Tue Apr 21 2026

Logo

શિવ રહસ્યઃ કૈલાસ ખાતે શિવગણો માતા પાર્વતી ને ભગવાન શિવના વિરહમાં દુ:ખી છે

2026-03-16 09:10:00
Author: ભરત પટેલ
Article Image

ભરત પટેલ

ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, ‘પાર્વતી મેં નિશ્ર્ચય કર્યો છે કે આ હિમગીરી પર્વતની શ્રેણીની એક ગુફામાં હું એ બ્રહ્મ જ્ઞાન તમને આપીશ. જ્યારે દેવતાઓ અમરતાના અભાવે અનેક ભયમાં જીવન ગુજારી રહ્યાં હતાં, ત્યારે શ્રીહરિ વિષ્ણુ અને બ્રહ્માજીની વિનંતીથી મેં દેવતાઓને અમરતા આપવાનો નિશ્ચય કર્યો, તે સમયે મેં મારા મસ્તક પર વિદ્યમાન ચંદ્રમાને હાથમાં લઈ નીચોવ્યો, એ ક્ષણે જે અમરત્વ ચંદ્રમાંથી નીકળ્યું તે દેવતાઓએ આચમન કરતાં દેવતાઓ અમર થઈ ગયા પણ, તે સમયે ચંદ્રમાંથી નીકળેલા અમરત્વના થોડા ટીપાં આ ક્ષેત્રમાં હજીયે વિદ્યમાન છે. 

જે પણ માનવ અહીં આવશે અને અમરત્વનું પાન કરશે એ અમર થઈ જશે. આટલું સાંભળતાં જ માતા પાર્વતી એ ગુફામાંથી નીકળી રહેલા જળનું આચમન કરે છે. અહીં આવવા સુધીનો માર્ગ ખૂબ જ કઠિન હોવાથી એને થોડો સુગમ બનાવવાનું કહેતાં ભગવાન શિવ કહે છે, ‘દેવી તમે શું ભષ્માસુરને ભૂલી ગયા? એના જેવા અસુર મનોવૃત્તિવાળા માનવો અહીં પહોંચી ગયા તો સૃષ્ટિની વ્યવસ્થા શું છિન્નભિન્ન નહીં થાય?’ આટલું કહી ભગવાન શિવ પોતાનું ડમરું વગાડવા લાગ્યાં અને કહ્યું, ‘આ ડમરુંનો નાદ એટલો વ્યાપક છે કે અહીં આસપાસના વિસ્તારમાં કોઈપણ જીવ હોય તો એ અહીંથી દૂર નાસી જાય. 

તમને આપવામાં આવનાર બ્રહ્મજ્ઞાનને સાંભળી કોઈ જીવ અમર ન થઈ જાય, પણ તમારી લોક કલ્યાણની ભાવના ખૂબ ગાઢ હોવાથી હું તમને એટલું કહીશ કે આજે શ્રાવણ માસની પૂર્ણિમા છે અને આ દિવસે જે જીવ આ સ્થળની મુલાકાત લઈ મારી હિમલિંગની પૂજાઅર્ચના કરશે તે જીવ પૂર્ણ આયુષ્ય ભોગવી શિવગણમાં સ્થાન પામશે. કળિયુગમાં આ સ્થળ અમરનાથ ધામ અને મારી હિમલિંગ અમરેશ્ર્વર તરીકે ખૂબ પ્રખ્યાત થશે.’ 

પ્રસન્ન માતા પાર્વતી ભગવાન શિવ સમક્ષ બેસે છે. ભગવાન શિવ તેમની સમજાવતાં કહે છે, ‘હું તમને બ્રહ્મજ્ઞાન આપીશ, થોડા થોડા સમયે તમે મને હુંકાર આપજો જેથી તમે બ્રહ્મ જ્ઞાનનું રસપાન કરી રહ્યા છો એની મને ખાતરી થતી રહે.’ ભગવાન શિવ માતા પાર્વતીને બ્રહ્મજ્ઞાન આપવાની શરૂઆત કરે છે. બ્રહ્મજ્ઞાનના અંતિમ પડાવમાં માતા પાર્વતી નિદ્રાધીન થઈ જાય છે. ભગવાન શિવ તેમને બ્રહ્મ આપતાં જ રહે છે. ત્યાં ઉપસ્થિત એક કબૂતર માતા પાર્વતીના બદલે હુંકાર આપવાનું ચાલુ કરે છે. 

બ્રહ્મજ્ઞાન પૂર્ણ થતાં ભગવાન શિવ આંખ ખોલે છે અને જુએ છે કે માતા પાર્વતી નિદ્રાધાન છે. ભગવાન શિવ ક્રોધિત થઈ કહે છે, ‘કોણ છે જે પાર્વતીની જગ્યાએ મને હુંકાર આપતું હતું, મારી સમક્ષ ઉપસ્થિત થાય.’ એ જ ક્ષણે એ કબૂતર ત્યાં ઉપસ્થિત થાય છે અને માફી માગતા કહે છે ‘હું એક કબૂતર છું. તમારી ઇચ્છા વિરુદ્ધ અહીં આવી શકું? પ્રભુ તમારી કૃપાથી જ હું આ શીત પ્રદેશ માં અહીં આવી શક્યો છું.’ 

પોતાની પ્રસન્નતા સાંભળી ભગવાન શિવ કહે છે, ‘ધરૌમ્ય ચિંતિત ન થાવ, તમને બ્રહ્મ જ્ઞાન આપવા અને તમારા ગુરુના શ્રાપથી મુક્ત કરવા જ મેં આ લીલા રચી હતી. બ્રહ્મજ્ઞાન મેળવવાની તમારી પાત્રતા પહેલેથી જ નિશ્ર્ચિત થઈ ચૂકી હતી. તમે બ્રહ્મજ્ઞાનનું રસપાન કર્યું. જાઓ ધરૌમ્ય તમારા ગુરુ શિવભક્તિમાં લીન હોવા છતાં ય અધૂરાં છે, તેમનાં આશ્રમ જઇ તેમને બ્રહ્મજ્ઞાન આપો.
*
ભગવાન શિવ આશીર્વાદ આપતાં જ ધરૌમ્ય કબૂતર યોનીમાંથી મુક્ત થઈ માનવ યોનીમાં પ્રવેશ કરે છે અને પોતાના ગુરુને બ્રહ્મજ્ઞાન આપવા નીકળી પડે છે.
માતા પાર્વતી: ‘સ્વામિ, મારા બ્રહ્મજ્ઞાનનું શું?’

ભગવાન શિવ: ‘હું આ જ્ઞાન કોઈને પણ એક વખત જ આપી શકું છું, તમે બ્રહ્મજ્ઞાન મેળવી જ લીધું છે, ફક્ત અંતિમ પડાવમાં તમે નિદ્રાધીન થયા હતા. હવે અંતિમ પડાવનું બ્રહ્મજ્ઞાન તમે તપ-આરાધનાથી જ મેળવી શકશો. મને ખાતરી છે કે જગતકલ્યાણ માટે તમે યોગ્ય સમયે બ્રહ્મજ્ઞાન મેળવીને જ રહેશો.’

માતા પાર્વતી: ‘સ્વામિ, આ અમરનાથ ગુફા તમારા દ્વારા બ્રહ્મજ્ઞાન પ્રદાન કરવાથી બ્રહ્મભૂમિ બની ગઈ છે. આ ગુફાના શાંત અને આધ્યાત્મિક વાતાવરણથી મારું મન પ્રફુલ્લીત થઈ ગયું છે. હવે મારું મન અને તન અહીંથી જવા તૈયાર નથી. શું આપણે અહીં નિવાસ ન કરી શકીએ?’

ભગવાન શિવ: ‘દેવી, તમે નંદી અને શિવગણો સહિત તમારા સ્નેહીઓનો વિચાર પણ કરો, તેઓ કૈલાસ ખાતે તમારી પ્રતિક્ષા કરતા હશે.’

માતા પાર્વતી: ‘એ તો ઉત્તમ જ કહેવાય, તેઓ આપણને શોધતાં શોધતાં અહીં આવશે અને બ્રહ્મજ્ઞાન મેળવી અમરતા પ્રાપ્ત કરશે.’

ભગવાન શિવ: ‘માતાનું હૃદય હંમેશાં પોતાના સંતાનોના ઉત્કર્ષ માટે તરફડતું હોય તેમ તમે આ અમરનાથ ગુફાનો માર્ગ માનવકલ્યાણ માટે સુલભ બનાવીને જ રહેશો. તમારી ઈચ્છાને પૂર્ણ કરવા આપણે તમે કહેશો નહીં ત્યાં સુધી અહીં નિવાસ કરીશું. પણ આપણે આ રૂપમાં ન રહેતાં આપણાં પ્રતીકસમા હિમલિંગમાં જ્યોતિ સ્વરૂપે નિવાસ કરીશું.’

માતા પાર્વતી: ‘જેવી તમારી ઈચ્છા.’

એ જ ક્ષણે માતા પાર્વતી અને ભગવાન શિવ જ્યોતિ સ્વરૂપે હિમલિંગમાં સમાવેશ થાય છે.
*
કૈલાસ ખાતે શિવગણો માતા પાર્વતી અને ભગવાન શિવના વિરહમાં દુ:ખી હોય છે. એજ સમયે દેવર્ષિ નારદ આકાશ માર્ગે  કૈલાસ પરથી જતા હોય છે. તેઓ જુએ છે કે માતા પાર્વતી અને ભગવાન શિવની અનુપસ્થિતિમાં શિવગણો ખૂબ દુ:ખી છે. દેવર્ષિ નારદ તુરંત વૈકુંઠલોક પહોંચે છે.

દેવર્ષિ નારદ: ‘પ્રભુ શ્રીહરિ વિષ્ણુ, હું આકાશમાર્ગે કૈલાસ ખાતેથી આવી રહ્યો છું. ભગવાન શિવ અને માતા પાર્વતીની અનુપસ્થિતિમાં શિવગણો ખૂબ દુ:ખી છે, તમે દિવ્યદૃષ્ટિથી જોઈ મને કહી શકશો કે, માતા પાર્વતી અને ભગવાન શિવ ક્યાં વિદ્યમાન છે.’

દેવર્ષિ નારદની દ્વિધાને માન આપી ભગવાન શ્રીહરિ વિષ્ણુ પોતાની દિવ્યદૃષ્ટિથી જુએ છે તેમને એક હિમલિંગનો આકાર દૃશ્યમાન થાય છે.’

ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘મને ફક્ત બે હિમલિંગ દેખાઈ રહ્યા છે બીજું કંઈ નહીં. મને આ રહસ્ય સમજાઈ રહ્યું નથી.’

યોગ્ય ઉત્તર ન મળતાં જિજ્ઞાસુ દેવર્ષિ નારદ નારાજ થાય છે.

દેવર્ષિ નારદ: ‘પ્રભુ તમારે માતા લક્ષ્મી સાથે કૈલાસ જવું જોઈએ, જેથી શિવગણોનું દુ:ખ ઓછું થાય અને હું ભ્રમણ દ્વારા હિમલિંગનું રહસ્ય સમજવાની કોશિશ કરીશ.’

દેવર્ષિ નારદની વાત યોગ્ય લાગતાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા પાર્વતી કૈલાસ પહોંચે છે.

આકાશમાર્ગે દેવર્ષિ નારદ બ્રહ્મલોક પહોંચે છે. બ્રહ્માજીને પણ તમારી દિવ્યદૃષ્ટિથી જોવા કહે છે. બ્રહ્માજી પણ ભગવાન શ્રીહરિ વિષ્ણુની જેમ દિવ્યદૃષ્ટિથી જોઈ કહે છે કે, મને ફક્ત બે હિમલિંગ દેખાઈ રહ્યા છે બીજું કંઈ નહીં. મને આ રહસ્ય સમજાતું નથી. દેવર્ષિની વાત સાંભળી બ્રહ્માજી અને માતા સરસ્વતી પણ કૈલાસ પહોંચે છે.
*
આકાશમાર્ગે આગળ વધતાં દેવર્ષિ નારદની દૃષ્ટિ મહર્ષિ ઓર્વના આશ્રમ પર પડે છે. તેઓ જુએ છે કે કબૂતર યોનીનો શ્રાપ મેળવેલા ઋષિ ધરૌમ્ય માનવ યોની મેળવી ગુરુ ઓર્વના ચરણોમાં બેઠા છે. દેવર્ષિ નારદ તુરંત તેમની પાસે પહોંચે છે.

ઋષિ ધરૌમ્ય: ‘દેવર્ષિ નારદ આપનો આભાર કઈ રીતે વ્યક્ત કરું એ મને સમજાતું નથી. આપની કૃપાદૃષ્ટિથી જ હું કબૂતર યોનીથી માનવ યોની મેળવી શક્યો છું.’

દેવર્ષિ નારદ: ‘મેં ફક્ત ભગવાન શિવને તમને થયેલા અન્યાય વિશે જણાવ્યું હતું, બીજું મેં કંઈ કર્યું નથી.’

ઋષિ ધરૌમ્ય: ‘તમારા કહેવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીએ મને આશીર્વાદ આપી કબૂતર યોનીમાંથી મુક્ત કર્યો અને બ્રહ્મજ્ઞાન આપ્યું તદ્ઉપરાંત માતા પાર્વતીએ શક્તિઓ પણ આપી.’

દેવર્ષિ નારદ: ‘પણ માતા પાર્વતી અને ભગવાન શિવ તમને ક્યાં મળ્યા એ તો મને તમે જણાવ્યું જ નહીં.’

ઋષિ ધરૌમ્ય: ‘ભગવાન શિવ માતા પાર્વતીને બ્રહ્મજ્ઞાન આપવા અને મને કબૂતર યોનીમાંથી મુક્ત કરવા હિમાલય પર્વતમાળામાં અમરનાથ ગુફાનું નિર્માણ કર્યું છે.’

ભગવાન શિવ અને માતા પાર્વતી કયા સ્થાન પર વિદ્યમાન છે એની જાણકારી મળતાં જ દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય લે છે અને કૈલાસ પહોંચે છે. ત્યાં પહેલેથી જ માતા લક્ષ્મી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, માતા સરસ્વતી અને બ્રહ્માજી ઉપસ્થિત હોય છે.

ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘દેવર્ષિ નારદનું આગમન યોગ્ય જાણકારી મળશે એની ખાતરી છે. શું તમને હિમલિંગ રહસ્ય મળી ગયું લાગે છે.’

દેવર્ષિ નારદ: ‘તમારા આશીર્વાદ લઈને કરેલું કામ ક્યારેય નિષ્ફળ થતું નથી, તેમાં સદાય સફળતા જ મળે છે. માતા પાર્વતી અને ભગવાન શિવે મહર્ષિ ઓર્વના શિષ્ય ઋષિ ધરૌમ્યને હિમાલયની પર્વતમાળાની એક ગુફામાં કબૂતર યોનીમાંથી મુક્ત કરી બ્રહ્મજ્ઞાન આપ્યું છે. તો ચાલો અમરનાથ ગુફા.’
 (ક્રમશ:)