Fri Sep 04 2026

Logo

દેશના અનેક રાજ્યોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન

2026-08-27 07:57:00
Author: Mayur Patel
દેશના અનેક રાજ્યોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન

Ai Image


અમદાવાદ/નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં ગુરુવારે પણ ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન અમુક સ્થળોએ વાવાઝોડું અને વીજળી પડવાની સંભાવના છે. ગુજરાતમાં આજે છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

 હવામાનની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ અમુક જગ્યાએ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

પરેશ ગોસ્વામીએ શું કહ્યું

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મુંબઈ સમાચાર સાથે વાત કરતાં કહ્યું, વરસાદ ખેંચાય એટલે ખેડૂતો અને અન્ય બીજા વર્ગને પણ અસર થતી હોય છે.  અન્ય બિઝનેસમાં પણ મંદી જોવા મળે છે. આપણો દેશ ખેતી પ્રધાન છે, જો ખેતી અટકી પડે તો બધા જ કામ અટકી પડે છે.આમાં સૌથી વધારે મુશ્કેલી ખેડૂતોને પડતી હોય છે. અત્યારની સ્થિતિ જોવા જઈએ તો ખૂબ ગંભીર છે. વરસાદ ન આવવા પાછળનાં હવામાન કારણો અંગે વાત કરતાં પરેશ ગોસ્વામીએ કહ્યું, અલ-નીનોનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ વર્ષે સક્રિય થયેલો ‘સુપર મેગા અલ-નીનો’ ખૂબ મજબૂત છે, જેના કારણે પ્રશાંત મહાસાગરનું તાપમાન વધતાં ભારત સહિત સમગ્ર દક્ષિણ એશિયાનું વેધર સિસ્ટમ ખોરવાયું છે.  ઉત્તર અરબ સાગરમાંથી આવતા ગરમ પવનોને કારણે બંગાળની ખાડીમાંથી આવતી કોઈપણ વરસાદી સિસ્ટમ ગુજરાત પહોંચતા સુધીમાં નબળી પડી જાય છે અથવા પોતાની દિશા બદલી નાખે છે. હાલ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તે મજબૂત લો-પ્રેશર નથી પરંતુ માત્ર સાયક્લોનિક સર્ક્યુલેશન છે.

 


આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 27 થી 30 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગંગાના મેદાની વિસ્તારો વાળા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, સિક્કિમ, આંદામાન અને નિકોબારમાં ભારે વરસાદ પડી શકે છે. 29-30 ઓગસ્ટ દરમિયાન ઓડિશામાં અમુક સ્થળોએ વાવાઝોડું અને વીજળી પડવાની સંભાવના છે. આ દરમિયાન 40-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. કેટલીક જગ્યાએ પવનની ગતિ 60 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહમાં 70 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ, અરુણાચલ પ્રદેશમાં પણ ધોધમાર વરસાદનો દોર જોવા મળી શકે છે.

પૂર્વોત્તરના રાજ્યોમાં આજે પણ પડશે વરસાદ

હવામાન વિભાગે જણાવ્યું કે 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર વચ્ચે અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદ પડી શકે છે. વાવાઝોડું અને વીજળીના કડાકા-ભડાકા થવાની સંભાવના છે. આ પહેલાં અહીં બુધવારે પણ વરસાદ થયો હતો.