Mon Sep 07 2026

Logo

સુરેન્દ્રનગર: ધાંગધ્રા હાઇવે પર તારંગા જૈન તીર્થમાં પૂજારી અને તેમની પત્નીના શંકાસ્પદ મોતથી ચકચાર

2026-08-04 22:52:55
Author: Mumbai Samachar Team
સુરેન્દ્રનગર: ધાંગધ્રા હાઇવે પર તારંગા જૈન તીર્થમાં પૂજારી અને તેમની પત્નીના શંકાસ્પદ મોતથી ચકચાર

સુરેન્દ્રનગર: ધાંગધ્રા હાઇવે પર આવેલા તારંગા જૈન તીર્થ ખાતે મંદિરના પૂજારી અને તેમની પત્ની મૃત હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, પૂજારીની પત્નીના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા છે, જ્યારે પૂજારીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે બંનેના મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને સમગ્ર ઘટનાની તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસના આધારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પૂજારીએ કોઈ બોથડ પદાર્થ વડે પત્નીની હત્યા કર્યા બાદ પોતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોય. જોકે, આ માત્ર પ્રાથમિક આશંકા છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક તપાસ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ બનાવ હત્યા છે કે હત્યા બાદ આત્મહત્યા, તે અંગેનું સાચું કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને લોકોમાં ભારે ચર્ચા અને શોકની લાગણી જોવા મળી રહી છે.