Mon Sep 07 2026

Logo

સુરત ગ્રામ્ય LCBની મોટી કાર્યવાહી: 1.33 કરોડની ચોરી કરનાર ‘મોહનીયા ગેંગ’ના ત્રણ સાગરીત ઝડપાયા

2026-05-08 17:49:06
Author: Devayat Khatana
સુરત ગ્રામ્ય LCBની મોટી કાર્યવાહી: 1.33 કરોડની ચોરી કરનાર ‘મોહનીયા ગેંગ’ના ત્રણ સાગરીત ઝડપાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરત:
સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એસીબી) દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરી જેવા 15થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી રીઢા ગુનેગારોની ‘મોહનીયા ગેંગ’ના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને દાહોદ જિલ્લાના ઉંડાર ગામેથી ફિલ્મી ઢબે ઝડપી પાડવામાં આવ્યા હતા. 

પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે આ ટોળકી કામરેજ નજીકના સોવરીન બંગ્લોઝ તેમ જ બારડોલીના ઇશરોલી અને અસ્તાન ગામમાં થયેલી લાખોની ચોરીમાં સંડોવાયેલી હતી. આરોપીઓની પૂછપરછમાં એ પણ ખુલાસો થયો હતો કે તેઓએ તાજેતરમાં દમણમાં બે મંદિરો અને એક મકાનમાંથી આશરે ૧.૩૩ કરોડથી વધુની માલમત્તાની ચોરી કરી હતી.  

આ ગેંગના સભ્યો ગુજરાતના મોટા શહેરોમાં મજૂરીકામ અર્થે જઈ શહેરના છેવાડાની સોસાયટીઓને ટાર્ગેટ કરતા અને રાત્રિના સમયે બંધ મકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપતા હતા. પકડાઈ ન જવાય તે માટે તેઓ પોતાના વતનમાં ડુંગરાળ વિસ્તારમાં રહેતા અને પોલીસની હિલચાલ જાણવા માટે પાલતુ કૂતરાઓ રાખતા હતા. 

પકડાયેલા આરોપીઓ દલીયો ઉર્ફે ગાંડો મોહનીયા, દિલીપ ઉર્ફે દીલો મોહનીયા અને કલ્પેશ ઉર્ફે પટ્ટી મોહનીયા વિરુદ્ધ અગાઉ અનેક ધરપકડ વોરંટ પણ ઇશ્યુ થયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.