Sat Jun 06 2026

Logo

ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે કે નહીં? જાણો RBI ગવર્નરે શું કહ્યું

2026-06-05 14:46:00
Author: Mayur Patel
Article Image

Image Credit : Mint


નવી દિલ્હીઃ RBIએ મોનેટરી પોલિસી કમિટીએ બેઠકમાં રેપો રેટ યથાવત રાખ્યો હતો. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, મોનેટરી પોલિસી કમિટીએ હવે નાણાકીય વર્ષ FY27 માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેશન એટલે કે રિટેલ મોંઘવારીનો અંદાજ વધારીને 5.1 ટકા કર્યો છે. અગાઉના અંદાજમાં તે 4.6 ટકા રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમણે ભારતમાં ચલણી નોટોને લઈ પણ વાત કરી હતી.

ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે કે નહીં?

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, દેશમાં પ્લાસ્ટિક ચલણી નોટ લાવવાના પ્રસ્તાવ પર વિચારણા કરવામાં આવી રહી છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી કે, આ પ્રસ્તાવ હાલ પ્રારંભિક તબક્કામાં છે અને તેના પર કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

કાગળના ચલણના વપરાશમાં થયેલા ભારે વધારા વચ્ચે RBIએ પ્લાસ્ટિકની ચલણી નોટો છાપવાનો પ્રસ્તાવ પહેલીવાર રજૂ કર્યો તેના લગભગ એક દાયકા પછી આ પગલું લેવામાં આવ્યું છે. કાગળની ચલણી નોટ છાપવાનો ઊંચો ખર્ચ અને પાછળથી તેને મોટા પ્રમાણમાં નિકાલ કરવામાં થતો વધારો કદાચ આ પગલાં માટે કારણભૂત બન્યો છે.

ફેબ્રુઆરી 2014માં, સરકારે સંસદમાં માહિતી આપી હતી કે ભૌગોલિક અને આબોહવાની વિવિધતાના આધારે પસંદ કરાયેલા પાંચ શહેરોમાં ફિલ્ડ ટ્રાયલ તરીકે 10 રૂપિયાના દરની એક અબજ પ્લાસ્ટિક નોટો બહાર પાડવામાં આવશે. આ માટે કોચી, મૈસૂર, જયપુર, શિમલા અને ભુવનેશ્વર પસંદ કરાયેલા શહેરો હતાં. તે સમયે, ટેકનોલોજીકલ અને ઓપરેશનલ સમસ્યાઓ સામે આવતા આ પહેલને સ્થગિત કરવામાં આવી હતી.

અલ નીનો અને ચોમાસાનો ડર બન્યો સૌથી મોટી ચિંતા

RBI ગવર્નર અનુસાર, હાલમાં RBIની સૌથી મોટી ચિંતા પુરવઠામાં અવરોધ છે. આરબીઆઈએ ચેતવણી આપી છે કે ચોમાસામાં સંભવિત અછત અને અલ નીનોની સ્થિતિ ઊભી થવાની આશંકા છે. જો આમ થશે તો કૃષિ ઉત્પાદન, ખાદ્ય પુરવઠો અને ગ્રામીણ માંગ પર તેની માઠી અસર થશે.  લાંબા સમયગાળા અને કિંમત પર તેની સીધી અસર પડે છે. આ ઉપરાંત સંભવિત રીતે નબળું ચોમાસું અને અલ નીનોની સ્થિતિના કારણે મોંઘવારી પર પડનારા પ્રતિકૂળ પ્રભાવને લઈ પણ કેન્દ્રીય બેંક સતર્ક છે.

વર્ષના અંત સુધીમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચશે

છેલ્લા કેટલાક મહિનાઓમાં મોંઘવારી RBIના 4 ટકાના મધ્યમ ગાળાના લક્ષ્યાંકથી નીચે રહી છે. માર્ચમાં તે 3.4 ટકા અને એપ્રિલમાં 3.5 ટકા હતી. પરંતુ હવે આ રાહતનો સમય પૂરો થઈ રહ્યો હોય તેમ લાગે છે. RBIએ ચાલુ નાણાકીય વર્ષના તમામ ક્વાર્ટર માટે મોંઘવારીનો જે ગ્રાફ રજૂ કર્યો છે તે ચોંકાવનારો છે.