પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના રાજકારણ બદલાતા રાજકીય સમીકરણો પાછળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો દોરી સંચાર હોવાનો સીધો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. હાલમાં જ પશ્ચિમ બંગાળમાંથી ટીએમસીના 20 સાંસદો અને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના(યુબીટી) ના 6 સાંસદો એ પક્ષ છોડ્યો છે.
આ બંને રાજ્યોમાં થઇ રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના સાંસદ અને પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે મહારાષ્ટ્રથી પશ્ચિમ બંગાળ સુધીના રાજ્યોમાં મુખ્ય વિપક્ષી પક્ષો આંતરિક ખટરાગ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દોષી ઠેરવ્યા છે.
ભારતની લોકશાહીને નબળી પાડી રહ્યા છે
જયરામ રમેશે X પરની એક પોસ્ટમાં લખ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી (અમિત શાહ) સતત વિપક્ષ પર હુમલા કરી રહ્યા છે અને ભારતની લોકશાહીને નબળી પાડી રહ્યા છે. તેઓ 17 એપ્રિલ, 2026 ના રોજ લોકસભામાં સીમાંકન બિલ પસાર કરવામાં નિષ્ફળ ગયા ત્યારે થયેલા અપમાનનો બદલો લેવા આ બધું કરી રહ્યા છે.
ગૃહમંત્રી ચાલાકી સાથે અભિયાન ચલાવી રહ્યા છે
તેમનું પ્રલોભન એવા લોકોને આકર્ષિત કરી રહ્યું છે. જે બે વર્ષ પૂર્વે મજબૂત ભાજપ વિરોધી એજન્ડા પર ચૂંટાયા હતા અને હવે તે જ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે. ગૃહમંત્રી ચાલાકી સાથે અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાન તમામ સંસાધનો યુક્ત છે. તેમજ મ્યુચયલ ફંડની જેમ દરેક માટે અલગ અલગ યોજનાઓ અને ઉત્પાદન છે. તેમના નૈતિક પતનની કોઇ સીમા નથી. પરંતુ તે તેમાં અંતિમ ઉદ્દેશમાં સફળ નહિ થાય.
ઉદ્ધવ ઠાકરેને સૌથી મોટો ફટકો પડ્યો
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે. જેમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય અટકળો પર પૂર્ણવિરામ મૂકાયું છે. અગાઉ તૂટેલી શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના 6 સાંસદોએ પાર્ટીનો સાથ છોડતા ઉદ્ધવ ઠાકરેને સૌથી મોટો ફટકો પડ્યો છે.