Sun Sep 06 2026

Logo

નેપાળમાં ભયાનક પૂર પાછળ કુદરતનો પ્રકોપ કે માણસની ભૂલ? જાણીએ આ પાછળના પાંચ મોટા કારણો વિશે...

Kathmandu   2026-08-27 14:22:00
Author: Darshana Visaria
નેપાળમાં ભયાનક પૂર પાછળ કુદરતનો પ્રકોપ કે માણસની ભૂલ? જાણીએ આ પાછળના પાંચ મોટા કારણો વિશે...

હાલમાં આપણા પડોશી દેશ નેપાળમાં ભીષણ પૂર અને ભૂસ્ખલને ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. સામે આવી રહેલાં આંકડાઓ અનુસાર પડોશી દેશ પર આવી પડેલી આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 133 ભારતીયો સહિત 844થી વધારે લોકો લાપતા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે દર ચોમાસામાં નેપાળમાં કેમ આટલી વિકરાળ પૂરની સ્થિતિ સર્જાય છે? હિમાલયના ખોળામાં વસેલા આ દેશની ભૌગોલિક સ્થિતિ અને માનવીય ભૂલો કેવી રીતે આ આપત્તિને નોતરે છે, ચાલો આજે આ સ્ટોરીમાં આ પાછળના કારણો વિશે વિસ્તારથી ચર્ચા કરીએ... 

નેપાળની નાજુક ભૌગોલિક રચના:
વાત કરીએ નેપાળમાં જળપ્રલયને કારણે જોવા મળતી તબાહીના કારણો વિશે તો નેપાળ ખૂબ જ ઓછા અંતરમાં ઊંચા હિમાલયના શિખરોથી લઈને સપાટ તરાઈના મેદાનો સુધી ફેલાયેલું છે. પહાડોમાં ભારે ઢોળાવ હોવાને કારણે ઉપર થતો વરસાદ ઝડપથી નીચે ધસી આવે છે, જેથી નદીઓમાં ક્ષણભરમાં પૂર આવે છે. ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ હિમાલય હજુ પણ વિકસતી અને પ્રમાણમાં કાચી પર્વતમાળા છે. ભારે વરસાદમાં પહાડોની માટી અને ખડકો પાણી શોષીને ભારે થઈ જાય છે, જેનાથી મોટા પાયે ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) થાય છે.

ક્લાઈમેટ ચેન્જ અને વાદળ ફાટવાની ઘટનાઓ:
ગ્લોબલ વોર્મિંગના કારણે મોનસૂન પેટર્ન બદલાઈ છે. અત્યંત ટૂંકા સમયમાં 100થી 200મિમી જેવો ભારે વરસાદ ખાબકે છે. પહાડી નદીઓ અને ડ્રેનેજ સિસ્ટમ આટલા મોટા જળપ્રવાહને સમાવી શકતી નથી, જેના પરિણામે ફ્લેશ ફ્લડ આવે છે અને ચારેય બાજુ તબાહીનો મંજર જોવા મળે છે. 

ગ્લેશિયર પીગળવા:
નેપાળમાં સતત જોવા મળતાં જળ પ્રલયનું મહત્ત્વનું કારણ એટલે સતત વધતા જતાં તાપમાનના કારણે હિમાલયના ગ્લેશિયર્સ ઝડપથી પીગળી રહ્યા છે અને કુદરતી ડેમ ધરાવતા ગ્લેશિયલ તળાવો બની રહ્યા છે. જ્યારે આ કાચા બરફ કે પથ્થરના બંધ તૂટે છે, ત્યારે લાખો લિટર પાણી અચાનક નીચેના ગામડાઓ તરફ ધસી આવે છે.

નદીઓનું વિશાળ નેટવર્ક અને લેન્ડસ્લાઈડ ડેમ:
કોશી, ગંડક, કરનાલી અને બાગમતી જેવી મોટી નદીઓ નેપાળમાંથી વહે છે. જ્યારે ભૂસ્ખલનથી નદીનો માર્ગ રોકાઈ જાય છે, ત્યારે કૃત્રિમ તળાવ બને છે અને દબાણ વધતાં આ તળાવ તૂટતા જ નીચેના વિસ્તારોમાં પ્રલય જેવી સ્થિતિ સર્જાય છે.

આડેધડ બાંધકામ અને જંગલોનો વિનાશ:
યોગ્ય જિયોલોજિકલ સર્વે વગર પહાડો કાપીને હાઈવે, હોટેલ્સ અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સનું નિર્માણ પહાડોની સ્થિરતા જોખમાવી રહ્યું છે. આ ઉપરાંત વૃક્ષોના મૂળિયાં પહાડી માટીને જકડી રાખે છે. જંગલો કપાતાં જ વરસાદી પાણી સીધું માટીનું ધોવાણ કરે છે, જે નદીઓના પટ છીછરા બનાવી પૂરનું જોખમ અનેકગણું વધારી દે છે.