Sun Jul 19 2026

Logo

સ્પેનના સિતારાઓ મેસીના પડકાર માટે તૈયાર છે, પણ કરોડો સ્પૅનિશો 90 વર્ષ પહેલાંના જખમ હજી ભૂલ્યા નથી

Madrid   2026-07-17 19:43:04
Author: Ajay Motiwala
Article Image

મૅડ્રિડઃ ફિફા વર્લ્ડ કપમાં રવિવારે, 19મી જુલાઈએ (ભારતીય સમય અનુસાર મધરાત બાદ 12.30 વાગ્યે) લિયોનેલ મેસીના આર્જેન્ટિના સામે રમાનારી રોમાંચક ફાઇનલમાં સ્પેનનો જ વિજય થશે એવું ધારીને સ્પેનમાં ઠેકઠેકાણે રસ્તાઓ પર બીજા વિશ્વ વિજેતાપદનો જશન મનાવવાની પાક્કી તૈયારી થઈ ગઈ છે, સ્પેન દેશ અલગ જ રંગમાં ડૂબ્યો છે અને પાટનગર મૅડ્રિડથી માંડીને બાર્સેલોના તથા વૅલેન્સિયા સુધીના વિસ્તારોમાં સૌ કોઈએ ઉજવણીનો તખ્તો તૈયાર કરી રાખ્યો છે.

જોકે બીજી વખત વર્લ્ડ કપની ટ્રોફી ચૂમવાથી એક જ ડગલું દૂર રહેલા સ્પેનના ખેલાડીઓએ મેસી અને તેની ફોજના પડકારને પહોંચી વળવા મનમાં ગાંઠ બાંધી લીધી છે, પરંતુ સ્પેનના કરોડો ફૂટબૉલપ્રેમીઓ આ સોનેરી અવસરે પણ 90 વર્ષ પહેલાંના જખમને યાદ કરે છે તો તેઓ ગમગીન થઈ જાય છે.

17મી જુલાઈનો દિવસ સ્પેનના ઇતિહાસમાં `બ્લૅક ડે' ગણાય છે. 48 કલાક બાદ વર્લ્ડ કપની ટ્રોફી સાથે જશન મનાવવાનો મનસૂબો રાખીને બેઠેલી સ્પૅનિશ પ્રજા 90 વર્ષ પૂર્વે તેમના દેશમાં લાખો લોકોના જે મૃત્યુ થયા હતા એ દર્દ હજી ભૂલ્યા નથી.

1936ની 17મી જુલાઈએ સ્પેન (Spain)માં ભીષણ આંતરવિગ્રહ શરૂ થયો હતો. ત્રણ વર્ષ સુધી ચાલેલી એ સિવિલ વૉર (Civil War)માં પાંચ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એ લડાઈ બે સેના કે બે જૂથ વચ્ચેની નહીં, પણ બે વિચારધારા વચ્ચેની હતી. એક તરફ લોકશાહી અને સમાજવાદ તરફી લોકો હતા અને બીજી બાજુ હતા આપખુદશાહી (Dictatorship) અને ફાસીવાદ તરફી લોકો. 1931 સુધી સ્પેનમાં રાજાશાહી હતી.

ભારે જનઆક્રોશ બાદ રાજા અલ્ફૉન્સો-13માએ દેશ છોડી દેવો પડ્યો હતો અને સેક્નડ રિપબ્લિકની સ્થાપના થઈ હતી. જોકે એ લોકતંત્ર દેશને સ્થિરતા નહોતું આપી શક્યું. સ્પેન વૈચારિક મતભેદો વચ્ચે બે જૂથમાં વહેંચાઈ ગયું હતું. ડાબેરી અને રિપબ્લિક જૂથમાં મજૂરો, ખેડૂતો તેમ જ સમાજવાદ તથા સામ્યવાદ તરફી લોકો હતા. તેઓ દેશમાં બદલાવ ઇચ્છતા હતા, જ્યારે બીજી બાજુ જમીનદારો, કૅથલિક ચર્ચાના મોવડીઓ તેમ જ સૈન્યના મોટા અધિકારીઓ સામેલ હતા. તેઓ રૂઢિવાદી વ્યવસ્થા બનાવી રાખવા માગતા હતા.

1931થી 1936 દરમ્યાન ડાબેરી શાસકોએ કાનૂનમાં મોટા ફેરફારો કર્યા હતા જેનાથી અમીર અને પ્રભાવશાળી વર્ગના લોકો ઉશ્કેરાયા હતા. જમીનદારોની જમીન ઝૂંટવીને ગરીબ ખેડૂતોમાં વહેંચવામાં આવી હતી અને ચર્ચના મોવડીઓની સત્તા આંચકી લેવામાં આવી હતી. સૈન્યમાં ફાટફૂટ થાય એવા પગલાં ભરવામાં આવ્યા હતા. 

1936માં ડાબેરીઓએ ચૂંટણીમાં વિજય મેળવ્યો એ સાથે દેશભરમાં રાજકારણ-પ્રેરિત તોફાનો શરૂ થઈ ગયા હતા. બીજા વિશ્વયુદ્ધના ત્રણ વર્ષ પહેલાંની આ ઘટનાઓ હતી. ત્યારે વિશ્વની મહા શક્તિશાળી દેશો બે જૂથમાં વહેંચાઈ ગયા હતા. સ્પેનમાં થયેલા આંતરવિગ્રહને લીધે મોટા દેશો વર્લ્ડ વૉરની સેમિ ફાઇનલ લડવા મજબૂર થયા હતા. સ્પેનના આંતરવિગ્રહએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

જર્મનીના ઍડોલ્ફ હિટલર તથા ઇટલીના બેનિટો મુસોલિની જેવા ફાસીવાદી નેતાઓએ સ્પેનના વિદ્રોહી લોકોની કમાન સંભાળનાર જનરલ ફ્રૅન્કોની મદદ માટે અસંખ્ય ટેન્ક, લડાકુ વિમાન અને હથિયારો મોકલ્યા હતા. બીજી તરફ, રિપબ્લિકન લોકશાહીવાદી સરકારની મદદે સોવિયેત સંઘનો મુખ્ય દેશ રશિયા આગળ આવ્યો હતો.

પરિણામે, સ્પેનમાં વિગ્રહ વધુ ઉગ્ર બન્યો હતો અને ત્રણ વર્ષ સુધી ચાલ્યો હતો. હિટલર-મુસોલિનીની મદદથી જનરલ ફ્રૅન્કોએ સરકારને ઉથલાવીને મૅડ્રિડ પર કબજો કર્યો હતો. એ સાથે, સ્પેનમાં લોકશાહી પર પડદો પડ્યો હતો 1975 સુધી ફ્રૅન્કોની આપખુદશાહી સ્થાપિત રહી હતી.