Sat Jun 06 2026

Logo

ભારતે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાનની ચૂંટણી યોજવાની  હિલચાલનો વિરોધ કર્યો

2026-06-05 22:14:06
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : ભારત સરકારે  જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશમાં સામેલ ગણાતા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણીઓ યોજવાની પાકિસ્તાનની હિલચાલનો ભારતે વિરોધ કર્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ વિસ્તારનો ભારતનો અભિન્ન અંગ છે.  પાકિસ્તાન 7 જૂનના રોજ ગિલગિટ-બાલ્ટિસ્તાન ચૂંટણી કરાવવાની યોજના બનાવી રહ્યું છે. વિદેશ મંત્રાલયે આ સંદર્ભમાં પાકિસ્તાનને વિરોધનો ઔપચારિક પત્ર સોંપ્યો છે.

આવા પગલાં જમીની વાસ્તવિકતાને બદલી શકતા નથી

આ મુદ્દે વિદેશ મંત્રાલયે  જણાવ્યું હતું કે આ સ્થિતી વર્ષ 1947 માં જમ્મુ અને કાશ્મીરના ભારતમાં કાયદેસર સંપૂર્ણ અને કાયમી જોડાણના લીધે છે. તેમજ જણાવ્યું કે આ ક્ષેત્રમાં પાકિસ્તાન દ્વારા કોઈપણ ચૂંટણી કે વહીવટી પ્રવૃત્તિ માટે કોઈ કાનૂની આધાર નથી. ભારતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આવા પગલાં જમીની વાસ્તવિકતાને બદલી શકતા નથી કે પાકિસ્તાનના ગેરકાયદે કબજાને છુપાવી શકતા નથી. ભારતે વધુમાં આરોપ લગાવ્યો હતો કે પીઓકે વિસ્તારોમાં ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન, રાજકીય દમન, આર્થિક શોષણ અને લોકોની સ્વતંત્રતા છીનવવા જેવા મુદ્દા છે.

પીઓકેના માનવાધિકાર કાર્યકર્તાએ પીએમ મોદીને હસ્તક્ષેપ કરવા અપીલ કરી 

આ દરમિયાન પીઓકેના જમ્મુ અને કાશ્મીરના માનવાધિકાર કાર્યકર્તા અમજદ અયુબ મિર્ઝાએ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પ્રદેશના લોકોના અધિકારોનું રક્ષણ કરવા અને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાન અને પીઓકેમાં રાજકીય અને નાગરિક અધિકાર કાર્યકર્તાઓ પર દબાણ વધી રહ્યું છે. 

લોકોમાં  અસંતોષ

આ ઉપરાંત અમજદ અયુબ મિર્ઝાએ એવો પણ દાવો કર્યો હતો કે વર્ષ 1947થી પાકિસ્તાનના કડક નિયંત્રણ અને સતત પ્રચાર છતાં ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોમાં ત્યાંની સ્થિતિને લઈને  અસંતોષ છે. તેમના મતે રાજકીય અધિકારો અને સ્વતંત્રતા અંગે લોકોમાં નારાજગી વધી રહી છે અને વિરોધની લાગણી છે.