Sat Apr 18 2026

Logo

નારી શક્તિ જવાબ આપશે: સુનેત્રા પવાર

2026-04-18 19:52:50
Author: Vipul Vaidya
Article Image

મહિલા ક્વોટા પર બિલને અવરોધવા બદલ વિપક્ષની ટીકા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે શનિવારે વિપક્ષની આકરી ટીકા કરી હતી અને વિધાનમંડળ સંસ્થાઓમાં મહિલાઓ માટે અનામત લાગુ કરવા માટેના બંધારણ સુધારા બિલની હારને લોકશાહી માટે ‘શરમજનક દિવસ’ ગણાવ્યો હતો.
2029માં વિધાનસભા સંસ્થાઓમાં મહિલાઓ માટે અનામત લાગુ કરવા અને લોકસભામાં બેઠકોની સંખ્યા વધારવા માટેના બિલને શુક્રવારે નીચલા ગૃહમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

એક્સ પર એક પોસ્ટમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા સુનેત્રા પવારે કહ્યું હતું કે મહિલા અનામત માટેની લડાઈ અહીં અટકશે નહીં. ‘નારી શક્તિ જવાબ આપશે,’ એમ તેમણે ઉમેર્યું હતું. 

તેમણે આરોપ લગાવ્યો હતો કે બિલને ‘ઇરાદાપૂર્વક અટકાવવાથી’ ફરી એકવાર વિરોધ પક્ષોની ‘મહિલા વિરોધી માનસિકતા’ છતી થાય છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે જે લોકો મહિલા સશક્તિકરણની વાત કરે છે તેમણે કાયદાને સમર્થન ન આપીને ‘મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન’ કર્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સર્વસંમતિ માટેની અપીલને નકારી કાઢવામાં આવી તેને માટે સુનેત્રા પવારે કહ્યું હતું કે (વિપક્ષ દ્વારા) આહ્વાનને નકારવું એ માત્ર અહંકાર નથી પણ ‘દેશની મહિલાઓ પ્રત્યે અન્યાય’ છે.

બંધારણ સુધારા બિલ મુજબ, 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકનની કવાયત પછી, 2029ની સંસદીય ચૂંટણી પહેલાં મહિલા અનામત કાયદાને ‘અમલી’ બનાવવા માટે લોકસભાની બેઠકો વર્તમાન 543થી વધારીને મહત્તમ 850 કરવાની હતી.

મહિલાઓને 33 ટકા અનામત સમાવવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓમાં પણ બેઠકો વધારવાની હતી.

બિલના સમર્થનમાં 298 સભ્યોએ મતદાન કર્યું, જ્યારે 230 સાંસદોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું. મતદાન કરનારા 528 સભ્યોમાંથી, બિલને બે તૃતીયાંશ બહુમતી માટે 352 મતોની જરૂર હતી.