મુંબઈઃ સુપરસ્ટાર યશની બહુપ્રતિક્ષિત એક્શન-ડ્રામા ફિલ્મ ‘ટોક્સિક’એ સિનેમાઘરોમાં રિલીઝ થતાં જ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગીતૂ મોહનદાસના નિર્દેશનમાં બનેલી આ 'A' સર્ટીફિકેટ ધરાવતી ફિલ્મે તમામ અંદાજોને ખોટા સાબિત કરી દીધા છે. રિલીઝ પહેલાં એવું અનુમાન હતું કે ફિલ્મ ભારતમાં રૂપિયા 80થી રૂપિયા 85 કરોડ અને વર્લ્ડવાઇડ રૂપિયા 110 કરોડ ગ્રોસ કમાશે. પરંતુ કમાણીના આંકડા સામે આવતા ફિલ્મે ભારતમાં રૂપિયા 100 કરોડ નેટ અને વિશ્વભરમાં રૂપિયા 140 કરોડ ગ્રોસનો આંકડો પાર કરી લીધો છે.
‘ટોક્સિક’ ફિલ્મે હિંદી ભાષામાં સૌથી વધુ કમાણી કરી
આ ફિલ્મે ભારતમાં પહેલા દિવસે રૂપિયા 101 કરોડ નેટનું શાનદાર કલેક્શન કર્યું છે. હિંદી ભાષામાં રૂપિયા 55 કરોડ નેટ કમાણી કરી છે. આ સાથે મૂળ ભાષા કન્નડમાં રૂપિયા 25 કરોડનો વેપાર કર્યો છે. આ ઓપનિંગ સાથે ‘ટોક્સિક’ આ વર્ષની બીજી સૌથી મોટી ડોમેસ્ટિક ઓપનર બની ગઈ છે. તે માત્ર ‘ધુરંધર 2’ ના રૂપિયા 103 કરોડના રેકોર્ડથી થોડી પાછળ રહી ગઈ છે.
વિદેશમાં કલેક્શન અને વર્લ્ડવાઇડ ઓલ-ટાઇમ રેકોર્ડ
વિદેશી માર્કેટમાં ‘ટોક્સિક’નું કલેક્શન થોડું મર્યાદિત રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાંથી ફિલ્મે પહેલા દિવસે અંદાજે રૂપિયા 17 કરોડ આસપાસની કમાણી કરી છે. છતાં ભારતીય બજારના મજબૂત પર્ફોર્મન્સના દ્રષ્ટિએ વર્લ્ડવાઇડ કલેક્શન રૂપિયા 140 કરોડ ગ્રોસ સુધી પહોંચી ગયું છે. આ કન્નડ સિનેમાના ઇતિહાસની બીજી સૌથી મોટી ઓપનિંગ છે.આ સાથે ‘ટોક્સિક’ ભારતીય સિનેમાની ઓલ-ટાઇમ ટોપ-15 સૌથી મોટી ઓપનિંગ આપનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.
પહેલા જ દિવસે આ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યાં
ફિલ્મે પહેલા દિવસના ગ્લોબલ કલેક્શનમાં ‘પઠાણ’ (રૂપિયા 104 કરોડ), ‘એનિમલ’ (રૂપિયા 116 કરોડ), ‘આદિપુરુષ’ (રૂપિયા 127 કરોડ) અને ‘જવાન’ (રૂપિયા 129 કરોડ) જેવી બ્લોકબસ્ટર ફિલ્મોને પાછળ છોડી દીધી છે. જોકે, તે યશની જ ‘KGF ચેપ્ટર 2’ (રૂપિયા 164 કરોડ) અને આ વર્ષની ‘ધુરંધર 2’ (રૂપિયા 205 કરોડ) ના રેકોર્ડને તોડવામાં નિષ્ફળ રહી છે.
તારીખ 26 ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મમાં સુપરસ્ટાર યશ સાથે નયનતારા, કિયારા અડવાણી, હુમા કુરૈશી, રુકમિણી વસંત અને તારા સુતારિયા મુખ્ય ભૂમિકામાં છે. રિલીઝ પહેલા જ આ ફિલ્મ તેના બોલ્ડ કન્ટેન્ટ, ઇન્ટિમેટ સીન્સ અને વિવાદાસ્પદ સંવાદોને કારણે ચર્ચામાં હતી. સેન્સર બોર્ડે કોઈ મોટો કટ મૂક્યા વગર આને 'A' સર્ટિફિકેટ આપ્યું છે. પહેલા દિવસે રેકોર્ડ કમાણી કરી હોવા છતાં, ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. હવે જોવાનું એ રહેશે કે માઉથ-ઓફ-વર્ડના કારણે આવનારા દિવસોમાં વીકેન્ડ કલેક્શન પર કેટલી અસર પડે છે.