Mon Oct 05 2026

Logo

ભારત બાંગ્લાદેશ સરહદે ટેન્શન વધ્યું:  હિજરત કરનારાની સંખ્યા વધી, BSF સતર્ક

2026-06-05 22:32:17
Author: Mumbai Samachar Team
ભારત બાંગ્લાદેશ સરહદે ટેન્શન વધ્યું:  હિજરત કરનારાની સંખ્યા વધી, BSF સતર્ક

અગરતલાઃ ગુજરાત-પશ્ચિમ બંગાળમાંથી બાંગ્લાદેશીઓને હાંકી કાઢવાનું અભિયાન શરૂ થયા બાદ બાંગ્લાદેશ બોર્ડર પર બાંગ્લાદેશીઓની ભીડ એકઠી થઈ રહી છે. તો બીજી તરફ બાંગ્લાદેશમાંથી ભારત આવવા માટે ઘુસણખોરો મીટ માંડીને બેઠા છે. શુક્રવારે આવી જ એક ઘટના કુચવિહાર જિલ્લા પાસે આવેલા બોર્ડર વિસ્તારમાં જોવા મળી હતી જ્યાં સ્થાનિકોની ચોક્કસ માહિતીના આધારે બોર્ડર સિક્યોરિટી ફોર્સે પગલાં લીધા હતા. ભારતીય જવાનોની બાજ નજર હોવા છતાં બાંગ્લાદેશી ઘુસણખોરોએ ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

સ્થાનિકોએ જાણ કરતા સુરક્ષા મળી

કુચવિહારના મેખલીગંજ વિસ્તારની આ ઘટના છે. બાંગ્લાદેશના લાલમોનિરહાટ જિલ્લામાં ઔલિયાહાટ બોર્ડર પાસેથી ભારતીય સીમી ક્ષેત્ર સૌથી નજીક છે. શુક્રવારે વહેલી સવારે બન્યું એવું કે અચાનક મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ અહીં એકઠા થયા. ઝીરો પોઈન્ટ પાસે બાંગ્લાદેશીઓની ભીડ ટૂંક જ સમયમાં એકાએક વધી ગઈ હતી. હકીકત એ હતી કે, આ લોકો ભારતમાં ઘુસવા માટેના પ્રયાસ કરી રહ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ બોર્ડર વિસ્તારમાં આવેલા ગ્રામ્યવાસીઓમાં ડર વ્યાપી ગયો હતો.સ્થાનિકો અને ઘુસણખોરો વચ્ચે ઘર્ષણ થઈ શકે એવી પૂરી શક્યતાઓ હતી. પણ કેટલાક સ્થાનિકોએ BSFને યુદ્ધના ધોરણે મેસેજ કરતા BSFની ટીમે ઘુસણખોરોના પ્લાન પર પાણી ફેરવી દીધું. 

BSFએ આપી સુરક્ષાની ખાતરી

BSFની એક ટીમ યુદ્ધના ધોરણે મેખલીગંજ પહોંચી હતી. આ સમગ્ર ઘટના અંગે મેખલીગંજ વિસ્તારના ભાજપના ધારાસભ્યએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે,ઘુસણખોરોએ તીનબીઘાનો રસ્તો પસંદ કર્યો હતો, જે ભારતને બાયરોડ ક્નેક્ટ કરે છે. સામે છેડે બાંગ્લાદેશનો લાલમોનિરહાટ જિલ્લો લાગે છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સે આ ઘુસણખોરોના ઈરાદા પર પાણી ફેરવીને યોજના નિષ્ફળ બનાવી દીધી છે. બાંગ્લાદેશીઓ તરફથી થતી ઘુસણખોરીને કોઈ કાળે સહન કરવામાં નહીં આવે. બોર્ડર સિક્યોરિટી ફોર્સની ટીમે સ્થાનિકોને વિશ્વાસ અપાવતા કહ્યું કે, તેઓ એલર્ટ રહે, તેઓ બોર્ડરથી સૌથી નજીક છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ તમારી સાથે છે. ઘુસણખોરીને લઈને કંઈ પણ ઈનપુટ મળે તો તાત્કાલિક ઘટનાની જાણ વહીવટી તંત્રને કરે. બોર્ડર સિક્યોરિટી ફોર્સના ઉચ્ચ અધિકારીઓએ યુદ્ધના ધોરણે સમગ્ર વિસ્તારનું પેટ્રોલિંગ કર્યું અને સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી. 

આ કારણે કુચબિહાર સૌથી સંવેદનશીલ

કુચબિહાર જિલ્લામાં જ બાંગ્લાદેશ સાથે જોડાયેલી 549 કિમીની લાંબી આંતરરાષ્ટ્રીય બોર્ડર છે, જે ભારતની સૌથી જટિલ તથા અતિ સંવેદનશીલ બોર્ડર પૈકીની એક છે. આ એવો વિસ્તાર છે જ્યાં દિવસ કરતા રાત વધારે જોખમી હોય છે. લાંબી બોર્ડર અને ભૌગોલિક દ્રષ્ટિએ અહીં નદીઓનો પ્રવાહ છે. આ કારણે સખત કોર્ડન કે ફેન્સિગ લગાવવી કપરૂ કામ છે.આ કારણે રસ્તો ખુલ્લો છે અને વિસ્તાર મોટો છે. તેથી ઘુસણખોરોને આ રસ્તેથી સરળતાથી ભારતમાં આવવા માટે મોકળો માર્ગ મળી રહે છે. તિસ્તા, જલઢાકા,તોર્સા અને કાલજાની જેવી નદીનો પ્રવાહ અહીંયાથી પસાર થાય ત્યારે વેગ વધારે હોય છે. આ જ નદીઓ બોર્ડર ક્રોસ કરીને બાંગ્લાદેશમાં પણ જાય છે. તેથી રાતના અંધારમાં બોટની મદદથી સરળતાથી ઘુસણખોરો ઘુસી જાય છે. ભૌગોલિક સ્થિતિ પડકારજનક હોવાને કારણે અહીં દરેક ખૂણા સુધી સુરક્ષા રાખવી મોટો પડકાર બને છે.