Tue Sep 22 2026

Logo

રાજકોટમાં ભાજપના આગેવાન સામે દુષ્કર્મ અને ખંડણીની ગંભીર ફરિયાદ

2026-06-05 21:53:21
Author: Devayat Khatana
રાજકોટમાં ભાજપના આગેવાન સામે દુષ્કર્મ અને ખંડણીની ગંભીર ફરિયાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં કચ્છની ૨૦ વર્ષીય નર્સિંગનો અભ્યાસ કરતી યુવતીએ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાના ભત્રીજા અને જિલ્લા પંચાયતની બેડી સીટના સભ્ય સુમિતા ચાવડાના પતિ રાજેશ ઉર્ફે રાજા ચાવડા સહિત અન્ય શખ્સો સામે ગંભીર ફરિયાદ નોંધાવી હોવાની વિગતો સૂત્રોએ જણાવી હતી. રાજા ચાવડા ઉપરાંત રામ છૈયા, શ્યામ છૈયા અને મુકેશ છૈયા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્કર્મ, મારમારી, જાનથી મારી નાખવાની ધમકી, ખંડણી માંગવી અને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવા જેવી અત્યંત ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ મુજબ, પીડિતાને રામ છૈયા દ્વારા તેના ઘરે બે મહિના સુધી ગોંધી રાખવામાં આવી હતી. આ ઉપરાંત, રાજા ચાવડાએ પોતાની પાસે રહેલા પરવાનાવાળા હથિયારને પીડિતાના લમણે મૂકીને રૂ. 20 લાખની ખંડણી માંગી હોવાનો ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, શરૂઆતમાં આડેસર પોલીસ દ્વારા ઝીરો નંબરથી દાખલ કરાયેલી આ ફરિયાદ આજીડેમ પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી હતી, પરંતુ તેમાં આર્મ્સ એક્ટની કલમનો ઉમેરો ન કરાતા અનેક સવાલો ઊભા થયા છે. આરોપી ભાજપના આગેવાન હોવાથી શું પોલીસે તેમને બચાવવા આર્મ્સ એક્ટની કલમ દાખલ કરવાનું ટાળ્યું છે? તેવો ગણગણાટ હાલ લોકોમાં થઈ રહ્યો છે.