કાઠમંડુઃ નેપાળમાં આવેલ અચાનક પૂરની આફત બાદ હવે તેનાથી પણ મોટો વિનાશ થવાની ભીતિ સેવાઈ રહી છે. કાઠમંડુ સ્થિત સાયન્ટિફિક સંસ્થા ICIMOD (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ) દ્વારા જાહેર કરવામાં આવેલી ચેતવણી અનુસાર, નેપાળ અને ચીન સીમાના ઉપરના પહાડી વિસ્તારોમાં વિશાળ બડ ખડકો અને કાટમાળ ફસાઈ જવાથી નદીનો પ્રવાહ રોકાઈ ગયો છે. જો આ કુદરતી બંધ અચાનક તૂટશે, તો નીચલા વિસ્તારોમાં પૂરનું બીજું અત્યંત ઘાતક મોજું ફરી વળશે.
આ ગંભીર ખતરાને ધ્યાનમાં રાખીને સરહદ પર આવેલા જીલોંગ પોર્ટને તાત્કાલિક અસરથી ખાલી કરાવવાના આદેશ આપી દેવાયા છે. ગઈ કાલે સવારે 9 વાગ્યાના સુમારે ભોટે કોશી રિવર બેસિનમાં જળસ્તર એકાએક વધી જતાં ભયાનક સૈલાબ આવ્યો હતો. પહાડોમાંથી ધસી આવેલો આ પ્રવાહ પોતાના માર્ગમાં ભારે પથ્થરો, માટી અને કાદવ ઢસડીને લાવ્યો હતો. જેના કારણે હવે બીજો મોટો ખતરો નેપાળ પર મંડરાઈ રહ્યો છે.
માત્ર અડધા કલાકમાં 9 મીટર પાણી વધી ગયું
ત્રિશૂલી નદીનું જળસ્તર માત્ર 30 મિનિટમાં 30 ફૂટ જેટલું વધી ગયું, એટલું નહીં પરંતુ મલેખુમાં પણ નદીનું સ્તર એ જ સમયગાળામાં 7 મીટર સુધી વધી ગયું હતું. આ ભયાનક પૂરે પાણી માપવાના હાઇડ્રોલોજિકલ મોનિટરિંગ સિસ્ટમને ભારે નુકસાન પહોંચાડ્યું છે. પરિસ્થિતિ બિગડતી જોઈને નીચાણવાળા વિસ્તારોમાં હાઈ અલર્ટ જાહેર કરી દેવાયું છે.
પહાડોમાં હિમસ્ખલનથી કુદરતી તળાવ બનવાનો ભય
વૈજ્ઞાનિકોના જણાવ્યાં પ્રમાણે પહાડો પરથી બરફ અને ખડકોનો મોટો હિમપ્રપાત થયો હતો. આ જંગી કાટમાળ ભોટેકોશીની સહાયક નદી લ્હેંડે ખોલા (Lhende Khola) માં ખાબક્યો હતો. ICIMOD ના પર્યાવરણીય જોખમ વિભાગના વડા ચિયાંગગોંગ ઝાંગે જણાવ્યું કે, ‘ગત વર્ષે જ રાસુવા વિસ્તારમાં ભારે તબાહી મચી હતી અને તે જ ઝોન ફરીથી ખતરામાં છે. લ્હેંડે ખોલામાં વધુ બરફ ધસવાની શક્યતા છે. સરહદના ઉપરના ભાગે કચરાના કારણે મોટો ભરાવો થયો છે, જેનાથી બીજી લહેર ગમે ત્યારે ત્રાટકી શકે છે’.
અસ્થાયી તળાવ મોટો ખતરો સર્જી શકે છે
આ મામલે નિષ્ણાતોને ચિંતા છે કે કાટમાળના કારણે નદીમાં અસ્થાયી તળાવ રચાઈ ગયું છે. જો આ બંધ અચાનક ફૂટશે, તો પહેલા કરતાં પણ વધુ વિનાશક પૂર નીચાણવાળા વિસ્તારોને તબાહ કરી નાખશે. મતલબ કે અત્યારે જે પૂર નેપાળમાં આવ્યું છે જેના કરતા મોટા પૂરનો ખતરો હજી પણ આવી શકે છે. જો આવું થશે તો ભારે નુકસાન થઈ શકે છે, જે અત્યારના નુકસાન કરતા અનેક ગણું વધારે હશે!