મુંબઈ: સોલાપુર જિલ્લામાં ઘરેલું વિવાદમાં પોતાના ત્રણ સંતાનોને ઝેર પીવડાવ્યા બાદ 34 વર્ષના સિક્યુરિટી ગાર્ડે પોતે ઝેર પીને જીવાદોરી ટૂંકાવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.જિલ્લાના તિરહે ગામમાં બુધવારે બપોરે આ ઘટના બની હતી. ત્રણેય સંતાનોને સોલાપુરની સરકારી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હોઇ તેની હાલત નાજુક છે.
મૃતકની ઓળખ ભીમા અણ્ણા વાઘમારે તરીકે થઇ હોઇ તે સિમેન્ટની કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો.પત્ની સાથેના ઘરેલું વિવાદને કારણે ભીમા માનસિક તાણ હેઠળ હતો. પત્ની ઘર છોડીને પિયર રહેવા જતી રહી હતી. સગાંવહાલાંઓએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેણે ઘરે પાછા ફરવાનો ઇનકાર કરી દીધો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર ભીમા બુધવારે બપોરે તેના ત્રણેય સંતાનને વાલસાંગ નજીકના ખેતરમાં લઇ ગયો હતો, જ્યાં તેણે ત્રણેયને ઝેર પીવડાવ્યું હતું અને બાદમાં પોતે પણ ઝેર ગટગટાવ્યું હતું. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ચારેય જણને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ ભીમાને મૃત જાહેર કર્યો હતો. ભીમાના ત્રણેય સંતાનની હાલત નાજુક છે અને તેમની સારવાર ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)