Mon Jul 06 2026

Logo

ઈસરોના સેટેલાઇટે ખોલ્યું મુંબઈ-મહારાષ્ટ્રમાં તૂટી પડેલા વરસાદનું અસલી રહસ્ય, તસવીરો જોઈને તમે પણ...

2026-07-06 11:14:00
Author: Darshana Visaria
Article Image

નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં હાલ મુશળધારથી અતિ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મોડા આવેલા ચોમાસાએ અચાનક આટલું રૌદ્ર સ્વરૂપ કેમ ધારણ કર્યું, તે સામાન્ય લોકો માટે એક રહસ્ય હતું. પરંતુ હવે 'ઇસરો'ના હવામાન ઉપગ્રહ ઇનસેટ-3ડીઆર એ દેશ પર એકસાથે સક્રિય થયેલી બે શક્તિશાળી ચોમાસાની સિસ્ટમની સ્પષ્ટ તસવીરો ઝડપી પાડીને આ પાછળનું અસલી કારણ જાહેર કર્યું છે. સેટેલાઇટ ઇમેજમાં મહારાષ્ટ્ર સહિત પશ્ચિમ અને પૂર્વ ભારત પર અત્યંત ઠંડા અને ઊંચા વાદળોની ઘેરાબંદી જોવા મળી રહી છે, જે ભારે વિનાશક વરસાદના સંકેત આપે છે.

પશ્ચિમ ભારત: અરબી સમુદ્રની સિસ્ટમે મુંબઈ-કોંકણને ઘેરી લીધું
સેટેલાઇટ ડેટા અનુસાર, પૂર્વ-મધ્ય અરબી સમુદ્રથી લઈને કોંકણ તટ સુધી એક મજબૂત મોન્સૂન સિસ્ટમ ફેલાયેલી છે. પશ્ચિમ કિનારાની સમાંતર બનેલા લો-પ્રેશર બેલ્ટ અને અરબી સમુદ્રમાંથી સતત આવી રહેલા ભેજયુક્ત પવનોને કારણે મુંબઈ, કોંકણ અને મહારાષ્ટ્રના આસપાસના વિસ્તારોમાં વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ સિસ્ટમને સમુદ્રમાંથી સતત બળ મળી રહ્યું હોવાથી દિવસભર વરસાદનું જોર યથાવત રહેશે.

પૂર્વ ભારત: બંગાળની ખાડીમાં બીજી શક્તિશાળી સિસ્ટમ સક્રિય
આ તરફ પૂર્વ ભારતમાં બંગાળની ખાડી પર સર્જાયેલી બીજી ભયાનક સિસ્ટમ આફત નોતરી રહી છે. ઇનસેટ સેટેલાઇટના ઇન્ફ્રારેડ પિક્ચર્સમાં ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પર વાદળોનું જાડું આચ્છાદન સ્પષ્ટ દેખાય છે. આ વાદળોની ઊંચાઈ વાતાવરણના સાનુકૂળ દબાણને કારણે ઝડપથી વધી રહી છે અને તેના ઉપરી ભાગમાં અત્યંત ઠંડા અને ચમકતા સફેદ દેખાઈ રહ્યા છે. હવામાન વિજ્ઞાન અનુસાર આવા વાદળો વીજળીના કડાકા-ભડાકા સાથે અતિવૃષ્ટિ લાવે છે. આ સિસ્ટમ હવે ધીમે-ધીમે જમીની ભાગો તરફ સરકી રહી હોવાથી પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને ઉત્તર-પૂર્વ ભારતમાં ભારે વરસાદ થશે.

આગામી 24 કલાક ભારે: ટ્રાફિક જામ અને લેન્ડસ્લાઈડનું એલર્ટ
ભારતીય હવામાન વિભાગે ઇસરોના આ ડેટાને આધારે મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા અને પશ્ચિમ બંગાળ માટે આગામી 24 કલાકનું 'અતિ મુશળધાર વરસાદનું એલર્ટ' જાહેર કર્યું છે. સખલ વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે અને ઓછી વિઝિબિલિટી (ધૂંધળા વાતાવરણ) ને લીધે રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ શકે છે. પર્વતીય અને ઘાટ વિસ્તારોમાં લેન્ડસ્લાઈડનું જોખમ હોવાથી વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સતર્ક રહેવા કડક અપીલ કરવામાં આવી છે.