાસભ્યોના મત ક્ષેત્રોમાં કનેક્ટિવિટી વધુ સરળ બનશે.