નવી દિલ્હીઃ દેશના રેલયાત્રીઓ માટે ગૂડ ન્યૂઝ છે. આવનારા સમયમાં રાજધાની એક્સ્પ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ અને વંદે ભારત જ નહીં, સામાન્ય મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ રાજધાનીની સ્પીડમાં દોડાવવામાં આવશે. હવે માત્ર રાજધાની કે વંદે ભારત જ નહીં, પરંતુ દેશની સામાન્ય મેલ, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો પણ 130 કિમી/કલાકની તેજ ગતિએ દોડાવી શકાશે.
આ અંગે રેલવે મંત્રાલય તરફથી એક મોટો નિર્ણય લેવાઈ શકે છે. રેલવે બોર્ડની એક મહત્ત્વકાંક્ષી યોજના અંતર્ગત એક પ્લાનને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત દેશના મુખ્ય ગણાતા રૂટ પર દોડનારી અનેક એવી ટ્રેનને ગતિ મળશે. આવી સામાન્ય ગણાતી ટ્રેનની મહત્તમ સ્પીડ 110 કિમી/કલાકથી વધીને 130 કિમી/કલાક થઈ જશે. આ નિર્ણયથી પ્રવાસીઓની રેલયાત્રા વધુ સુવિધાજનક થશે અને સમયની પણ બચત થઈ જશે.
રેલવે માટે નવી યોજના
રેલવે બોર્જના એક રિપોર્ટ અનુસાર આ યોજનાના દાયરામાં દેશભરની 350થી 400 કિમીનું અંતર કાપતી લાંબા અંતરની ટ્રેન, મેઈલ, એક્સપ્રેસ તથા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને આવરી લેવાનું પ્લાનિંગ છે. આ યાદીમાં એવી ટ્રેન પણ સામેલ છે, જેમાં પહેલા કરતા વધારે LHB કોચ લગાવી દેવામાં આવ્યા છે.
આ કોચને જર્મનીની ટેકનિકથી તૈયાર કરવામાં આવ્યા છે. આ કોચ 160 કિમી/કલાકની સ્પીડ ફોર્સ માટે સક્ષમ છે. આ મોટા પરિવર્તનને લાગુ કરવા માટે રેલવેએ સમગ્ર દેશમાં ટાઈમટેબલ ઓડિટ બેઝ શરૂ કરી દીધું છે. પ્રથમ તબક્કામાં એ મુખ્ય રૂટની પસંગદી કરવામાં આવી છે જ્યાં ટ્રેક અપગ્રેડેશન, ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ અને ભારે રેલવે ટ્રેકનું કામ ખતમ થઈ ગયું છે.
પ્રવાસીઓનો સમય બચશે
આનાથી રેલવેનું નેટવર્ક વધારે મજબૂત થશે. હાઈસ્પીડ રેલ, બેસ્ટ સિગ્નલ સિસ્ટમ, LHB કોચ તથા ઈલેક્ટ્રિફિકેશન જેવા મોટા પગલાથી ભારતીય રેલ પરિવહન સેવાનું સ્વરૂપ બદલવા તબક્કાવાર પ્રયાસ થઈ રહ્યા છે. સ્પીડમાં વધારાના નિર્ણયથી પ્રવાસીઓનો સમય બચી જશે, આ ઉપરાંત લાંબા અંતરના પ્રવાસમાં ફાયદો થશે.
અત્યાર સુધીમાં રાજધાની, શતાબ્દી, દુરંતો અને વંદે ભારત જેવી ટ્રેન જ 130 કિમી/કલાકથી દોડતી હતી. નવી યોજના લાગુ થતા સુપરફાસ્ટ અને એક્સપ્રેસ ગણાતી ટ્રેનમાં પણ ગતિ આવશે. હવે ભારતીય રેલવે વિશ્વ સ્તરીય રેલવે નેટવર્ક તરફ આગળ વધી રહ્યું છે. વધુ ગતિ, સુરક્ષાની સાથે આરામદાયક યાત્રાનો અનુભવ મળતા પ્રવાસીઓને મોટી રાહત થશે.
સરકારની આ પોલિસીથી દેશભરમાં દોડાવાતી લગભગ 350થી 400 જેટલી લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ કરવામાં આવશે, જેમાં આઈસીએફના કોચ હટાવીને નવી જર્મન ટેક્નિકવાળા એલએચબીના કોચ લગાવવામાં આવ્યા છે, કારણ કે એલએચબીના કોચ કલાકના 160 કિલોમીટરની ઝડપથી ટ્રેન દોડાવવા માટે સક્ષમ હશે.