Sun May 31 2026

Logo

સાયન બ્રિજ ખુલ્લો મૂકાવવામાં ફરી વિલંબ: ગર્ડર લોન્ચિંગ ફરી અટવાયું

2026-05-31 09:01:40
Author: Sapna Desai
Article Image

હવે ૧૫ ઑગસ્ટ સુધીમાં ખુલ્લો મૂકવાનું લક્ષ્ય
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાંબા સમયથી ચાલી રહેલા સાયન રેલવે ઓવર બ્રિજ (આરઓબી) પ્રોજેક્ટને ફરી એક વખત ફટકો પડ્યો છે, જેમાં  રેલવે ભાગ પર ગર્ડર લોન્ચિંગ ફરી એક વખત પાછળ ઢકેલાઈ ગયું છે. ગર્ડર લોન્ચિંગમાં થનારા વિલંબને કારણે  પ્રોજેક્ટ પૂર્ણ થવાની ડેડલાઈન પણ હવે ફરી એકાદ મહિના જેટલી લંબાઈ જવાની છે. તેથી જુલાઈને બદલે હવે ૧૫ ઓગસ્ટ સુધીમાં બ્રિજને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવે એવી શક્યતા છે.
લગભગ સો વર્ષ જૂનો આ આરઓબી  પૂર્વ-પશ્ર્ચિમને જોડનારો  મુખ્ય કનેક્ટર ગણાય છે. તે જોખમી હાલતમાં જણાઈ આવતા ઓગસ્ટ ૨૦૨૪થી તેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. લગભગ દોઢ વર્ષથી બંધ રહેલા આ બ્રિજને  કારણે હજારો મુસાફરોને લાંબી મુસાફરી કરવી પડે છે, જેમાં સમયની સાથે જ  અને ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. 

સાયનના બ્રિજનું પુનર્નિર્માણ પાલિકા અને મધ્ય રેલવે દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં મધ્ય રેલવે ટ્રેક પર પુલનું કામ કરી રહી છે તો પાલિકા પુલની બંને તરફ એપ્રોચ રોડ, બે પેડેસ્ટ્રીયન અંડરપાસ અને સંબંધિત માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરી રહી  છે. સાયન બ્રિજના  કામ શરૂ થવાના લગભગ બે વર્ષ પછી પણ પ્રોજેક્ટ અધૂરો રહ્યો છે, જેને કારણે રાહદારીઓ અને વાહનોને લાંબા થવુ પડી રહ્યું છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર રેલવે ભાગ પર પ્રથમ ગર્ડરનું લોન્ચિંગ જે મૂળમાં ૩૦ એપ્રિલના રોજ નિર્ધારિત હતું અને પછીથી તેને ૩૧ મેના કરવામાં આવવાનું હતું,  તેમાં વધુ વિલંબ થયો છે.  હવે આ ગર્ડર લોન્ચિંગ  ૧૦ જૂન સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. તેવી જ રીતે બીજા ગર્ડર લોન્ચનું જે શરૂઆતમાં ૨૦ જૂને આયોજન કરવામાં આવ્યું હતું, તેને ૩૦ જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું છે, જેનાથી પ્રોજેક્ટની ડેડલાઈન ફરી લંબાઈ ગઈ છે. પાલિકાના અધિકાર હેઠળ આવતા પ્રોજેક્ટના ભાગ પર કામ ઝડપી બનાવીને વિલંબની અસર ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

ગર્ડર લોન્ચિંગના કામમાં થઈ રહેલા વિલંબ બાબતે મધ્ય રેલવેના ચીફ પબ્લિક રીલેશન ઓફિસર સ્વપનીલ નીલાએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ગર્ડર બેસાડવા માટે વિશાળ ક્રેનની આવશ્યકતા હોય છે, તેમાં અમુક વખતે ટેક્નિકલ ખામી ઊભી થતી હોય છે, જેમ કે એક ક્રેન દ્વારા અમુક વખતે ગર્ડરનું બેલેન્સ જાળવી શકાતું નથી તો અમુક સમયે  વજનને કારણે છેલ્લી ઘડીએ ક્રેનમાં સમસ્યા સર્જાતી હોય છે. તેથી આવા સમયે સ્ટેન્ડ બાય ક્રેન એટલે કે ગર્ડર બેસાડનારી મુખ્ય ક્રેનની સાથે જ બીજી એક ક્રેન અલગથી સાઈટ પર રાખવામાં આવે છે. હાલ કૉન્ટ્રેક્ટરને સ્ટેન્ડ બાય ક્રેન મળી નથી, તેને કારણે પાલિકાના એન્જિનિરિંગ વિભાગ તરફથી કામને રીશેડ્યુલ કરવાની વિનંતી કરવામાં આવી હતી, તેથી ૩૧મેના ગર્ડર લોન્ચિંગ મોકુફ રાખવામાં આવ્યું છે.

પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજીત બાંગરે જણાવ્યું હતું કે પશ્ર્ચિમ બાજુનો એપ્રોચ રોડ ૩૦ જૂન સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે, જ્યારે પૂર્વ તરફના  એપ્રોચ પર કામ બીજા ગર્ડરના લોન્ચિંગ પછી શરૂ થઈ શકે છે. એકવાર આ કામ પૂર્ણ થઈ જાય પછી પુલ ૧૫ ઓગસ્ટ સુધીમાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ દરમ્યાન સ્ટીલ ગર્ડર્સ ઉમેરવા અને એપ્રોચ રોડના વિકાસને કારણે પુલ બનાવવાનો ખર્ચ  ૪૨.૮ કરોડ રૂપિયાથી વધીને ૫૦ કરોડ રૂપિયા થઈ ગયો છે.