અમદાવાદઃ ઓગસ્ટ મહિનો પૂર્ણ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યના અનેક તાલુકા જિલ્લામાં ખૂબ ઓછો વરસાદ થવા પામ્યો છે. તેના કારણે જિલ્લાના ખેડૂતોની હાલત પણ કફોડી થઈ છે. સ્થાનિક જળાશયોમાં પણ પાણીનો પુરવઠો ઘટી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસામાં અત્યાર સુધી માત્ર 6.41 ટકા, પોરબંદરમાં 18.12 ટકા અને જામનગરમાં 28.88 ટકા જ વરસાદ થવા પામ્યો છે. દ્વારકા, જામનગર, પોરબંદર સહિત અનેક વિસ્તારોમાં જ્યાં પૂરતો વરસાદ નથી થયો એ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સતત માગ કરી રહ્યા છે. જેને લઈ તેઓ શનિવારથી ધરણા પર બેસશે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં ઈસુદાન ગઢવીએ કહ્યું, આજે હું ગુજરાત સરકારને અલ્ટિમેટમ આપી રહ્યો છું કે જો આગામી ત્રણ દિવસની અંદર દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લો અને પોરબંદર જિલ્લો કે જ્યાં છ ટકા આસપાસ વરસાદ થયો છે અને લાખો ખેડૂતોનું બિયારણ પણ ગયું છે, વર્ષ પણ ગયું છે, સૌની યોજનાનું પાણી પણ છોડવામાં નથી આવતું. આ સ્થિતિમાં લાખો ખેડૂતો જ્યારે ઝોલા ખાઈ રહ્યા છે અને પરેશાન છે.
એકબાજુ બાળકની ફી, બીજી બાજુ હૉસ્પિટલના ખર્ચા, ત્રીજી બાજુ વ્યવહારના ખર્ચા, તહેવારોના ખર્ચા અને ચોથી બાજુ વરસાદ ન થવાથી ખેડૂત અત્યારે પીડાઈ રહ્યો છે. જો આગામી ત્રણ દિવસની અંદર ત્રણેય જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી આગામી સમયમાં આ મામલે ખેડૂતોની સાથે રહીને જલદ આંદોલન કરશે.
દ્વારકા, જામનગર, પોરબંદર સહિત અનેક વિસ્તારોમાં જ્યાં પૂરતો વરસાદ નથી થયો એ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ @isudan_gadhvi સતત કરી રહ્યા છે.
— AAP Gujarat (@AAPGujarat) August 27, 2026
ભાજપ સરકારને અલ્ટિમેટમ પણ આપ્યું હતું પરંતુ આ ના થતા હવે તેઓ "દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ" પર બેસશે.… pic.twitter.com/4Tjq8Nfs4y
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે સમગ્ર રાજ્યમાં સિઝનનો સરેરાશ 75.25 ટકા વરસાદ થવા પામ્યો છે, જેમાં કચ્છ ઝોનમાં 29.29 ટકા, ઉત્તર ગુજરાતમાં 56.23 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 74.91 ટકા, સૌરાષ્ટ્રમાં 56.01 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 103.40 ટકા વરસાદ થવા પામ્યો છે. રાજ્યના અનેક જિલ્લા એવા છે જ્યાં અન્ય જિલ્લાની સરખામણીમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે. જેમાં કચ્છ જિલ્લામાં 29.29 ટકા, બનાસકાંઠામાં 51.25 ટકા, રાજકોટમાં 47.09 ટકા, સાબરકાંઠા જિલ્લામાં 46 ટકા, અરવલ્લીમાં 46 ટકા, ગાંધીનગર જિલ્લામાં 56 ટકા, છોટાઉદેપુર જિલ્લામાં 50 ટકા, દાહોદમાં 52 ટકા, જૂનાગઢમાં 55 ટકા અને ગીર સોમનાથમાં 46 ટકા વરસાદ જ થવા પામ્યો છે. કેટલાક અન્ય જિલ્લામાં 60 ટકા જેટલો જ વરસાદ છે. અનેક જિલ્લા હજુ સરેરાશ કરતા ખૂબ ઓછો વરસાદ થતા વાવેતર ઉપર પણ વિપરીત અસર થવાની શરૂઆત થવા પામી છે. જો ટૂંક સમયમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદ નહીં થાય તો અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે.
આ ઉપરાંત રાજ્યના જળાશયોમાં પણ હજુ પૂરતુ પાણી નથી. કુલ 206 જળાશયોમાં સરેરાશ 66.25 ટકા પાણીનો જ સંગ્રહ થવા પામ્યો છે. તેમાં પણ જે જળાશયો ભરાયા છે, તેમાં મહત્તમ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાના અને દક્ષિણ ગુજરાતના જળાશયોનો સમાવેશ થાય છે. કુલ 206 જળાશયમાંથી ફક્ત 26 ડેમ જ અત્યાર સુધી ભરાવા પામ્યા છે. તેના કારણે જળાશયોમાં આખુ વર્ષ ચાલે તેટલો પાણીનો જથ્થો ઉમેરાય તેની ઉપર અત્યારથી જ આશંકાના વાદળ ઘેરાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી ત્યારે ઓછા વરસાદથી અસરગ્રસ્ત તાલુકાઓમાં ખેડૂતોને ભારે નુકસાનની સંભાવના ઊભી થઈ છે.
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. એકપણ તાલુકામાં એક ઇંચ વરસાદ પણ થયો નથી. તે જોતા આગામી દિવસોમાં જો વરસાદ નહીં પડે તો ખેડૂતોની સાથે આમ આદમીને પણ મુશ્કેલી પડી શકે છે.