સુરત: પીએમ મોદી સુરતમાં સભાને સંબોધિત કરતાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ આડે હાથે લીધા હતા. તેમણે નામ લીધા વિના રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આજે દેશમાં કેટલાક એવા નિરાશાવાદી લોકો છે કે આત્મ નિર્ભર ભારતની મજાક ઉડાવી રહ્યા છે. તેમજ ભારતને નીચું દેખાડવા માંગે છે.
આ લોકોએ દેશને બીજા પર નિર્ભર રાખ્યો
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે આ લોકોએ દેશને બીજા પર નિર્ભર રાખ્યો હતો. આ લોકો ભૂલી જાય છે બીજા પર નિર્ભર દેશ ક્યારેય વિકાસ નથી કરી શકતો. જ્યારે ભારત આશાવાદથી ભરપૂર છે અને આ નકારાત્મકાથી આગળ નીકળી ચૂક્યો છે. તેમજ હવે રોકાવું મંજૂર નથી. આપણે વિકસીત ભારતના સંકલ્પને સિધ્ધ કરવાનો છે.
કોંગ્રેસ અરાજકતા ફેલાવીને સત્તામાં આવવાના અવસર શોધી રહી છે
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં કોંગ્રેસ અરાજકતા ફેલાવીને સત્તામાં આવવાના અવસર શોધી રહી છે. પરંતુ દેશની જનતાએ જડબાતોડ જવાબ આપ્યો છે. ગુજરાતની જનતાએ કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દીધી છે. તેમજ જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ લોકો ત્રાસી ગયા છે. જેમાં હિમાચલમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ તેની કારમી હાર થઇ. તેમજ હાલમાં કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર પ્રત્યે લોકોના અસંતોષના લીધે મુખ્યમંત્રી બદલવાની ફરજ પડી છે.