(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના જોગ આશ્રમ ખાતે ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ સાથે એક વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો દેશના વિકાસની સાચી કરોડરજ્જુ છે અને તેમના સર્વાંગી ઉત્થાન માટે રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.
થાનગઢ અને મોરબી જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં સિરામિક અને પથ્થર ઉદ્યોગ સાથે જોડાયેલા શ્રમિકોમાં થતા 'સિલિકોસિસ' જેવા જીવલેણ રોગ સામે જાગૃતિ લાવવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે આર્થિક સહાયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જો કોઈ શ્રમિકમાં આ રોગનું નિદાન થાય, તો તેના પુનઃસ્થાપન માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 3 લાખ અને જો આ રોગના કારણે શ્રમિકનું અકાળે અવસાન થાય તો તેના પરિવારને રૂ. 4 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે. તેમણે શ્રમિકોને કામ દરમિયાન ફરજિયાતપણે માસ્કનો ઉપયોગ કરવા અને ફેક્ટરી માલિકોને પણ પોતાના સ્વાસ્થ્યની જેમ જ શ્રમિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી તેમને સુરક્ષા કીટ પૂરી પાડવા હાર્દિક અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે સુરેન્દ્રનગર અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં ટૂંક સમયમાં નવી ઈ.એસ.આઈ. હોસ્પિટલો અને આધુનિક તબીબી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારોમાં મીઠું પકવવાનું કામ કરતા આશરે 5000 જેટલા અગરિયા શ્રમિકો માટે નવા આવાસની જોગવાઈ પણ વિભાગ દ્વારા કરવામાં આવશે.
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સાંસદ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે માત્ર વૃક્ષારોપણ કરવું પૂરતું નથી, પરંતુ વાવેલા વૃક્ષોનું યોગ્ય જતન કરી તેને ઉછેરવાની જવાબદારી પણ આપણે સૌએ સામૂહિક રીતે સ્વીકારવી પડશે. આ તકે તેમણે સ્થાનિક જનપ્રતિનિધિઓને સરકારી અધિકારીઓ સાથે યોગ્ય સંકલન સાધીને વિસ્તારના વિકાસકામોને વેગ આપવા તેમજ સરકારના ધારાધોરણો મુજબ જનહિતના કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.