Mon Jul 06 2026

Logo

ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન

2026-07-06 08:31:00
Author: Mumbai Samachar Team
Article Image

 


6 જુલાઇનો દિવસ રાષ્ટ્રવાદ અને નિ:સ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો. જયાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઊથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે. પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. 

જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરુણાંતિકાઓ સહન કરી છતાં  આ કરુણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઇ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ર્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ર્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઊથલપાથલ  દરમિચાન મક્ક્મ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દૃઢ વિશ્ર્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. 

ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જયારે કોઇ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડો. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને  35 (અ) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનિસકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું  તેઓ કલકતા યુનિવર્સિટીના સૌથી વધુ  વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા. 

ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, ‘શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત કલાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેકટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી  સ્વાયત્ત સંસ્થાઓ જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ  પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.

તેમના નેતૃત્વ હેઠળ, કલકતા યુનિવર્સિટીએ લાઇબ્રેરી ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું.કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવાં ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માં ગૌરવની ભાવના  જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઇને નહીં, પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઇ શકાય છે. જયારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો.એવા સમયે જયારે કૉંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો. ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીને એક નાનો  દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે. જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર  રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્ર્વાસ પુન: સ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્ય વર્ધનનો દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઇઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ર્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ કૂટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માગું છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું. તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત  અનુભવું છું કે અમારી સરકારને તેના પુન્રુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી  છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની  કેબિનેટમાં જોડાયા હતા. એમ માનીને કે શરૂઆતનાં વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે.  તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી, પરંતુ જયારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્ત્વના પ્રશ્ર્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઇ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નહેરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો. જેને અભિવ્યક્તિની  સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કૉંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઇ.  75 વર્ષ પહેલાં  પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કૉંગ્રેસ 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો. જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જયારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડયો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત  લોકોની સેવામાં લીન થઇ ગયા હતા. તેમણે સુનિશ્ર્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા. તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું. ‘પંચાશેર મનવંતર’, જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જયારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયકલોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુન:સ્થાપિત  કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કૉલેજમાં બોલતા ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, ‘તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો : તેને ક્યારેય અડધું કે અધુરું ન છોડ. જયાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં  સુધી કયારેય સંતુષ્ટ ન થાઓ.’ ભારત જયારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે  તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્ર્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્ર્વાસ ધરાવતા હતા. આજની યુવાપેઢીને જોઇને મને સંપૂર્ણ વિશ્ર્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.