(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ખેતીમાં મજૂરોની અછતને પહોંચી વળવા અને ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા કૃષિ યાંત્રીકરણને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આધુનિક યુગમાં સમયસર ખેતીના કાર્યો પૂર્ણ કરવા માટે મોરબી જિલ્લામાં સરકારની ‘કૃષિ યાંત્રીકરણ અંતર્ગત મીની ટ્રેક્ટર અને સાધનોમાં સહાય’ યોજના નાના અને સીમાંત ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
આર્થિક મર્યાદાઓના કારણે મોંઘા સાધનો ખરીદી ન શકતા કે ઊંચા ભાડા ચૂકવવા મજબૂર ખેડૂતો માટે વર્ષ 2025-26 અન્વયે મોરબી જિલ્લા બાગાયત વિભાગ દ્વારા આ કલ્યાણકારી યોજના હેઠળ રૂ. 22.12 લાખની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે, જેનો સીધો લાભ જિલ્લાના કુલ 251 પ્રગતિશીલ ખેડૂતોને મળ્યો હતો.
આ આર્થિક સહાય અંતર્ગત મોરબી જિલ્લામાં ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં આધુનિક કૃષિ યંત્રો પૂરા પાડવામાં આવ્યા છે, જેમાં 251 મીની ટ્રેક્ટર, 173 કલ્ટીવેટર, 78 રોટાવેટર અને ખેતપેદાશોના પરિવહન માટે 1 મીની ટ્રેલરનો સમાવેશ થાય છે. આ પ્રોત્સાહક પગલાંને લીધે ખેડૂતોને ખેડ, વાવણી અને લણણી જેવા કાર્યોમાં ફાયદાકારક નીકળશે. આ ઉપરાંત ઉનાળુ ઋતુમાં પાક માટે પાણીના પરિવહન અર્થે પણ આ સાધનો અત્યંત ઉપયોગી નીવડી રહ્યા છે.