ભુજ: કચ્છના નખત્રાણા તાલુકામાં હિંસત શ્વાનોનો આતંક સતત વધી રહ્યો હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે નખત્રાણા તાલુકાના ટોડિયા ગામમાં હિંસક શ્વાનોના ટોળાએ વાડામાં ત્રાટકીને એકસાથે 50 ઘેટાં-બકરાંનું મારણ કરતાં સમગ્ર પંથકના પશુપાલકોમાં ભારે અરેરાટી સાથે ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ટોડિયા ગામના પશુપાલક પીંજારા મુબારક ઈસા પોતાના ઘેટાં-બકરાંને વાડામાં પૂરીને ગામમાં દવા લેવા ગયા હતા. તે દરમિયાન અચાનક હિંસક શ્વાનોનું ટોળું વાડામાં ઘૂસી ગયું હતું અને માલધારીના આજીવિકા સમાન 50 જેટલા ઘેટાં-બકરાં પર તૂટી પડી તેમનું મારણ કર્યું હતું. 50 જેટલા ઘેટાં-બકરાંનું મારણ કરવામાં આવ્યું હોવાથી પશુપાલક હવે સાવ પાયમાલ થઈ ગયાં છે. પોતાની આજીવિકાનું હિંસક શ્વાનોએ મારણ કર્યું હોવાથી પશુપાલને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
પશુપાલક મુબારક ઈસા પરત ફરતાં વાડામાં મૃત હાલતમાં પડેલા પશુઓને જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. એકસાથે ૫૦ પશુઓના મોતથી માલધારી પરિવાર ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. સ્થાનિક અગ્રણી સૈયદ રઝાકશાહ સહિત ગામલોકોએ તંત્ર દ્વારા પીડિત પશુપાલકને તાત્કાલિક યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગણી કરી છે.
(ઉત્સવ વૈદ્ય)