કામિની શ્રોફ
વડનગર...... કાનામાત્રનો ભાર ઝીલ્યા વિનાનું આ પાંચ અક્ષરી શહેર અનેક વર્ષો સુધી મહદંશે અજાણ્યું રહ્યા બાદ હવે પાંચમાં પુછાવા લાગ્યું છે. હાટકેશ્વર મંદિર અને તાના - રીરી નામની બે બહેનના ઐતિહાસિક સ્મારકના સ્થળ તરીકે વર્ષો સુધી ઓળખાયેલા આ શહેરને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થાન હોવાથી છેલ્લાં કેટલાંક વર્ષોમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી છે. ત્રણ દિવસ આ નગરમાં ફર્યા પછી એની ઓળખનો વિસ્તાર ખ્યાલમાં આવ્યો. વડનગરનો પરિચય હાટકેશ્વર, તાના-રીરી અને નરેન્દ્ર મોદી પૂરતો સીમિત ન રહેવો જોઈએ બલકે ત્રીસેક હજારની વસતિ ધરાવતું આ સ્થળ એક જોવાલાયક કલાક્ષેત્ર તરીકે પણ જાણવું જોઈએ-સમજવું જોઈએ.
ઈતિહાસ
માનવકુળના આદિપુરુષ મનુના પૌત્ર આનર્તના નામ પરથી આ નગરનું નામ આનર્તનગર પડ્યું હોવાની માહિતી ઉપલબ્ધ છે. સ્કંદપુરાણના ઉલ્લેખ અનુસાર આનર્ત પ્રદેશના રાજા ચમત્કારએ આ નગરની સ્થાપના કરી હતી. વાયકા અનુસાર રાજા ચમત્કાર કોઢની તકલીફથી પરેશાન હતા. શંખતીર્થ જળકુંડમાં સ્નાન કરવાથી રાજા રોગમુક્ત થયા અને અહીં ચમત્કારપુર ની સ્થાપના કરી. આનર્તપુર પરથી આ નગરનું નામ આનંદપુર પડેલું હોવાનો ઉલ્લેખ પણ મળે છે.
એક સમયે વડનગરનું નામ `વિપ્રપુર' હતું. વિપ્ર એટલે બ્રાહ્મણ અને વડનગરના નાગર બ્રાહ્મણોની પ્રસિદ્ધિ અને પ્રભુત્વને કારણે નગરને આ નામ મળ્યું હશે એમ માનવામાં આવે છે. પુરાણમાં વડનગરનું એક નામ વૃદ્ધનગર હોવાનો ઉલ્લેખ છે. એના પરથી વડનગર નામ આવ્યું હોવું જોઈએ. સાતમી સદીમાં ભારતમાં આવેલ ચીની મુસાફર શ્યેન ચાંગે આનંદપુરની મુલાકાત લીધી હોવાનો ઉલ્લેખ છે.
તાના - રીરી ગાર્ડન:
સંગીતજ્ઞ બહેનોના આ ઉદ્યાન પાસે પહોંચીએ એ પહેલા નરસિંહ મહેતાનું એક સરસ મજાનું સ્મારક આવે. લોકવાયકા અનુસાર તાના-રીરી નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈની દીકરી શર્મિષ્ઠાની દીકરીઓ હતી. આદિ કવિ જાણે આપણને આવકારતા હોય એવું પ્રતીત થાય. ઉદ્યાનની બહાર એક તકતી છે જેના પર અંગ્રેજીમાં તાના- રીરીની કથા ટૂંકમાં આલેખવામાં આવી છે.
લોકવાયકા છે કે શહેનશાહ અકબરની શાહજાદીની દીપક રાગ સાંભળવાની હઠ પૂરી કરવા સંગીત સમ્રાટ તાનસેને દરબારમાં રાગ રજૂ કર્યો ખરો, પરંતુ તેમના શરીરમાં દાહ પ્રગટ્યો. દાહનું શમન કરવા મલ્હાર રાગ ગાઈ શકે એવા કુશળ ગાયકની શોધમાં તાનસેન નીકળ્યા. ફરતાં ફરતાં તે વડનગર પહોંચ્યા. પાણી પીવા તાનસેન વડનગરના શર્મિષ્ઠા તળાવ પર ગયા એ વખતે તાના-રીરી પાણી ભરતી હતી ત્યારે ઘડામાંથી સંગીતમય સૂર નીકળતા સંભળાયા. તાનસેન તે તરફ આકર્ષાયા. શાસ્ત્રીય સંગીતમાં નિપુણ બંને બહેનોને ખ્યાલ આવી ગયો કે તાનસેન દીપક રાગના દાહથી પીડાઈ રહ્યા છે.
નગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવના મંદિરમાં તાના-રીરીએ મલ્હાર રાગ રજૂ કર્યો. રાગ જેમ જેમ ગવાતો ગયો તેમ તેમ આકાશમાં વાદળાં ઘેરાતાં ગયાં અને જોતજોતાંમાં મુશળધાર વરસાદ નગર પર તૂટી પડ્યો. તાનસેન દાહમાંથી મુક્ત થયા. બંને બહેનોએ તાનસેન પાસેથી વચન લીધું કે બાદશાહને કોઈ વાતની જાણ ન કરવી. તાનસેન દાહમાંથી કેવી રીતે મુક્ત થયા એનું રહસ્ય જણાવવાની બાદશાહે તાનસેનને ફરજ પાડી. વાત જાણી બંને બહેનોને દરબારમાં રજૂ કરવા બાદશાહે સૈનિકો વડનગર મોકલ્યા. સૈનિકોના આગમનની જાણ થતા તાના-રીરી ગુપ્ત રસ્તે નગર છોડીને બહાર જતી રહી અને સૈનિકોને વશ થવાને બદલે જળસમાધિ લીધી.
તાના- રીરી સંગીત સન્માન:
અહીં ઉદ્યાન સિવાય એક ઓપન ઓડિટોરિયમ છે. બંને બહેનોએ આપેલા બલિદાનની સ્મૃતિમાં દર વર્ષે દિવાળી પછી કારતક સુદ નોમ- દસમને દિવસે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા ઓડિટોરિયમમાં શાસ્ત્રીય સંગીતની ગાયન સ્પર્ધા-ક્લાસિકલ સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે. તાના-રીરી સંગીત સન્માન અવૉર્ડ પણ આપવામાં આવે છે. તાનારીરી ફેસ્ટિવલનો પ્રારંભ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે 2007માં થયો હતો.
2010માં નરેન્દ્ર મોદીએ જ મહોત્સવમાં તાના-રીરી સંગીત સન્માન અવોર્ડ આપવાની શરૂઆત કરી હતી. પહેલે વર્ષે મંગેશકર બહેનો લતાજી અને ઉષાજીને અવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આશા ભોસલે, પ્રભા અત્રે, કિશોરી આમોનકર સહિત અન્ય માનવંતા સિંગર્સને આ અવૉર્ડ એનાયત થયો છે.
તાના-રીરીની દેરીઓ:
વડનગર સંગીત, વિદ્યા અને વેપારનું મોટું ધામ હતું એ વખતે અહીંના લગભગ 400 પરિવાર રંગભૂમિ, નૃત્યકળા અને સંગીત સાથે પેઢી દર પેઢી સંકળાયેલા હતા. આ કલાકારોમાં શાસ્ત્રીય સંગીતમાં નિપુણ તાના અને રીરી બહેનોની સ્મૃતિમાં વડનગર ખાતે શર્મિષ્ઠા તળાવના કિનારે દેરીઓ (સ્મારક) બનાવવામાં આવી છે. બહેનોને ઋતુ અનુસાર ચોક્કસ રાગ લલકારવાની કુશળતા પ્રાપ્ત હતી. એમાંય રાગ મેઘ મલ્હારમાં નિપુણતા હતી.
ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરામાં મહત્ત્વ ધરાવતા 10 રાગમાં 1) કેદાર, 2) વૃન્દાવણી, 3)યમન, 4) બહાર, 5) બસંત, 6) પહાડી, 7) દરબારી, 8) દીપક, 9) ભૈરવી અને 10) મલ્હારનો સમાવેશ છે. આ રાગોની અનુભૂતિ કરી શકાય એ માટે અને શાસ્ત્રીય સંગીત સાથેના પરંપરાગત જોડાણને જીવંત કરવાના આશય સાથે વડનગરના શર્મિષ્ઠા તળાવને કાંઠે શાસ્ત્રીય સંગીતના 10 રાગને જીવંત કરતો થીમ પાર્ક પણ તૈયાર કરવામાં આવ્યો છે. હેડફોનથી દરેક રાગ સાંભળી શકવાની સુવિધા પણ છે.
કુછ દિન તો...
ત્રણ દિવસના વડનગર મુકામનો પહેલો દિવસ આનંદદાયક રહ્યો. બાકીના બે દિવસના મજેદાર અનુભવ આગામી હપ્તામાં. ગુજરાતમાં પર્યટકોને આકર્ષવાના આશય સાથે 2010માં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના આગ્રહને માન આપી અમિતાભ બચ્ચને `કુછ દિન તો ગુજારો ગુજરાત મેં' કેમ્પેન કર્યું હતું.
સત્તાવાર માહિતી પ્રમાણે આ જાહેર વિનવણીના ત્રણ વર્ષમાં ગુજરાત આવતા સહેલાણીઓની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો હતો. આવો પ્રયાસ વડનગર માટે કરવો જોઈએ જેથી આ શહેરની ઓળખ કેવળ હાટકેશ્વર મંદિરનું નગર, તાના-રીરીનું સ્મારક કે નરેન્દ્ર મોદીના જન્મસ્થાન પૂરતુ સીમિત ન રહેતા એનો વિસ્તાર થાય. સાથે સાથે આ શહેરની કલાત્મક સમૃદ્ધિથી વધુ લોકો વાકેફ થાય અને `કુછ દિન તો ગુજારો વડનગર મેં - વડનગર જોવા જેવું છે' એ વાક્ય વાયુવેગે ફેલાઈ જાય-વાયરલ થઈ જાય.