ગાંધીનગરઃ ગિફ્ટ સિટીમાં ઓફિસ ધરાવતી શૂટસ્પેસ ડિજિટલ પ્રા. લિમિટેડ નામની કંપનીએ ઊંચુ વળતર આપવાની લાલચે હજારો રોકાણકારોને છેતર્યા હોવાની ફરિયાદો થઈ હતી. ડેટા સ્ટોરેજના નામે આચરેલા કરોડો રૂપિયાના ડિજિટલ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ઉત્પલ પેટેલ સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત બની રહ્યો છે. ગાંધીનગર એસઆઈટી દ્વારા તેને દુબઈથી ભારત લાવવા માટે રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની તજવીજ હાથ ધરાઈ છે. આ લગભગ 1000 કરોડનું કૌભાંડ છે. 5000થી વધુ લોકો કૌભાંડનો ભોગ બન્યાની આશંકા છે. રોકાણકારોએ જલદી માલામાલ થવા માટે રૂ. 5 લાખથી 3 કરોડ સુધીનું રોકાણ આ કંપનીમાં કર્યું હતું.
મુખ્ય આરોપી ઉત્પલ પટેલ હાલ દુબઈમાં આશરો લઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેથી તેને ભારત પરત લાવવા રેડ કોર્નર નોટિસ જારી કરવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઉત્પલ પટેલની પત્ની ભૂમિ પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઈ જતાં હાલ જેલમાં છે. જ્યારે અરુણ પટેલ, સચિન પટેલ અને ધ્રુવ ચૌધરી સહિતના અન્ય સાથીદારોની ધરપકડ થઈ ચૂકી છે.
કૌભાંડ બાદ સરકારી સીએની મદદથી જપ્ત કરાયેલા દસ્તાવેજોની તપાસમાં બહાર આવ્યું છે કે ઉત્પલ પટેલે ડિસેમ્બર મહિનાથી જ આર્થિક ઉઠમણાંનું આયોજન કરી લીધું હતું. કાયદેસરતા દર્શાવવા માટે રૂ. 220 કરોડ રોકાણકારોને રિટર્ન પેટે ચૂકવાયા હતા, જ્યારે રૂ 70 કરોડ જેટલી રકમ જીએસટી અને ઇન્કમટેક્સમાં વાપરી બતાવી હતી. આ ઉપરાંત એક કરોડનો એડવાન્સ ટેક્સ પણ ભરવામાં આવ્યો હતો. રોકાણકારોના કરોડો રૂપિયા શેલ કંપનીઓમાં ડાયવર્ટ કરવા ઉપરાંત શેરબજાર તેમજ ક્રિપ્ટો કરન્સીમાં પણ મોટા પાયે રોકવામાં આવ્યા હોવાની તપાસ એજન્સીને ગંભીર આશંકા છે.
શૂટસ્પેસ ડિજિટલ કંપની દ્વારા રોકાણકારોને ફસાવવા મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી. જે અંતર્ગત ગિફ્ટ સિટી સ્થિત આલીશાન ઓફિસમાં ઓડિયો-વિડિયો પ્રેઝન્ટેશન દ્વારા ભરોસો જીતવામાં આવતો હતો. 1 TB થી 120 TB સુધીના ડેટા સ્ટોરેજ સ્પેસમાં રોકાણ સામે ઊંચા માસિક ભાડાની લાલચ આપવામાં આવી હતી. તેમજ 7 વર્ષના લીગલ એગ્રીમેન્ટ તેમજ નિયમિત TDS અને સર્વિસ ચાર્જ કાપીને રોકાણકારોને કાયદેસર વ્યવસાયનો વિશ્વાસ આપવામાં આવતો હતો.
હાલ એસઆઈટી દ્વારા આ આખા મહાકૌભાંડમાં ચાર્જશીટ ફાઇલ કરવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. આરોપી ઉત્પલ પટેલની ધરપકડ બાદ જ છેતરપિંડીનો ચોક્કસ અને આખરી આંકડો સામે આવશે.
આ રીતે પણ લોકોનો જીત્યો હતો વિશ્વાસ
શૂટસ્પેસ ડિજિટલ કંપનીએ લોકોને બેંકો કરતાં વધુ વ્યાજ અને ડિવિન્ડ કરતાં પણ વધારે નફો તથા વિદેશ પ્રવાસની ઓફરો આપીને વિશ્વમાં લીધા હતા. રોકાણના બદલામાં લગભગ 5 ટકા માસિક વળતરનું વચન આપવામાં આવ્યું હતું. કંપની પાસે ડેટા સ્ટોરેજ માટે જરૂરી ક્ષમતાના સર્વર ન હોવા છતાં 48 મહિનાની મુદતના ખોટા ડિજિટલ કરાર કરીને નાણાં મેળવાયા હતા.
બેંકો પાસેથી લીધી હતી લોન
તપાસ દરમિયાન સામે આવેલી વિગત પ્રમાણે, આ કંપનીએ રાષ્ટ્રીયકૃત બેંકો પાસેથી મોટી રકમની લોન પણ મેળવી હતી. બેંક લોન દ્વારા લક્ઝુરિયસ કાર ખરીદવામાં આવી હોવાના પુરાવા પણ મળ્યા હતા. તેમજ રોકાણકારોના રૂપિયાથી મોડાસા અને રાજસ્થાનમાં જમીન તથા બે મોટા વૈભવી રહેણાંક બંગલો પણ વસાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
5000થી વધુ લોકો ભોગ બન્યાની આશંકા
5000થી વધુ લોકો આનો ભોગ બન્યા હોવાની આશંકા છે. જેમાં માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ જમ્મુ-કાશ્મીર સહિત અન્ય રાજ્યોના રોકાણકારોનો પણ સમાવેશ થાય છે. મધ્યમવર્ગીય અને ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારના રોકાણકારોએ રૂ. 5 લાખથી 3 કરોડ સુધીનું રોકાણ આ ફર્મમાં કર્યું હતું.