મુંબઈઃ કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન તિબેટના ગ્યિરોંગ વિસ્તારમાં આવેતા પૂરથી શ્રદ્ધાઓની ચિંતા વધી ગઈ છે. ઘણા ભારતીયો પણ આ યાત્રામાં ગયા છે. નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી એક્ટ્રેસ માનસી પારેખ તાજેતરમાં કૈલાશ માનસરોવરની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ કઠિન અને પવિત્ર યાત્રાની અનેક સુંદર ક્ષણોની ઝલક ચાહકો સાથે શેર કરી છે.
તિબેટ-નેપાળ સરહદ પર અચાનક આવેલી કુદરતી આપત્તિએ સેંકડો શ્રદ્ધાળુઓ માટે ભારે મુશ્કેલી ઊભી કરી દીધી છે તેવા જ સમયે માનસીએ કરેલી પોસ્ટ ચર્ચામાં આવી છે. આ દુર્ઘટના બની ત્યારે માનસી પારેખ પણ ત્યાં હાજર હતી. હાલમાં તેની સ્થિતિ કેવી છે અને ત્યાં કેવા સંજોગો છે, તે અંગે તેણે પોસ્ટ શેર કરીને માહિતી આપી છે.
માનસી પારેખે ત્રણ પોસ્ટ કરી શેર
માનસી પારેખે આ અંગે ત્રણ પોસ્ટ શેર કરીને માહિતી આપી હતી. તેણે પહેલી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, જિંદગી કેટલી અનિશ્ચિત છે, પરંતુ જે બન્યું છે તે ખરેખર હૃદયદ્રાવક છે. અમે આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો માટે સતત પ્રાર્થના કરી રહ્યા છીએ. ઈશ્વરની કૃપાથી અમે ચીનમાં સુરક્ષિત છીએ અને ઇશા ફાઉન્ડેશન અમને સુરક્ષિત ઘરે પહોંચાડવા તેમજ પૂરમાં ફસાયેલા લોકોને શોધવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે. કૃપા કરીને તમામની સલામતી માટે પ્રાર્થના કરતા રહો.
ત્યારબાદ તેણે વધુ એક સ્ટોરી પોસ્ટ કરી લખ્યું, સાચું કહું તો 5 દિવસ પહેલા આ જગ્યા પર મારું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું! અને હવે આખી જગ્યા પાણીમાં ડૂબેલી છે. જ્યારે છેલ્લી પોસ્ટમાં માનસી પારેખે લખ્યું, અમારે કાલે સવારે અહીં પહોંચવાનું હતું. આ પોસ્ટ્સ પરથી સ્પષ્ટ થાય છે કે અભિનેત્રી સુરક્ષિત છે.
આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુએ ખુલાસો કર્યો હતો કે તિબેટના ગ્યોંગ ઇમિગ્રેશન સેન્ટર નજીક તેમની યાત્રાનું એક મુખ્ય જૂથ અચાનક આવેલા ભીષણ પૂરમાં ફસાઈ ગયું હતું. આ દુર્ઘટના યાત્રાળુઓના પરત ફરવાના માર્ગ દરમિયાન બની હતી. માનસી પારેખ પણ તે સમયે માનસરોવર વિસ્તારમાં હાજર હતી, પરંતુ તે સદ્ગુરુના તે પ્રભાવિત જૂથનો જ હિસ્સો હતી કે નહીં તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. અભિનેત્રીએ સદ્ગુરુના તે જૂથ માટે પ્રાર્થના કરતી પોસ્ટ શેર કરી છે.
કોણ છે માનસી પારેખ
માનસી પારેખનો જન્મ અમદાવાદમાં થયો છે. તેના પિતાનું નામ મહેશ પારેખ અને માતાનું નામ મનીષા પારેખ છે. તેણે ઝેવિયર્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે.
માનસી પારેખ એક્ટ્રેસ હોવાની સાથે-સાથે સિંગર, નિર્માતા અને કન્ટેન્ટ ક્રિએટર પણ છે. તેણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત વર્ષ 2004માં ટેલિવિઝન ધારાવાહિક 'કિતની મસ્ત હૈ જિંદગી'થી કરી હતી. જોકે, તેને ખરી ઓળખ 2005ના લોકપ્રિય શો 'ઇન્ડિયા કૉલિંગ'થી મળી. ત્યારબાદ તેણે સ્ટાર પ્લસના શો 'જિંદગી કા હર રંગ... ગુલાલ' અને સુપરહિટ કોમેડી શૉ 'સુમિત સંભાલ લેગા'માં માયાના પાત્રથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું.
નાના પડદા પર અપાર સફળતા મેળવ્યા બાદ માનસીએ પ્રાદેશિક અને હિન્દી સિનેમામાં પણ ઝંપલાવ્યું. તેણે 2012માં તમિલ ફિલ્મ 'લીલાઈ' અને હિન્દી ફિલ્મ 'યે કૈસી લાઈફ'થી ફિલ્મી સફર શરૂ કરી હતી. ત્યારબાદ તેણે નિર્માણ ક્ષેત્રે પ્રવેશ કરીને ગુજરાતી વેબ સિરીઝ 'ડૂ નોટ ડિસ્ટર્બ' બનાવી અને સુપરહિટ ફિલ્મ 'ગોળકેરી' દ્વારા ગુજરાતી સિનેમામાં મુખ્ય અભિનેત્રી તરીકે ઓળખ બનાવી હતી. વર્ષ 2024 માનસીની કારકિર્દીનું સૌથી યાદગાર વર્ષ સાબિત થયું, જ્યારે તેને ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ'માં 'મોંઘી'ના સશક્ત પાત્ર માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.
માનસી પારેખે 2008માં મ્યુઝિશિયન પાર્થિવ ગોહિલ સાથે લગ્ન કર્યા હતા. એક્ટ્રેસ મીડિયામાં તેની પર્સનલ લાઈફ વિશે વધુ વાત કરતી નથી. તે પોતાના જીવનને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે.
માનસરોવરનો દિવ્ય અનુભવ અને આગામી પ્રોજેક્ટ્સ
માનસરોવર સરોવરના કિનારે વિતાવેલી શાંત ક્ષણોના વીડિયો શેર કરતાં માનસીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. તેણે લખ્યું કે ક્યારેક અનુભવ એટલો દિવ્ય અને ઊંડો હોય છે કે તેને વર્ણવવા માટે શબ્દો ઓછા પડે છે. હજારો વર્ષોનો પૌરાણિક ઇતિહાસ ધરાવતા આ કિનારે 40 મિનિટ સુધી ધ્યાન-સાધના કરવી એ તેના જીવનની એક અવિસ્મરણીય અને અલૌકિક ક્ષણ છે. આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, માનસી પારેખ ટૂંક સમયમાં નેટફ્લિક્સની આગામી કોમેડી સિરીઝ 'ચુંબક કોલોની'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.