Sat Sep 26 2026

Logo

પટના કોચિંગ ફાયરિંગ કેસમાં ખાન સર વિરુદ્ધ નોંધાઈ FIR, ધરપકડ માટે પોલીસના દરોડા

2026-06-05 15:51:00
Author: Vimal Prajapati
પટના કોચિંગ ફાયરિંગ કેસમાં ખાન સર વિરુદ્ધ નોંધાઈ FIR, ધરપકડ માટે પોલીસના દરોડા

પટના: સોશિયલ મીડિયા અને શિક્ષણ જગતમાં દેશભરમાં જાણીતા પટનાના પ્રખ્યાત ફેસલ ખાન ઉર્ફે 'ખાન સર' (Khan Sir) ની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. પટનામાં તેમની કોચિંગ સંસ્થા બહાર થયેલા વિવાદ અને તે દરમિયાન થયેલા ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પટના પોલીસે ખાન સર વિરુદ્ધ અત્યંત કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પટનામાં બનેલી આ ઘટના બાદ સતત વિવાદ વધી રહ્યો છે. 

પોલીસે પોતે ફરિયાદી બની નોંધી FIR

સૂત્રોના જણાવ્યા અનુસાર, પટનાના કદમકુઆં પોલીસ સ્ટેશનમાં ખાન સર વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસે કોઈ અન્ય વ્યક્તિની ફરિયાદના આધારે નહીં, પરંતુ પોતાના સત્તાવાર નિવેદનના આધારે આ ફરિયાદ દાખલ કરી છે. આ કેસમાં ખાન સરને નામજદ આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસ નોંધાયા બાદ ખાન સરની ધરપકડ કરવા માટે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા સંભવિત અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

શું છે સમગ્ર મામલો?

મળતી વિગતો મુજબ, ગત 2જી જૂનની રાત્રે પટનામાં આવેલી ખાન સરની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા દરમિયાન ભારે હોબાળો અને મારામારી થઈ હતી. ઘટનાના થોડા સમય બાદ એક સીસીટીવી અને મોબાઈલ વીડિયો સામે આવ્યો, જેમાં ખાન સરના ખાનગી બોડીગાર્ડ્સ હવામાં અને ભીડ તરફ ફાયરિંગ કરતા સ્પષ્ટ જોવા મળ્યા હતા. ફાયરિંગના પુરાવા મળતા જ પટના પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ખાન સરના બંને ખાનગી બોડીગાર્ડ્સને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા છે. આ કેસના સંદર્ભમાં પોલીસે અગાઉ ખાન સરની પણ પૂછપરછ કરી હતી.

ફાયરિંગ મુદ્દે ખાન સરે શું નિવેદન આપ્યું?

પોતાના બોડીગાર્ડ્સ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગના વીડિયો પર ખાન સરે મીડિયા સમક્ષ પોતાની સફાઈ રજૂ કરી છે. તેમણે પોલીસ અને તંત્ર સામે સવાલો ઉઠાવતા પોતાનો બચાવ કરતું નિવેદન આપ્યું છે. કહ્યું કે, ‘તે રાત્રે મારી ઓફિસ પર અચાનક હુમલો થયો અને ભારે મારામારી થઈ રહી હતી. મને ખબર હતી કે પોલીસને ઘટનાસ્થળે પહોંચતા સમય લાગશે, કારણ કે પોલીસ ત્યાં ઉડીને તો આવી શકે નહીં. તેથી અમે સેલ્ફ ડિફેન્સમાં ફાયરિંગ કર્યું હતું’.

ખાન સરના નિવેદન બાદ પણ પોલીસે કાર્યવાહી યથાવત રાખી

વધુમાં સફાઈ આપતા કહ્યું કે, લોકો બોડીગાર્ડ શા માટે રાખે છે? જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે તે તેમનો જીવ બચાવી શકે તે માટે તો રાખવામાં આવે છે. કોઈ અજાણ્યા લોકો આવીને હુમલો કરે છે, મારામારી કરે છે, તો શું તેમનું ફુલથી સ્વાગત કરવાનું હોય! મારા વિરોધીઓ તો ઈચ્છે જ છે હું મારા ફોટા પર હાર ચડી જાય! ખાન સરના આ આક્રમક બચાવ છતાં પટના પોલીસ કાયદાકીય પ્રક્રિયા આગળ વધારી રહી છે. બિહારના શિક્ષણ હબ ગણાતા પટનામાં આ હાઈ-પ્રોફાઈલ કેસને કારણે સ્થાનિક વિદ્યાર્થીઓ અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે.